સામતાપ્રસાદ (જ. 1920, કાશી; અ. 2001, કાશી) : ભારતના દિગ્ગજ તબલાવાદક. પિતાનું નામ બાચા મિશ્ર જેઓ પોતે કુશળ તબલાવાદક હતા. તેમના પરિવારમાં તબલાવાદનની કલા વંશપરંપરાગત રીતે ચાલતી આવી છે.

સામતાપ્રસાદ

તેમણે તબલાવાદનની તાલીમની શરૂઆત પિતાના માર્ગદર્શન હેઠળ કરી હતી, પરંતુ તેમની નાની ઉંમરમાં પિતાનું અવસાન થતાં તેમણે તબલાવાદનની ઉચ્ચ શિક્ષા પંડિત બળદેવ સહાયના શિષ્ય પંડિત બિક્કુજી મિશ્ર પાસેથી લીધી હતી. અથાગ પરિશ્રમ કરવાના તેમના ગુણને કારણે ટૂંક સમયમાં જ એક કુશળ તબલાવાદક તરીકે તેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી. ગાયન ઉપરાંત વાદન અને નૃત્યમાં સંગત કરવામાં પણ તેઓ માહેર હતા. દેશનાં સંગીત-સંમેલનોમાં એકલ તબલાવાદન તથા દિગ્ગજ ગાયકો અને વાદકો સાથે તેમણે સંગત કરી હતી. એકલ તબલાવાદનના કાર્યક્રમોમાં વાદનની સાથોસાથ તબલાના બોલ રજૂ કરવામાં તેઓ અજોડ ગણાતા હતા. દેશવિદેશમાં ઘણા કાર્યક્રમોમાં તેમણે એકલવાદન રજૂ કર્યું છે.

વર્ષ 1972માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’ના ખિતાબથી સન્માન્યા હતા. 1997માં તેમને ‘પદ્મભૂષણ’નો ખિતાબ એનાયત થયો હતો. અમદાવાદની શાસ્ત્રીય સંગીતને વરેલી જાણીતી ‘સપ્તક’ સંસ્થાએ તેમનું જાહેર સન્માન કર્યું હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે