સાન મૅરિનો : ઇટાલીથી ઘેરાયેલો યુરોપનો નાનો દેશ. ભૌગોલિક સ્થાન : તે 44° ઉ. અ. અને 12° 28´ પૂ. રે.ની આજુબાજુનો માત્ર 61 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. ઈશાન ઇટાલીના એપેનાઇન પર્વતોમાં આવેલું છે. આ દેશનો મોટો ભાગ તેના પાટનગર અને મોટામાં મોટા શહેર સહિત માઉન્ટ ટિટેનો પર આવેલો છે. પાટનગરનું નામ પણ સાન મૅરિનો છે. સાન મૅરિનો દુનિયાના નાનામાં નાના દેશો પૈકીનો એક છે; એટલું જ નહિ, તે દુનિયાનો જૂનામાં જૂનો પ્રજાસત્તાક દેશ છે. ચોથી સદીથી તે સ્વતંત્ર બનેલો છે. તેનું સત્તાવાર નામ લા સેરેનિસ્સિમા રિપબ્લિકા દી સાન મૅરિનો (સાન મૅરિનોનું ખૂબ જ શાંત પ્રજાસત્તાક) છે. સાન મૅરિનો એ લોકપ્રિય પ્રવાસી મથક બની રહેલું છે. અહીં આવતા પ્રવાસીઓ દેશનાં રમણીય અને ભવ્ય દૃશ્યો, કિલ્લેબંધી, વાનગીઓ અને મદ્યપાન તથા રંગબેરંગી ઉત્સવો માણે છે. સાન મૅરિનો તેની સુંદર ટપાલ ટિકિટો માટે પણ જાણીતું છે.
ભૂપૃષ્ઠ : આ દેશ એડ્રિયાટિક સમુદ્ર નજીકના પૂર્વ એપેનાઇન પર્વતોની ઊબડખાબડ ભૂમિપ્રદેશમાં આવેલો છે. માઉન્ટ ટિટેનો 755 મીટરની ઊંચાઈ ધરાવતો ત્રણ શિખરો સહિતનો ઊંચામાં ઊંચો પર્વત છે. આ ત્રણેય શિખરની ટોચ પર મધ્યકાલીન સમયમાં બંધાયેલા ટાવર છે. પાટનગર સાન મૅરિનો પણ પર્વતના શિરોભાગ પર આવેલું છે. આ દેશ નજીકના ઇટાલિયન શહેર રિમિની સાથે સડક અને રેલમાર્ગે જોડાયેલું છે. ઉનાળા દરમિયાન સાન મૅરિનો અને રિમિની વચ્ચેની અવરજવરની સુવિધા હેલિકૉપ્ટરની સેવા દ્વારા પૂરી પાડવામાં આવે છે.
સાન મૅરિનો
સાન મૅરિનોની ઉનાળુ આબોહવા મંદ-સમધાત રહે છે, ત્યારે સરેરાશ તાપમાન આશરે 24° સે.ની આજુબાજુનું હોય છે; પરંતુ શિયાળુ તાપમાન ક્યારેક ઠારબિંદુથી પણ નીચે ચાલ્યું જાય છે. દેશનો સરેરાશ વાર્ષિક વરસાદ 890 મિમી. જેટલો રહે છે. અહીંની જમીનો હલકી અને ખડકાળ છે; તેમ છતાં, સમધાત આબોહવા અને માફકસરના વરસાદથી ખેડૂતો જુદા જુદા કૃષિપાકોનું વાવેતર કરે છે.
અર્થતંત્ર : આ દેશનું મોટાભાગનું અર્થતંત્ર પ્રવાસીઓ સાથેના વેપાર સાથે સંકળાયેલું છે. દર વર્ષે અંદાજે પચીસ લાખ જેટલા પ્રવાસીઓની અહીં અવરજવર રહે છે. બીજા ક્રમે ખેતી અને બાંધકામ-નિર્માણ સામગ્રી મૂકી શકાય. મુખ્ય કૃષિપેદાશોમાં અહીં જવ, ઘઉં, શાકભાજી, ફળો તથા ચેસ્ટનટ તેમજ પ્રાણીઓનાં ચામડાંનો સમાવેશ થાય છે. દ્રાક્ષમાંથી દારૂ બનાવાય છે. પહાડોમાંથી મળતા બાંધકામ માટેના પથ્થરો અને ચૂનો ત્યાંની સપાટતલીય ખાણો(quarries)માંથી મેળવાય છે, તે બધું ઇટાલીમાં નિકાસ થાય છે. ઉત્પાદક ચીજોમાં સિરેમિક્સ, ચામડાની વસ્તુઓ, નળિયાં, વાર્નિશ અને કાપડનો સમાવેશ થાય છે.
સાન મૅરિનોની આવકવૃદ્ધિના બીજા બે સ્રોત – ટપાલટિકિટો અને ઇટાલીમાંથી મળતી વાર્ષિક ચુકવણી છે. દુનિયાભરના ટિકિટસંગ્રાહકો સાન મૅરિનોની ટપાલટિકિટોનો સંગ્રહ કરતા હોય છે. ઇટાલીની સરકાર અમુક વિશેષાધિકારની રૂએ સાન મૅરિનોને નાણાસહાય કરે છે.
લોકો : આ દેશમાં આશરે 27,000 લોકો વસે છે. તે બધા ઉત્તર ઇટાલીના લોકોને ઘનિષ્ઠ રીતે મળતા આવે છે. લગભગ બધા જ નિવાસીઓ રોમન કૅથલિક છે અને તેઓ ઇટાલિયન ભાષા જ બોલે છે. તેમના બધા રીતરિવાજો પણ ઇટાલીને મળતા આવે છે. બધા જ નિવાસીઓ તેમના દેશની લાંબા સમયથી ચાલી આવતી સ્વતંત્રતા માટે ગૌરવ અનુભવે છે અને તેમની ઘણીખરી રજાઓ દેશના ઇતિહાસની ઘટનાઓ સાથે સંકળાયેલી હોય છે.
દેશના મોટાભાગના લોકો પ્રવાસન-ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેમાં હોટેલો, રેસ્તૂરા અને સ્મૃતિચિહ્નનું વેચાણ કરતી દુકાનોનો સમાવેશ થાય છે. બીજા કેટલાક લોકો પથ્થરની ખાણોમાં, ચામડાં તૈયાર કરવામાં તેમજ ચીઝ બનાવવામાં રોકાયેલા હોય છે. ખેડૂતો ઢોર પાળે છે તથા ઘઉં અને દ્રાક્ષની ખેતી કરે છે. અહીંના લગભગ બધા જ લોકો શિક્ષિત છે. 6થી 14 વર્ષનાં બાળકોને માટે કાયદાની રૂએ શિક્ષણ ફરજિયાત છે. ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓ ઇટાલી જાય છે. અહીંનાં મોટાભાગનાં ઘરોમાં ટેલિફોન, રેડિયો, ટી.વી.ની સગવડો હોય છે. ચલચિત્રો પણ અહીં મનોરંજનનું ખૂબ જ લોકપ્રિય સાધન ગણાય છે.
સરકાર : સાન મૅરિનો એક પ્રજાસત્તાક દેશ છે. ગ્રાન્ડ કાઉન્સિલ અને જનરલ કાઉન્સિલ દેશનાં ધારાધોરણો રચે છે. લોકો પાંચવર્ષીય સત્ર માટે 60 કાઉન્સિલના સભ્યોને ચૂંટી કાઢે છે. કાઉન્સિલ સરકાર પર ધ્યાન રાખવા બે સભ્યો પસંદ કરે છે. કૅપ્ટન રીજેન્ટ નામથી ઓળખાતા આ બે અધિકારીઓ છ માસ પોતાની સેવાઓ આપે છે અને તેમને ત્રણ વર્ષ સુધી ચૂંટી શકાતા નથી. તેઓ સરકારનાં 10 ખાતાંના ઉપરીને નિયુક્ત કરે છે. આ કૅપ્ટન રીજેન્ટ અને ખાતાના ઉપરીઓ રાજ્યની કૉંગ્રેસ રચે છે. વર્ષમાં બે વાર બધાં જ કુટુંબોના વડાઓ મળે છે. સદીઓથી આ પ્રથા ચાલી આવે છે અને તે દરમિયાન જાહેર જનતાના પ્રશ્નોની ચર્ચા થાય છે. સાન મૅરિનોમાં કામ કરતા રાજકીય પક્ષો ઇટાલીના જેવા જ છે અને પક્ષોનાં નામ પણ સરખાં જ છે.
ઇતિહાસ : પરંપરા મુજબ, સાન મૅરિનોની સ્થાપના ચોથી સદીમાં ખ્રિસ્તી સલાટ મૅરિનસે કરેલી. દેશનું નામ મૅરિનસ પરથી અપાયેલું છે. મૅરિનસ રોમનો દ્વારા તેના પર થતા ધાર્મિક જુલમમાંથી બચવા માઉન્ટ ટિટેનો તરફ નાસી ગયેલો. 885 સુધીમાં સાન મૅરિનોમાં એક સ્વતંત્ર ધાર્મિક કોમ ઊભી થઈ અને 14મી સદી સુધીમાં પ્રજાસત્તાકની સ્થાપના થઈ. તે પછીનાં 200 વર્ષ દરમિયાન સાન મૅરિનોએ પડોશી રાજ્યોમાંથી થતા હુમલાઓ સામે પોતાના પ્રજાસત્તાક દેશનું રક્ષણ કરેલું. 1631માં સાન મૅરિનોનું સ્વાતંત્ર્ય નામદાર પોપે માન્ય રાખેલું. પછીના પોપ નામદારોએ પણ આ નાના દેશને લઈ લેવાના પ્રયાસોનો વિરોધ કરેલો.
1861માં સાન મૅરિનોની આસપાસનો પ્રદેશ ઇટાલીના સામ્રાજ્યનો ભાગ બની ગયો. 1862માં સાન મૅરિનો અને ઇટાલીએ અન્યોન્ય મિત્રતાની સંધિ પર સહીસિક્કા કર્યા. 1877માં ફરીથી આ સંધિને તાજી કરી અને આજે પણ તે ચાલુ છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સાન મૅરિનો તટસ્થ રહેલું, પરંતુ ઇટાલીના ફાસીવાદીઓએ સરકારનો કબજો લઈ લીધેલો. બ્રિટિશરોએ 1944માં એક વાર આ દેશ પર બૉંબમારો પણ કરેલો.
1945થી 1957 સુધી, સામ્યવાદીઓ અને સમાજવાદીઓનું એકીકરણ થયું અને ગ્રાન્ડ તેમજ જનરલ કાઉન્સિલમાં વધુ બેઠકો મેળવી. 1957માં ક્રિશ્ચિયન ડેમૉક્રેટિક પાર્ટીએ કાઉન્સિલ પર બેઠકોથી પ્રભુત્વ મેળવ્યું અને તે પછીનાં 20 વર્ષ દેશ પર શાસન કર્યું. 1978ની ચૂંટણી પછી, સામ્યવાદીઓ, સમાજવાદીઓ અને બીજાઓએ એકીકરણ કરીને સત્તા હાંસલ કરી છે.
સાન મૅરિનો (શહેર) : સાન મૅરિનો દેશનું પાટનગર અને તેનું મોટામાં મોટું શહેર. તે માઉન્ટ ટિટેનો પર્વત પર વસેલું છે. આ શહેર મધ્યકાલીન યુગ દરમિયાન વિકસ્યું છે અને તે પથ્થરથી બનાવેલા કોટથી ઘેરાયેલું છે. આ કોટ શિખરો પરનાં ટાવરોને સાંકળે છે. ત્રણ શિખરો પર ત્રણ ટાવર આવેલાં છે. આ ટાવરો પરથી આજુબાજુનો ઘણો ભાગ તેમજ ઈશાનમાં 19 કિમી. દૂર આવેલો એડ્રિયાટિક સમુદ્ર નિહાળી શકાય છે.
સાન મૅરિનોનું એક ચર્ચ (સરકારી મહેલ)
સાન મૅરિનોમાં 14મી સદીનું ચર્ચ (દેવળ), ઘણાં જૂનાં મકાનો, વાંકીચૂંકી પથ્થરજડિત રસ્તાવાળી શેરીઓ આવેલી છે. 19મી સદી દરમિયાન, નગરગૃહ અને દેવળ મધ્યયુગની ગૉથિક શૈલી મુજબ બંધાયેલાં. શહેરની આજુબાજુનો કોટ ફરીથી બાંધવામાં આવેલો. કોટની દીવાલથી હેઠવાસમાં 180 મીટર નીચે બૉર્ગો મૅગિયોર નામનું પરું છે, જ્યાં શહેરની મોટાભાગની દુકાનો અને કાર્યાલયો આવેલાં છે. શહેરની વસ્તી 4464 (1999) છે.
ગિરીશભાઈ પંડ્યા