સાપોરો : જાપાનના સૌથી ઉત્તર તરફના ટાપુ હોકાઈડોનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 43° 03´ ઉ. અ. અને 141° 21´ પૂ. રે.. ઓતારુ અખાત નજીકના ટાપુના પશ્ચિમ ભાગમાં તે આવેલું છે.
1871માં સાપોરો શહેર માટેની યોજના મૂકવામાં આવેલી અને પાશ્ચાત્ય શહેરો મુજબ તેનું નિર્માણ કરવામાં આવેલું. આ નગર આખા ટાપુના ઉત્પાદક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે સેવા આપે છે. અહીં ઉત્પન્ન થતી પેદાશોમાં કંતાન જેવું કાપડ, રબરનો માલસામાન, ઠારેલું દૂધ અને પ્રક્રમિત સોયાબીનનો સમાવેશ થાય છે. સાપોરોનાં જોવાલાયક આકર્ષણનાં સ્થાનોમાં હોકાઈડો યુનિવર્સિટી અને આલ્પાઇન ફ્લોરા ધરાવતા વનસ્પતિ-ઉદ્યાનોનો સમાવેશ થાય છે. અહીંના નિવાસીઓ અને બહારના પ્રવાસીઓ પરાંઓમાંના ઢોળાવો પર સ્કી રમતો માણે છે તથા શહેરની નૈર્ઋત્યમાં 18 કિમી. દૂર આવેલા જોઝાન્કી ગરમ પાણીના ઝરા જોવા જાય છે. 1972માં શિયાળુ ઑલિમ્પિક રમતોત્સવ અહીં સાપોરો ખાતે યોજાયેલો.
1999 મુજબ સાપોરોની વસ્તી 17,92,000 જેટલી હતી.
ગિરીશભાઈ પંડ્યા