સામાજિક જૂથો : જેમના વચ્ચે કોઈક સ્વરૂપે આંતરસંબંધો પ્રવર્તતા હોય એવી વ્યક્તિઓનો સમુદાય.
જૂથની વિભાવના સમાજશાસ્ત્રમાં કેન્દ્રસ્થાને છે. આથી સમાજશાસ્ત્રને જૂથનાં ઉદભવ, પ્રક્રિયા અને (જૂથ) રચનાના શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિ સામાજિક પ્રાણી હોઈ જૂથ વિના તેનું વર્તન અને જીવન અશક્ય છે. પ્રત્યેક પળે અને સ્થળે વ્યક્તિનું વર્તન જૂથથી અસર પામે છે. રૉબિન એમ. વિલિયમ બે કે તેથી વધુ વ્યક્તિઓ જેઓ લાંબા સમય દરમિયાન એકબીજા સાથે આંતરક્રિયા કરે છે અને પોતાને વિશિષ્ટ સામાજિક એકમ તરીકે ઓળખાવે છે તેને જૂથ કહે છે. જ્યૉર્જ હોમન્સની દૃષ્ટિએ ‘જૂથ આંતરક્રિયાનું પરિણામ છે.’ એટલે કે આંતરક્રિયા દ્વારા જૂથનાં લક્ષણો અને રચના શક્ય બને છે. સમાજશાસ્ત્રમાં પ્રાથમિક જૂથની વિભાવના મહત્ત્વની છે. અમેરિકન સમાજશાસ્ત્રી ચાર્લ્સ હૉર્ટન કૂલે(1864-1929)ને પ્રાથમિક જૂથની વિભાવનાના પુરસ્કર્તા લેખવામાં આવે છે. કૂલેએ આ વિભાવના 1909માં પોતાની કૃતિ ‘સોશિયલ ઑર્ગનાઇઝેશન’માં આપી છે. કૂલેની દૃષ્ટિએ ‘ગાઢ મોઢામોઢનું સાહચર્ય અને સહકાર પ્રાથમિક જૂથને વ્યક્ત કરે છે.’ દા.ત., કુટુંબ, રમતજૂથ, મિત્રવર્તુળ, પડોશજૂથ અને વૃદ્ધોનું જૂથ, પ્રાથમિક જૂથની રચના માટે સભ્યો વચ્ચેની ભૌતિક અથવા શારીરિક નજીકતા, નાનું કદ અને સંબંધોનું સાતત્ય જેવી ભૌતિક શરતો અનિવાર્ય છે. આ ત્રણેય શરતો એકબીજા સાથે સંકળાયેલી છે. કૂલેની દૃષ્ટિએ મોઢામોઢની આંતરક્રિયા પ્રાથમિક જૂથ માટેની સ્થિતિ પેદા કરે છે. ગાઢતા અથવા નિકટતા પેદા કરવા નજીકના સંપર્કો એટલે કે મોઢામોઢનું સાહચર્ય જરૂરી છે. સતત એકબીજાને જોવાથી અને વાતચીત કરવાથી વિચારો, અભિપ્રાયો અને લાગણીની આપ-લે થાય છે અને નિકટના સંબંધો પેદા થાય છે; દા.ત., સાથે રમવું, જમવું, હરવું-ફરવું, મુસાફરી કરવી, અભ્યાસ કરવો. શું મોઢામોઢનું સાહચર્ય હમેશાં નિકટના સંબંધો પેદા કરે છે ? દા.ત., વેશ્યાગૃહે જતી વ્યક્તિના સંબંધો મોઢામોઢના હોવા છતાં નિકટતામાં પરિણમતા નથી. માત્ર અપવાદ રૂપે જ કોઈક વેશ્યા સાથેના સંબંધો નિકટતામાં પરિણમે છે, પરંતુ તેમાં પણ સમાજ અવરોધક બને છે. આનાથી વિરુદ્ધ બે મિત્રો અથવા કુટુંબો જેઓ એકબીજાથી દૂર અન્ય દેશોમાં વસે છે તેમની વચ્ચે મોઢામોઢના સંપર્કો ન હોવા છતાં પરોક્ષ રીતે પત્રવ્યવહાર દ્વારા સંપર્ક રાખી તેઓ નિકટના સંબંધો વિકસાવી શકે છે. આમ પ્રાથમિક જૂથરચના માટે મોઢામોઢના સંપર્કો આકસ્મિક શરત છે, પરંતુ અનિવાર્ય નથી. વળી સાંસ્કૃતિક-સામાજિક પરંપરાઓ જૂથરચનામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે; દા.ત., જુદી જુદી જ્ઞાતિઓ, વર્ગો, ધાર્મિક સમૂહો, વ્યવસાયો, ઉંમર અને જાતિની વ્યક્તિઓ તેમની આગવી પરંપરાઓને કારણે ભૌતિક રીતે એકબીજાની નિકટ હોવા છતાં જૂથનું સ્વરૂપ ધારણ કરી શકતી નથી.
આનાથી ઊલટું, લગ્નથી સંકળાયેલ બે વ્યક્તિઓ વચ્ચેની ભૌતિક નજીકતા પરંપરાની રીતે સ્વીકૃત મનાય છે. આવી જ રીતે જૂથનું કદ નાનું હોવાથી તેના સભ્યો વારંવાર આંતરક્રિયામાં સાથે આવે છે અને પરિણામે તેમનામાં નિકટતા વધે છે. વળી જૂથના સભ્યો વારંવાર એકબીજા સાથે આંતરક્રિયા કરતા હોવાથી તેમના સંબંધો તીવ્ર અને ગહન બને છે. તેમના સંબંધોમાં સાતત્ય રહે છે.
ભૌતિક શરતોની સાથે આપણે પ્રાથમિક જૂથનાં સામાજિક લક્ષણો પણ સમજવાં જરૂરી છે. ભૌતિક શરતો પ્રાથમિક પ્રકારનાં લક્ષણો અથવા સંબંધો વિકસાવવાની તક પૂરી પાડે છે. પ્રાથમિક જૂથનાં સામાજિક લક્ષણોમાં ધ્યેયોની સમાનતા, સંબંધોનું વ્યક્તિગતપણું અને અંગતતા તેમજ સંબંધોમાં ઐચ્છિકતા અથવા સ્વયંભૂતાનો સમાવેશ થાય છે; દા.ત., ગાઢ મૈત્રી, માતા-બાળક, પતિ-પત્ની. અહીં બંને પક્ષ એકબીજાનાં સુખદુ:ખમાં ભાગીદાર બને છે. ગાઢ મિત્રાચારી, પ્રેમના સંબંધો અને કુટુંબ જેવા કદમાં નાના અને સાતત્ય ધરાવતા જૂથમાં સ્નેહ, હૂંફ, સુમેળની સાથે શંકા, હરીફાઈ અને ધિક્કારની લાગણી જોવા મળે છે. કેટલીક વખત સંબંધોમાં ઔપચારિકતા આવી જાય છે; દા.ત., પિતા-પુત્રના, પતિ-પત્ની અને ભાઈ-બહેનના સંબંધોમાં કેટલીક વખત ઔપચારિકતા આવી જાય છે. આમ, પ્રાથમિક જૂથો અનિવાર્યપણે નાનાં હોય છે પણ બધાં જ નાનાં જૂથો અનિવાર્યપણે પ્રાથમિક હોતાં નથી. તેમાં ઔપચારિકતાનું તત્ત્વ દાખલ થતાં તે દૂરવર્તી બની જાય છે. પ્રાથમિક જૂથો માનવસ્વભાવના ઘડતરની શાળા છે; કારણ, તે સ્નેહ, હૂંફ, સ્વતંત્રતા, ન્યાય, સમાનતા, બલિદાન જેવા આદર્શો આપી વ્યક્તિમત્તા અને સ્વનું ઘડતર કરે છે; ઉપરાંત સાંસ્કૃતિક વારસો તેના દ્વારા શક્ય બને છે.
દૂરવર્તી જૂથોનાં લક્ષણો પ્રાથમિક જૂથોની વિરુદ્ધનાં મનાય છે. તેનો વિસ્તાર અથવા તેનું ક્ષેત્ર વિશાળ હોય છે. તેની સભ્યસંખ્યા મોટી હોય છે. તેના સભ્યોમાં ધ્યેયોની અસમાનતા હોય છે. પ્રત્યેક સભ્ય એકબીજાને પોતાનાં ધ્યેયો હાંસલ કરવાના સાધન તરીકે જુએ છે. દૂરવર્તી જૂથનું સાતત્ય ટૂંકા ગાળાનું હોય છે. દૂરવર્તી જૂથમાં સંપર્કો મોઢામોઢને બદલે ઉપરછલ્લા, ક્ષણિક, પરોક્ષ અને અવૈયક્તિક હોય છે. સંબંધો લેખિત, કરારમય, હિતલક્ષી અને ઔપચારિક હોય છે; રાષ્ટ્ર, સ્વૈચ્છિક મંડળો, કામદાર-સંગઠનો, અમલદારશાહી, જેલ, હૉસ્પિટલ વગેરે દૂરવર્તી જૂથોનાં ઉદાહરણો છે. અમલદારશાહી જેવા દૂરવર્તી જૂથના સભ્યો વચ્ચે સમાન હેતુ, જ્ઞાતિ, ધર્મ, પ્રદેશ, ભાષા અથવા વર્ગ આધારિત પ્રાથમિક સંબંધો વિકસે છે. રાષ્ટ્ર પણ એક પ્રકારનું દૂરવર્તી જૂથ છે. ભારત દેશના જ નાગરિકો અન્ય દેશમાં ભેગા મળે ત્યારે તેમની વચ્ચે એક પ્રકારની નિકટતાના સંબંધો સ્થપાય છે. રાષ્ટ્રે એક જૂથ તરીકે ચાલુ રહેવું હોય તો તેણે પોતાના નાગરિકોને એક તાંતણે બાંધી રાખવા માટે પ્રતીકોનો આધાર લેવો પડે છે. રાષ્ટ્રધ્વજ તેમજ રાષ્ટ્રગીત એવાં પ્રતીકો છે. પ્રત્યેક પ્રાથમિક જૂથોમાં દૂરવર્તી જૂથોનાં ઔપાચરિક તત્ત્વો જોવા મળે છે અને દૂરવર્તી જૂથમાં પ્રાથમિક જૂથોનાં લાગણી અને નિષ્ઠાનાં તત્ત્વો જોવા મળે છે. બંનેમાં એકબીજાનાં તત્ત્વોનું મિશ્રણ જોવા મળે છે. સામાન્ય રીતે પ્રાથમિક જૂથ આદિમ અથવા સુસંબદ્ધ અને નાના સમાજનું લક્ષણ મનાય છે જ્યારે દૂરવર્તી જૂથ ઔદ્યોગિક એવા શહેરી સમાજનું લક્ષણ મનાય છે. શહેરી સમાજમાં પ્રાથમિક જૂથ-સંબંધો કરતાં દૂરવર્તી જૂથ-સંબંધોનું પ્રમાણ વધુ હોય છે. પરિણામે શહેરમાં લોકો એકલવાયાપણું અને આપણાપણાની ભાવનાના અભાવથી પીડાય છે.
સમાજમાં બધાં જ જૂથો સમાન હોતાં નથી. તેઓ એકબીજાથી અનેક રીતે અલગ પડે છે. જૂથને અનેક રીતે વર્ગીકૃત કરવા પ્રયાસ થયા છે. વિલિયમ ગ્રેહામ સમર વ્યક્તિના ભાવનિષ્ઠ વલણના આધારે જૂથોનું અંતર્જૂથ અને બાહ્યજૂથમાં વર્ગીકરણ કરે છે. અંતર્જૂથના સભ્યોમાં સહકાર, એકતા, નિષ્ઠા, ભાઈચારાની લાગણી અને બલિદાનની ભાવના હોય છે; પરંતુ બાહ્યજૂથ પ્રત્યે તેમનું વલણ વૈરભાવ, તિરસ્કાર અથવા ધિક્કારનું હોય છે. બાહ્યજૂથને તેઓ પરાયા અને પોતાથી અલગ છે તે રીતે જુએ છે. આમ, એકને માટે જે અંતર્જૂથ છે તે બીજા માટે બાહ્યજૂથ છે. પ્રત્યેક જૂથ પોતાનાં મૂલ્યો, ધોરણો, જીવનશૈલી અને સંસ્કૃતિને અન્ય કરતાં ચઢિયાતી માનતું હોવાથી આ ઘટના અહમપ્રધાન વલણને પોષે છે. પરિણામે સમાજમાં આંતર-જૂથ-સંઘર્ષ વધે છે. પિટ્રિમ સરોકિન રાષ્ટ્ર, ધાર્મિક સંગઠનો અને રાજકીય પક્ષોને આડા જૂથ તરીકે ઓળખાવે છે; જ્યારે આર્થિક વર્ગોને ઊભા જૂથ તરીકે ઓળખાવે છે. ચાર્લ્સ એલવુડ અનૈચ્છિક અને સ્વૈચ્છિક, સંસ્થાકીય અને બિન-સંસ્થાકીય તેમજ હંગામી અને કાયમી સ્વરૂપે જૂથને વર્ગીકૃત કરે છે. કુટુંબ, શહેર અને રાજ્ય અનૈચ્છિક જૂથ છે; કારણ, તેનું સભ્યપદ સ્વયંભૂ છે. રાજકીય પક્ષ, ધાર્મિક સંપ્રદાય અને સાંસ્કૃતિક મંડળ સ્વૈચ્છિક છે; કારણ, તેનું સભ્યપદ મરજિયાત છે. દેવળ અને શાળા કાયમી જૂથ છે, જ્યારે ટોળાં અને રમતગમતનાં વિશાળ જૂથો હંગામી છે. ગીલીન અને ગીલીને જૂથ-વર્ગીકરણના ચાર પ્રકારો આપ્યા છે : (1) લોહીના સંબંધો પર આધારિત જૂથ, જેમાં સગાઈસંબંધોનો સમાવેશ થાય છે; (2) શારીરિક લક્ષણો પર આધારિત જૂથ, જેમાં ઉંમર, જાતિ અને પ્રજાતિ-જૂથોનો સમાવેશ થાય છે; (3) ભૌતિક નિકટતા પર આધારિત જૂથ, જેમાં ટોળાં અને સમુદાયોનો સમાવેશ થાય છે; (4) સાંસ્કૃતિક હિતો પર આધારિત જૂથ; જેમાં આર્થિક, રાજકીય, ધાર્મિક અને શૈક્ષણિક જૂથોનો સમાવેશ થાય છે.
સમાજશાસ્ત્રમાં સામાજિક જૂથો અને તેનાં ગત્યાત્મક પાસાંના અભ્યાસનું વિશેષ મહત્ત્વ છે; કારણ, તેના દ્વારા માનવજીવનના ઝીણામાં ઝીણા પાસાનો ખ્યાલ આવે છે. જ્યૉર્જ હોમન્સ જણાવે છે કે આપણે વિશાળ સમાજો અને સભ્યતાઓ પર સામાન્યીકરણ સ્થાપવા પ્રયાસ કર્યા છે; પરંતુ આ વિશાળ એકમો એટલા બધા જટિલ છે કે હજી આપણે તેના વિશ્લેષણ માટે પૂરતાં અને ભરોસાપાત્ર સાધનો વિકસાવી શક્યા નથી. આથી હોમન્સ વિશાળ સમાજોને બદલે નાનાં જૂથોના અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. સભ્યતાઓ અને સામ્રાજ્યોની ચઢતી-પડતી થઈ છે, પરંતુ આ બધાંમાં નાનાં જૂથો ચાલુ રહ્યાં છે. સમાજમાં માનવીનું ઐતિહાસિક સાતત્ય નાનાં જૂથો દ્વારા જળવાઈ રહ્યું છે.
યોહાન્ન પરમાર