સાકી આન્દ્રેઆ (જ. 1599, નેતૂનો, ઇટાલી; અ. 21 જૂન 1661, રોમ, ઇટાલી) : ઇટાલિયન બરોક ચિત્રકાર. બોલોન્યા નગરમાં ફ્રાન્ચેસ્કો આલ્બાની નામના ચિત્રકાર પાસે તેમણે તાલીમ લીધી હતી. ઉપરાંત રેનેસાં-ચિત્રકાર સાંઝિયો રફાયેલનો પ્રભાવ પણ તેમનાં ચિત્રો પર જોઈ શકાય છે.
સાકી દ્વારા ચિત્રિત ચિત્ર ‘મિરેકલ ઑવ્ સેંટ ગ્રેગોરી’એ સાકીને નામના અપાવી. ધનાઢ્ય સાકેતી પરિવારે અન્ય ચિત્રકાર પિયેત્રો દા કોર્તોના સાથે સાકીને 1627માં ફુસાનો કિલ્લા ખાતેના તેના બંગલાના શણગારનું કામ આપેલું. ત્યારબાદ કોર્તોના સાથે સાકીએ રોમ ખાતેના બાર્બેરિની મહેલની સજાવટનું કામ કર્યું. આ બાર્બેરિની મહેલમાં કોર્તોનાએ ‘ટ્રાયમ્ફ ઑવ્ ડિવાઇન પ્રોવિડન્સ’ નામનું ભીંતચિત્ર ચીતર્યું, જેમાં આનંદ-ઉત્સાહનાં સ્પંદન જોવા મળે છે. તેની બાજુમાં જ સાકીએ ‘એલિગોરી ઑવ્ ડિવાઇન વિઝ્ડમ’ ચીતર્યું, જેમાંથી ગમગીની અને ગ્લાનિ છલકાય છે. ત્યારબાદ રોમ ખાતેના સાન્તા મારિયા દેલા કૉન્સેઝિયોન ચૅપલમાં સાકીએ વેદી માટે બે ચિત્રો ચીતર્યાં. તે પછી રોમ ખાતે બૅપ્ટિસ્ટ્રી ઑવ્ સેન્ટ જોનના ઘુમ્મટમાં સેન્ટ જોન ધ બૅપ્ટિસ્ટના જીવનમાંના આઠ પ્રસંગોનાં ચિત્રો ચીતર્યાં.
અમિતાભ મડિયા