સાડેક્વેઇન (Sadequain) (જ. 1930, અમ્રોહા, ઉત્તર પ્રદેશ, ભારત) : પાકિસ્તાનના આધુનિક ચિત્રકાર. ભાષાઓનો અભ્યાસ કરી સાડેક્વેઇને આગ્રા યુનિવર્સિટીમાંથી 1948માં સ્નાતક પદવી હાંસલ કરી. ત્યારબાદ થોડો સમય કુરાનની નકલ કરનાર લહિયાનું કામ કર્યું અને પછી ઑલ ઇન્ડિયા રેડિયો માટે શ્રાવ્ય કાર્યક્રમો તૈયાર કર્યા. 1955માં તેમણે ભારત છોડી પાકિસ્તાન ચાલ્યા જઈ પાકિસ્તાની નાગરિકત્વ લીધું. 1958માં તેમણે સ્વયંસૂઝ વડે ચિત્રો ચીતરવાં શરૂ કર્યાં. સિંધના મકરાણ સમુદ્રકાંઠા પરના ગદાણી વિસ્તારની કાળમીંઢ ભેખડો અને તેની પર ઊગેલ કાંટાળા થોરની સહોપસ્થિતિ ધરાવતાં નિસર્ગચિત્રોની લાંબી શ્રેણી તેમણે ચિત્રિત કરી. આ ચિત્રશ્રેણી દ્વારા શુષ્કતા, રુક્ષતા અને જડતાની તેમની અભિવ્યક્તિએ તેમને ખ્યાતિ અપાવી. આ ચિત્રોમાં ઘણાં થોરની આકૃતિઓ તો અલગ અલગ અંગભંગિમાં મરડાયેલ માનવ-આકૃતિઓ જેવી દેખાય છે.
સાડેક્વેઇનનું એક જાણીતું ચિત્ર (માસ્ટર પીસ)
1981માં સાડેક્વેઇન ભારતની મુલાકાતે આવેલા. નવી દિલ્હીની કેન્દ્રીય લલિતકલા અકાદમી ખાતે યોજાયેલા તેમના ચિત્ર-પ્રદર્શનને ભારતના ખ્યાતનામ ચિત્રકાર મકબૂલ ફિદા હુસૈને ખુલ્લું મૂક્યું હતું. ભારતમાં દિલ્હી ઉપરાંત અલીગઢ, લખનૌ, અમ્રોહા અને હૈદરાબાદમાં પણ સાડેક્વેઇનનાં ચિત્રપ્રદર્શનો યોજાયેલાં. વારાણસીમાં બનારસ હિંદુ યુનિવર્સિટીમાં તેમણે મોટા કદનું ભીંતચિત્ર ચીતર્યું છે.
અમિતાભ મડિયા