સામાજિકીકરણ (Socialization) : વ્યક્તિને સામાજિક બનાવતી પ્રક્રિયા. માનવ-બાળક જન્મ સમયે માત્ર જૈવિક અસ્તિત્વ ધરાવતું હોય છે; અર્થાત્, પ્રાણી-બાળ જેવું જ હોય છે. ત્યારપછી તેને સમાજનાં પ્રચલિત ધોરણો, મૂલ્યો, સામાજિક સંબંધોની વિવિધ ઢબો શીખવવામાં આવે છે. આ શિક્ષણ આપતી પ્રક્રિયાને સામાજિકીકરણ કહેવામાં આવે છે. દરેક સમાજ તેનાં નવાં જન્મેલાં બાળકોને નિશ્ચિત ઢબે અને આગવાં સાધનોની મદદથી સમાજમાં જીવવાની તાલીમ આપે છે, જેથી એ વ્યક્તિ પોતાના સમાજને લક્ષમાં રાખીને પોતાનું વ્યક્તિત્વ વિકસાવી શકે. આમ, આ પ્રક્રિયા જૈવિક (biological) વારસો અને પ્રાણીજન્ય જરૂરિયાત સાથે જન્મતા નવજાત શિશુને સામાજિક અસ્તિત્વ પ્રદાન કરે છે. આથી સામાજિકીકરણને જૈવિક વ્યક્તિનું માનવીકરણ (Humanization) કરતી પ્રક્રિયા પણ કહે છે. એક તરફ આ પ્રક્રિયા બાળકને તેના પોતાના ‘સ્વ’થી સભાન કરે છે, તેનું એક સામાજિક વ્યક્તિ તરીકે ઘડતર કરે છે અને તેના વ્યક્તિત્વને સામાજિક આકાર અને વળાંક આપે છે તો બીજી તરફ સામાજિકીકરણની આ સમગ્ર પ્રક્રિયા જે તે સમાજ અને સંસ્કૃતિનાં પ્રવર્તમાન ધોરણો, મૂલ્યો અને અપેક્ષાઓ મુજબ થાય છે. આથી સમાજ અને સંસ્કૃતિનું અસ્તિત્વ અને સાતત્ય ટકી રહે છે. આ રીતે આ પ્રક્રિયા વ્યક્તિ અને સમાજ બંને માટે મહત્વની છે.
સામાજિકીકરણની પ્રક્રિયા પ્રત્યેક સમાજમાં પ્રત્યેક સમયે અપવાદ વગર જોવા મળે છે. તેમાં સામાજિક આંતરક્રિયાને આનુષંગિક વિવિધ પ્રક્રિયાઓ (સહકાર, સંઘર્ષ, સ્પર્ધા, સમન્વય, દભાણ વગેરે) ગૂંથાયેલી હોય છે, જે વ્યક્તિને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે તે સમાજનાં ધોરણો, મૂલ્યો અને ધ્યેયો શીખવે છે. આમ કરતાં વ્યક્તિ વિકસે છે; પરંતુ સમગ્ર પ્રક્રિયા સમાજલક્ષી છે. તેમાં સામાજિકીકરણ કરનાર (શીખવનાર) અને જેનું સામાજિકીકરણ થાય છે (શીખનાર) તે બંને પક્ષો સક્રિય રહે છે. વળી, આ પ્રક્રિયા વ્યક્તિના જન્મથી શરૂ કરી મૃત્યુપર્યંત ચાલે છે. સામાજિકીકરણની આ વિશેષતાઓ જ માનવજીવનને અન્ય પ્રાણીઓ કરતાં જુદું અને વિશિષ્ટ બનાવે છે.
માનવીમાં માનવીય ગુણોના વિકાસ માટે સામાજિકીકરણ અનિવાર્ય અને અવિચ્છેદનીય પ્રક્રિયા છે; પરંતુ આ પ્રક્રિયા માટે પણ માનવને મળતો વિશિષ્ટ જૈવિક વારસો, માનવ-સમાજનું અસ્તિત્વ અને વ્યક્તિનો માનવ-સ્વભાવ હોવો એ પૂર્વશરત છે. આ મુદ્દાનું થોડું વિવરણ અત્રે પ્રસ્તુત છે.
વિશિષ્ટ જૈવિક વારસો એ સામાજિકીકરણનો પાયો છે. ભૂખ, તરસ, ઊંઘ, જાતીય સંતોષ વગેરે સહજવૃત્તિ જીવમાત્રમાં હોય છે; પરંતુ માનવીમાં નરી સહજવૃત્તિ જ નથી હોતી; વળી લાંબું પરાવલંબી બાળપણ, આંતરક્રિયાની જરૂરિયાત, ભાષા, અભિવ્યક્તિ અને અન્ય પ્રાણીઓની તુલનામાં શીખવાની અનન્ય શક્તિ વગેરે જેવી જૈવિક વિશેષતા એ માનવને જન્મથી જ જૈવિક વારસા સ્વરૂપે મળે છે. આ વારસો જૈવિક માનવનું સામાજિકીકરણ શક્ય બનાવે છે; પરંતુ માનવીની જૈવિક પ્રકૃતિનું માનવસ્વભાવમાં રૂપાંતર કરવાનું કાર્ય માનવસમાજ અને સંસ્કૃતિના સંપર્કથી જ શક્ય બને છે. આથી સામાજિકીકરણ માટે માનવસમાજનું અસ્તિત્વ અને તેની સાથે સતત સંપર્ક અને સાતત્યપૂર્ણ આંતરક્રિયા જરૂરી છે. માનવ-બાળકને માનવસમાજથી અલિપ્ત રાખીને તેનું કેવું ઘડતર થાય છે તે તપાસવા માટેના પ્રયોગો ન કરી શકાય. અલબત્ત, અનાયાસે અને આકસ્મિક રીતે અમલા અને કમલા (વરુ બાળકો), અન્ના અને ઈઝાબેલા, કાસ્પર-હાઉસર જેવા કિસ્સાઓ મળી આવ્યા છે. એ સામાજિકીકરણ માટે સમાજના અસ્તિત્વની જરૂરિયાતને સ્પષ્ટ કરે છે. આ સિવાય વ્યક્તિનો માનવ-સ્વભાવ હોય એ પણ સામાજિકીકરણની મહત્વની પૂર્વશરત બની રહે છે; અર્થાત્, માનવ-બાળક નરી પશુવૃત્તિ ધરાવતું હોય કે ગાંડું હોય તોપણ માનવનું સામાજિકીકરણ શક્ય ન બને.
અલબત્ત, માનવ-સ્વભાવ જૈવિક વારસામાં ન મળે; છતાં સામાજિકીકરણ કરનારાઓની લાગણીની/ભાવની અભિવ્યક્તિને ઝીલી શકે એવો માનવ-સ્વભાવ હોય એ અપેક્ષિત છે.
વ્યક્તિના સામાજિકીકરણની આ પ્રક્રિયા પરોક્ષ રીતે ગર્ભાધાનથી શરૂ થાય છે; પણ પ્રત્યક્ષ રીતે જન્મ પછીથી શરૂ થઈને મૃત્યુપર્યંત ચાલે છે. સામાજિકીકરણ માટે બાળપણ અને યૌવનકાળ વધારે મહત્વનો બને છે, આથી તેને આધારે સામાજિકીકરણના તબક્કાઓ સૂચવવામાં આવે છે. વાસ્તવમાં આ પ્રક્રિયા અખંડિત અને અસ્ખલિત છે. તેની પાછળ કેટલાક સામાજિક ઉદ્દેશો છે; જેમ કે, નર્યો જૈવિક વારસો લઈને જન્મેલા બાળક્ધો મૂળભૂત શિસ્ત અને સંયમ શીખવવાં, તેનામાં સમાજમાન્ય મહત્ત્વાકાંક્ષા અને આદર્શો આરોપિત કરવા તેને યથાર્થ સામાજિક ભૂમિકા અને વિવિધ કૌશલ્યો શીખવવાં વગેરે.
માનવ-બાળકનું સામાજિકીકરણ કરવામાં અનેક વ્યક્તિઓ, નિકટવર્તી તેમજ દૂરવર્તી જૂથો તેમજ સાધનોનો ફાળો હોય છે. સામાજિકીકરણ માટે કુટુંબ, સમકક્ષ જૂથો કે મિત્રો, શાળા અને સંચાર-માધ્યમો મહત્વનાં છે. તેને સામાજિકીકરણનાં ઉપકરણો કે એજન્ટો કહેવામાં આવે છે.
કુટુંબ વ્યક્તિને સમાજનાં મૂલ્યો, ધોરણો, વ્યવહારો તેમજ ભાષા શીખવે છે. કુટુંબ બાળકને સત્તાના સંબંધો તેમજ સમાનતાના સંબંધો – એ રીતે બંને પ્રકારના સંબંધો પૂરા પાડે છે. કુટુંબને (nursery of human nature) માનવ-સ્વભાવની ઉછેરવાડી કહે છે. કુટુંબમાં દબાણ (repression) દ્વારા તેમજ ભાગીદારીપૂર્વકનું (partici- patory) -એમ બંને ઢબે સામાજિકીકરણ થાય છે. કુટુંબ બાળકનું સામાજિકીકરણ કરતાં કરતાં જૈવિક વૃત્તિનું નિયમન અને નિયંત્રણ, તેના વ્યક્તિત્વનો વિકાસ અને સમાજની સંસ્કૃતિનું હસ્તાંતરણ કરે છે. વળી બાળકનો સામાજિકીકરણનાં અન્ય એજન્ટો/ઉપકરણો સાથેનો સંપર્ક પણ તે કરાવે છે. આથી તેને વ્યક્તિના જીવનનું સૌથી પહેલું અને અત્યંત મહત્વનું ઉપકરણ કહેવામાં આવે છે.
સમવયસ્કો કે સમકક્ષ જૂથો (peer group) અર્થાત્, મિત્રો આકસ્મિક રીતે સામાજિકીકરણ કરે છે; છતાં મિત્રો વ્યક્તિને કે મિત્રને સામાજિક જીવનની તાલીમ સહજ રીતે અને ધોરણ-પાલનના ભાર વગર આપે છે. સમવયસ્કો ખેલદિલી, ઉદારતા અને સ્વયંશિસ્ત જેવા ગુણો રમતાં રમતાં જ શીખવી દે છે. મિત્રો/સમવયસ્કો વ્યક્તિને માતા-પિતા કરતાં પણ વધારે સ્થિર ‘મૉડલ’ પૂરું પાડે છે. આથી વડીલોનો ડર ઘટે છે અને વ્યક્તિ પોતાના ભાવો/લાગણીની અભિવ્યક્તિ યોગ્ય રીતે કરી શકે છે.
જ્યાં મિત્રો સૌથી વધારે થઈ શકે એવી શક્યતા છે એ શાળા માનવ-બાળકનું આયોજનપૂર્વક સામાજિકીકરણ કરે છે. શાળામાં સામાજિકીકરણ કરવામાં શિક્ષકોનો ફાળો સવિશેષ હોય છે.
સાંપ્રત સમયમાં સંચાર-માધ્યમો પણ સામાજિકીકરણનું મહત્વનું ઉપકરણ (એજન્ટ) છે. તે લેખિત, શ્રાવ્ય અને દૃશ્ય-શ્રાવ્ય એમ ત્રણ સ્વરૂપનાં હોય છે. સાંપ્રત સમયમાં દૃશ્ય-શ્રાવ્ય માધ્યમનું મહત્વ વધ્યું છે. આ અવૈયક્તિક સાધન છે. તેમાં રજૂ થતા વિચારો અને મૂલ્યોને લગતા કાર્યક્રમોની પસંદગી યોગ્ય ઢબે થાય તો તે સામાજિકીકરણના અસરકારક માધ્યમ તરીકે પ્રસ્થાપિત થઈ શકે.
ટૂંકમાં, વ્યક્તિના સામાજિકીકરણમાં અનેક ઉપકરણોનો ફાળો છે; પણ કુટુંબ સૌથી પહેલું અને મહત્વનું ઉપકરણ છે. તેની સરખામણી અન્ય કોઈ ઉપકરણ સાથે થઈ ન શકે; છતાં પ્રત્યેક વિકસિત સમાજ સામાજિકીકરણ માટે કેળવણીની જુદી જુદી ઢબો રચે છે, વળી ધર્મ અને રાજ્ય પણ સામાજિકીકરણ કરે છે.
અંતે કહી શકાય કે સામાજિકીકરણ એ જન્મસમયે માત્ર શારીરિક અસ્તિત્વ ધરાવતા માનવ-બાળને પોતાના સ્વ અને સ્વતંત્ર અસ્તિત્વનો ખ્યાલ આપતી; તેનામાં સામાજિક, સાંસ્કૃતિક મૂલ્યો અને ધોરણો તેમજ સામાજિક માનવ તરીકેના ગુણો આરોપિત કરતી, બાળકોને ભાવિ સામાજિક ભૂમિકા માટે તૈયાર કરતી અને તેને સામાજિક ક્ષમતા બક્ષતી મહત્વની પ્રક્રિયા છે; જે વય વધવા સાથે કુટુંબના સભ્યો, સમવયસ્કો, શાળા અને સંચાર-માધ્યમો દ્વારા શક્ય બને છે. બાળપણથી જ સામાજિક વાતાવરણથી અલિપ્ત વ્યક્તિ સામાજિક બની શકતી નથી. વ્યક્તિને સમાજથી અલિપ્ત રાખવાના પ્રયોગો થઈ ન શકે, પણ મળી આવેલા કેટલાક કિસ્સાઓએ સામાજિકીકરણના મહત્વને પુરવાર કર્યું છે. ટૂંકમાં, સામાજિકીકરણ જૈવિક વ્યક્તિને સામાજિક બનાવી તેના વ્યક્તિત્વનો વિકાસ કરે છે, સંસ્કૃતિનું સંવહન કરી સમાજ અને સંસ્કૃતિનું સાતત્ય ટકાવે છે અને સમાજને સભાનતા-સભર સભ્યો પૂરા પાડે છે. આમ, આ પ્રક્રિયા વ્યક્તિ, સમાજ અને સંસ્કૃતિ – એમ ત્રણેયને ટકાવતી અને ત્રણેયનો સમન્વય કરતી અત્યંત મહત્વની પ્રક્રિયા છે.
નલિની કિશોર ત્રિવેદી