સાઇકો : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1960. ભાષા : અંગ્રેજી. શ્વેત અને શ્યામ. નિર્માતા-દિગ્દર્શક : આલ્ફ્રેડ હિચકોક. કથા : રૉબર્ટ બ્લૉચની નવલકથા પર આધારિત. પટકથા : જૉસેફ સ્ટિફેનો. છબિકલા : જૉન એલ. રસેલ. મુખ્ય પાત્રો : ઍન્થની પર્કિન્સ, જેનેટ લી, નેરા માઇલ્સ, જૉન ગેવિન, માર્ટિન બાલ્સામ, જૉન મેકિનટાયર, સિમોન ઑકલૅન્ડ, ફ્રૅન્ક આલ્બર્ટસન, લ્યુરિન ટટલ.
રહસ્યચિત્રોમાં નોંધપાત્ર ગણાયેલું ‘સાઇકો’ તેના સૂઝપૂર્વકના દિગ્દર્શન તથા ધ્વનિ અને પ્રકાશના અદ્ભુત ઉપયોગને કારણે વખણાયું. આ ચિત્રે રહસ્યચિત્રોના સર્જક તરીકે આલ્ફ્રેડ હિચકોકને પ્રતિષ્ઠા અપાવી. ચિત્ર હિચકોકની કારકિર્દીનું શ્રેષ્ઠ અને વિવાદાસ્પદ ચિત્ર ગણાયું છે. તેમાં સીધેસીધી દર્શાવાયેલી હિંસાની ટીકા થઈ હતી, પણ સમીક્ષકોની આવી બીજી ટીકા છતાં ‘સાઇકો’ વિષયના નિરૂપણની દૃષ્ટિએ એક પ્રભાવશાળી ચિત્ર લેખાયું છે. પ્રેક્ષકોને પોતાની મરજી મુજબ કોઈ ચોક્કસ દિશામાં દોરી જવાની અને તેમના મનોજગત સાથે ખેલ કરવાની હિચકોકની ક્ષમતા આ ચિત્રમાં સૌથી વધુ ઉજાગર થઈ છે. એક યુવતી, તે જ્યાં કામ કરતી હતી ત્યાંના એક ગ્રાહકના 40 હજાર ડૉલરની ચોરી કરીને, નાસી છૂટે છે. ધોરી માર્ગ પરની એક મોટેલમાં તે રાત રોકાય છે. મોટેલનો યુવાન માલિક તેની માતાના ભારે પ્રભાવ હેઠળ જીવી રહ્યો છે. આ ચિત્રનાં કેટલાંક યાદગાર શ્યોમાં એક દૃશ્ય ફુવારા નીચે સ્નાન કરતી નાયિકાનું ચાકુના વાર કરીને હત્યા કરવાનું છે. પડદા પર આ દૃશ્ય માત્ર 45 સેક્ધડ દર્શાવાયું હતું, પણ તેનું ચિત્રણ કરતાં સાત દિવસ લાગ્યા હતા અને જુદી જુદી 70 જગ્યાએ કૅમેરા ગોઠવીને તેનું ચિત્રણ કરાયું હતું. એક યુવતી સ્નાન કરતી હોય ત્યારે આ રીતે તેની હત્યા કરાતી હોવાનું દૃશ્ય એ પહેલાં કદી કોઈ ચિત્રમાં દર્શાવાયું નહોતું.
હરસુખ થાનકી