સાઇલ્યુરિયન રચના : ભૂસ્તરીય કાળગણના ક્રમમાં પ્રથમ જીવયુગ (પેલિયૉઝોઇક યુગ) પૈકીનો ત્રીજા ક્રમે આવતો કાળગાળો અને તે ગાળા દરમિયાન જમાવટ પામેલા ખડકસ્તરોથી બનેલી રચના. તેની નીચે ઑર્ડોવિસિયન રચના અને ઉપર ડેવોનિયન રચના રહેલી છે. આ રચનાના ખડકો ક્યાંક પાર્થિવ તો ક્યાંક દરિયાઈ ઉત્પત્તિજન્ય છે. ભૂસ્તરીય ઇતિહાસના કાળક્રમમાં તેમની જમાવટ વર્તમાન પૂર્વે 42.5 ± કરોડ વર્ષથી 40 ± કરોડ વર્ષ વચ્ચેના 2.5 કરોડ વર્ષના ગાળામાં થયેલી છે; તેમ છતાં અધ:-ઊર્ધ્વ સરહદ-સપાટી માટે એકવાક્યતા સધાયેલી નથી.
ઇંગ્લૅન્ડમાં રોમનોના શાસનકાળ દરમિયાન વેલ્સના સીમાવર્તી પ્રદેશમાં સાઇલ્યુરીઝ નામની પ્રાચીન સેલ્ટિક જાતિનો જ્યાં વસવાટ હતો ત્યાં આ રચનાના લાક્ષણિક ખડકસ્તરો મળી આવતા હોવાથી મરચિસને 1835માં આ નામ પ્રયોજેલું. 1839માં તેણે ‘ધ સાઇલ્યુરિયન સિસ્ટમ’ નામનો મૉનોગ્રાફ પ્રકાશિત કરેલો, તેમાં તેનાં સ્તરવિદ્યાત્મક લક્ષણો અને જીવાવશેષો વિશે વર્ણન કરેલું છે; જોકે તેમાં તેણે ઑર્ડોવિસિયનનો કેટલોક ભાગ પણ સામેલ કરેલો, જેને 1879માં લૅપવર્થે જુદો પાડી આપેલો.
સારણી 1 : ભૂસ્તરીય કાળક્રમમાં સાઇલ્યુરિયનની સ્થિતિ
દુનિયાના ઘણા ભાગોમાં આ કાળના ખડકો જોવા મળે છે, પરંતુ ગ્રેટ બ્રિટનમાં, પૂર્વ યુ.એસ.માં અને ચેકોસ્લોવૅકિયા(બૉહેમિયા)માં તેના શ્રેણીબદ્ધ, જુદા જુદા વિભાગો પાડ્યા છે, જે નીચેની સારણી 2 પરથી સ્પષ્ટ બને છે :
સારણી 2
આ ઉપરાંત બાલ્ટિક સમુદ્રમાં આવેલા ગૉટલૅન્ડના ટાપુ પર પણ તે સ્પષ્ટ ખડક-વિવૃતિઓમાં દેખાય છે, જેમાંથી મળેલા જીવાવશેષોનું સ્વીડિશ પ્રકૃતિશાસ્ત્રી કાર્લ ફૉન લિનિયસે વ્યવસ્થિત વર્ણન કરેલું છે. અન્ય વિસ્તારોમાં પોલૅન્ડ, દક્ષિણ નૉર્વે, યુરલ, ચીન અને ઑસ્ટ્રેલિયાનો સમાવેશ કરી શકાય.
નિક્ષેપ–રચના–પ્રકારો (Facies) : આ કાળના નિક્ષેપો પાર્થિવ અને દરિયાઈ – બંને પ્રકારની રચના રજૂ કરે છે. દરિયાઈ પ્રકાર મોટેભાગે ચૂનાખડક/ડોલોમાઇટના કાર્બોનેટ બંધારણવાળો છે, તેમાં અપૃષ્ઠવંશી જીવાવશેષોનું પ્રમાણ વધુ છે; પરંતુ અહીં રેતીખડકો અને ગ્રેપ્ટોલાઇટધારક શેલ પણ છે. દરિયાઈ પ્રકારની સરખામણીએ પાર્થિવ પ્રકારનું પ્રમાણ ઓછું છે – જે મુખ્યત્વે પૂર્વ યુ.એસ.માં જોવા મળે છે, જ્યાં તે જૂજ યુરિપ્ટેરિડ જીવાવશેષવાળા કૉંગ્લોમરેટયુક્ત રેતીખડકોથી રજૂ થાય છે. અહીંથી પશ્ચિમ તરફ જતાં આ સ્તરો દરિયાઈ પ્રકારમાં ભળી જાય છે. પાર્થિવ પ્રકાર દક્ષિણ આફ્રિકામાં છેક દક્ષિણ છેડે મળતો હોવાનો ઉલ્લેખ છે, જોકે તેનું વયનિર્ધારણ વિવાદાસ્પદ રહ્યું છે.
અંતિમ સાઇલ્યુરિયનમાં ઉત્તર અમેરિકાના પૂર્વ ભાગમાંથી દરિયાઈ ફાંટા શુષ્કતાના સંજોગો હેઠળ આવતા ગયેલા, પરિણામે ક્ષારસ્તરોની રચના થયેલી જોવા મળે છે. ન્યૂયૉર્ક, પૅન્સિલ્વેનિયા અને મિશિગનના વિસ્તારોની નીચેથી કાયુગન ક્ષારસ્તરોમાંથી મીઠું ખોદી કાઢવામાં આવે છે. નિમ્ન અને મધ્ય સાઇલ્યુરિયન સ્તરો માટેભાગે હેમેટાઇટ જેવા લોહનિક્ષેપો પણ ધરાવે છે. તેમનું પણ આલાબામાના બર્મિંગહામની આજુબાજુથી ખનન થાય છે. વળી, ઓહાયો, પશ્ચિમ ન્યૂયૉર્ક અને બીજા કેટલાક ભાગોમાંથી તેલ અને વાયુનો કેટલોક જથ્થો પણ મેળવાય છે.
આબોહવાત્મક સંજોગો : મધ્ય સાઇલ્યુરિયન દરમિયાન માફકસરની (mild) આબોહવા હતી ત્યારે અપૃષ્ઠવંશી પ્રાણીઓનો પચરંગી લક્ષણોવાળો જમેલો હતો. આવા જ સંજોગો વિષુવવૃત્તીય વિસ્તારોથી ઉત્તર ધ્રુવવૃત્ત સુધીના ભાગોમાં પણ પ્રવર્તતા હતા. વળી, વિસ્તૃત ગણાતા નાયગરન કાર્બોનેટ નિક્ષેપો અસંખ્ય સેન્દ્રિય ખરાબા (organic reefs) પણ ધરાવતા હતા, જે 50° ઉ. અક્ષાંશ સુધીના પ્રદેશોમાંથી જોવા મળેલા છે. સાઇલ્યુરિયનના અંતિમ કાળ વખતે વધુ ઉગ્ર સંજોગો પ્રવર્તેલા હોવાનું જણાય છે. ઊર્ધ્વ સાઇલ્યુરિયનના વિસ્તૃત ક્ષારનિક્ષેપો વધતી જતી શુષ્કતાનો નિર્દેશ કરી જાય છે; સંભવત: આ ઘટના તે પછીથી થયેલી કૅલિડોનિયન ગિરિનિર્માણના એંધાણનો ખ્યાલ આપે છે, જેની ઉત્તર અમેરિકી ધ્રુવીય વિસ્તાર, સ્કૅન્ડિનેવિયા, ફ્રાન્સ, જર્મની, ઉત્તર આફ્રિકા અને સાઇબીરિયામાં અસર થયેલી છે.
જીવન : સાઇલ્યુરિયન નિક્ષેપો અપૃષ્ઠવંશી જીવાવશેષ સમૂહોથી અતિસમૃદ્ધ છે. બ્રેકિયોપોડા તેના લગભગ બધા જ સમૂહોથી રજૂ થાય છે. આ પૈકી આર્ટિક્યુલેટા મુખ્ય છે, જેમાં પેન્ટામેરૉઇડ વિપુલ છે; સ્પાયરધારક બ્રેકિયોપોડ અહીં પહેલી વાર જોવા મળે છે. છૂટાંછવાયાં તેમજ સામૂહિક પરવાળાં(ટેટ્રાકોરલ પ્રકાર)નું પ્રમાણ ઘણું છે, ટેબ્યુલેટ પરવાળાં તેનાથી પણ વધુ છે; ફૅવોસાઇટહૅલિસાઇટ તો અગ્રસ્થાને આવે છે. બ્રાયૉઝોઆ તેમજ ખરાબા રચતા અન્ય જીવનસ્વરૂપોનું અસ્તિત્વ પણ છે. સીફેલોપોડ પણ સર્વસામાન્ય છે જ. સીધા કવચવાળાં નૉટિલૉઇડ પણ વિપુલ પ્રમાણમાં મળે છે; લેમેલિબ્રેન્ક અને ગૅસ્ટ્રોપોડ સ્થાનિક હોવા છતાં ઘણાં છે. ક્રિનૉઇડ પ્રથમ વાર તૈયાર થયેલાં સર્વસામાન્ય મળતાં શૂળત્વચી છે, ક્યાંક તો તેમણે ચૂનાખડક-બંધારણમાં મહત્ત્વનો ફાળો પણ આપેલો છે. ગ્રેપ્ટોલાઇટ અને ત્રિખંડી છે ખરાં, પણ ઑર્ડોવિસિયન કરતાં તેમનું પ્રમાણ ઓછું ગણાય. ગ્રેપ્ટોલાઇટ (કૉર્ડેટા) જે અગાઉ મૉનોગ્રેપ્ટિક પ્રકારો દ્વારા રજૂઆત પામેલાં તે આ રચનાનાં લાક્ષણિક પ્રાપ્તિસ્થાનોમાં મળવા છતાં છેવટે તો વિલોપ પામી જાય છે; માત્ર મધ્યયુરોપમાં તે નિમ્ન ડેવોનિયન સુધી ચાલુ રહેલાં જણાય છે. સાઇલ્યુરિયનડેવોનિયનમાં મળતાં સંધિપાદ આર્થ્રોપોડ જે અગાઉ સમૃદ્ધ હતાં તે પૈકીનો યુરિપ્ટેરિડ સમૂહ વિલોપ પામે છે. આજે જોવા મળતા વીંછીના સ્વરૂપવાળા વીંછી પણ મધ્ય સાઇલ્યુરિયનમાં હતા, જો તે હવા પર શ્વાસ લેનારાં પ્રાણીઓ હોય, તો તે જરૂર પાર્થિવ જીવનસ્વરૂપો પૈકીનાં પ્રાચીનતમ પુરોગામી ગણાય; તેમના શ્વસન પ્રકાર માટેના પુરાવા અંગે મતભેદ પ્રવર્તે છે.
માછલીનો પ્રારંભ સાઇલ્યુરિયનથી શરૂ થયો હોવાની બાબત ઘણી મહત્ત્વની બની રહે છે. તે પૈકીનો એક સમૂહ અગ્નાથા (ઑસ્ટ્રાકોડર્મ) નામનો હતો, તે માછલીને જડબાં ન હતાં, તેથી તેને અર્વાચીન સાઇક્લોટોમની આદિ પ્રકારની પ્રારંભિક પુરોગામી ગણી શકાય. બીજો સમૂહ તે પ્લેકોડર્મી. તેને આદિ કહી શકાય એવું, જડબાનું માળખું હતું ખરું; તેનો અંતિમ સાઇલ્યુરિયનમાં ઉદય થયેલો. મોટાભાગની આ માછલીઓના શીર્ષભાગ અને શરીરનો ઉપરનો ભાગ અસ્થિ-તકતીઓની ઢાલથી રક્ષિત હતો.
ચૂનાયુક્ત લીલ-રચનાઓનાં માળખાં સાઇલ્યુરિયનના મોટાભાગના સ્તરોમાં જોવા મળે છે. આદિ પ્રકારની આ જલીય વનસ્પતિ, જોકે, પ્રી-કૅમ્બ્રિયન સ્તરોમાંથી મળેલી છે અને ઘણા પેલિયૉઝોઇક ખડકસ્તરો સાથે પણ સ્થાનભેદે જોવા મળે છે. વધુ મહત્ત્વ તો વાહી પ્રકારની વનસ્પતિ પ્ટેરિડોફાયટા(ટ્રેકિયોફાયટા)ને લગતું છે. આ વનસ્પતિને પ્સિલોપ્સિડા અને લાયકોપ્સિડાના પુરોગામી પ્રતિનિધિ તરીકે રજૂ કરી શકાય. તેને નિ:શંકપણે ભૂમિભાગ પર વિકસેલી જૂનામાં જૂની પાર્થિવ વનસ્પતિ તરીકે નિર્દેશી શકાય. ઑસ્ટ્રેલિયાના સાઇલ્યુરિયન સ્તરોમાંથી મળેલી કેટલીક શેવાળ-સમકક્ષ વનસ્પતિ પણ સર્વપ્રથમ ભૂમિવિકસિત વનસ્પતિ હોવાનો નિર્દેશ કરી જાય છે.
ભારતીય વિસ્તારની સાઇલ્યુરિયન રચના : હિમાલયના સ્પિટી વિસ્તારમાંથી પેન્ટામેરસ ઑબ્લોંગસ જેવાં લાક્ષણિક બ્રેકિયોપોડ અને હૅલિસાઇટ જેવાં પરવાળાં સાઇલ્યુરિયન સ્તરોમાંથી મળેલાં છે. સ્પિટી, કુમાઉં અને કાશ્મીરમાંથી મળેલા સાઇલ્યુરિયન પ્રાણી-અવશેષો ઉત્તર અમેરિકાના પ્રાણી-અવશેષો સાથે સામ્ય ધરાવે છે, જે સંભવિતપણે ઉત્તર પૅસિફિક વિસ્તારને અમેરિકા સાથે જોડતા તે કાળના દરિયાઈ સંપર્કનો ખ્યાલ આપે છે. મુખ્ય હિમાલય હારમાળાની દક્ષિણે સિમલા ગઢવાલ વિસ્તારોમાંના (દક્ષિણનું ટેથીઝ ભૂસંનતિમય થાળું) સિમલા સ્લેટ-ખડકોની ઉપર ઘણી જગાએ ઑર્ડોવિસિયન-સાઇલ્યુરિયન-ડેવોનિયનની બનેલી લગભગ સળંગ સ્તરશ્રેણી વિકૃતિમય, જીવાવશેષરહિત નિક્ષેપો રજૂ કરે છે. આ નિક્ષેપો છીછરા જળના સંજોગો દર્શાવે છે. ભારતના દ્વીપકલ્પીય વિસ્તારમાં તેમજ ગુજરાતમાં સાઇલ્યુરિયન વયના ખડકો મળતા નથી, જે આ વિસ્તારો માટે ‘ભૂસ્તરીય સંગ્રહની અપૂર્ણતા’નું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે.
ગિરીશભાઈ પંડ્યા