સામા, સુરેન્દ્ર કુમાર (ડૉ.) (જ. 31 મે 1934; અ. 2017) : પ્રખ્યાત ગૅસ્ટ્રોઍન્ટેરોલૉજિસ્ટ. તેઓ સર ગંગારામ હૉસ્પિટલના પ્રબંધન મંડળ(management)ના અધ્યક્ષ હતા.
તેમણે અમૃતસરથી મેડિસિનમાં સ્નાતક અને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન(એઇમ્સ)માંથી 1961માં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે જી.બી.પી. હૉસ્પિટલ અને એઇમ્સની ફૅકલ્ટીમાં 1974 સુધી કામ કરેલું. તેમણે યકૃતની બીમારીઓ પર મહત્ત્વનું કામ કર્યું. વાઇરસ બી હિપૅટાઇટિસ અને નૉન-સિરોટિક પૉર્ટલ ફાઇબ્રોસિસ પર કરવામાં આવેલાં તેમનાં શોધકાર્યોની આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રશંસા કરવામાં આવી હતી.

(ડૉ.) સુરેન્દ્ર કુમાર સામા
તેમણે ખ્યાતિપ્રાપ્ત આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં વ્યાખ્યાન આપ્યાં અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પત્ર-પત્રિકાઓમાં તેમના 45થી વધુ લેખ પ્રકાશિત થયા. તેઓએ સર ગંગારામ હૉસ્પિટલમાં ગૅસ્ટ્રોઍન્ટેરોલૉજી વિભાગ શરૂ કર્યો તથા તેનું નિર્માણ કર્યું જેને ભારતના સર્વોત્તમ વિભાગોમાં ગણવામાં આવે છે. તેમના માર્ગદર્શન હેઠળ આ હૉસ્પિટલમાં ઉચ્ચકોટિની ચિકિત્સા સુવિધા અને સ્નાતકોત્તર શિક્ષણ પ્રદાન કરવામાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત થઈ છે. તેઓ ભારત અને વિદેશોમાં ઘણા ખ્યાતિપ્રાપ્ત ચિકિત્સા, વૈજ્ઞાનિક અને શૈક્ષણિક સંગઠનો સાથે જોડાયેલા રહ્યા હતા. તેઓ ઇન્ડિયન સોસાયટી ઑવ્ ગૅસ્ટ્રોઍન્ટેરોલૉજીના અધ્યક્ષ હતા. તેમને 2001માં ભારતના રાષ્ટ્રપતિના માનદ ચિકિત્સક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
તેમને મેડિકલ મૅન-કમ-સ્ટેટ્સમૅનની સર્વોચ્ચ શ્રેણીમાં ભારત અને વિદેશોના પ્રસિદ્ધ સામાજિક અને ચિકિત્સા સંગઠનોના પણ ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2004માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.
પૂરવી ઝવેરી