સાઇકલ–દોડ : વિશ્વવ્યાપી લોકપ્રિય રમત. યુરોપના દેશોમાં વિશેષ લોકપ્રિય છે. તેની સ્પર્ધાઓ 1868માં પૅરિસમાં શરૂ થઈ. 1896માં ઑલિમ્પિકમાં તેને પ્રારંભથી જ સ્થાન મળ્યું. પ્રારંભે તે દોડ 83.67 કિમીની હતી. હવે 205 કિલોમીટરની છે. 1921થી તે ધંધાદારી સ્વરૂપે રમાતી થઈ. આ સ્પર્ધાના મુખ્ય ત્રણ પ્રકારો છે : ટ્રૅક, માર્ગ અને મોટો ક્રૉસ અથવા ગ્રામીણ માર્ગ.
ટ્રૅક-દોડ વેલોડ્રોમ નામે ઓળખાતા લંબગોળ અંકિત માર્ગ ઉપર રમાય છે. આ માર્ગ ઘણુંખરું અંદરની દિશામાં નીચો ઢાળ ધરાવતો હોય છે. તે ક્રીડાંગણની અંદર હોય છે, તેમ બહારના ભાગે પણ હોય છે. આંતરિક ટ્રૅકની લંબાઈ 185થી 200 મીટર અને બાહ્ય ટ્રૅકની લંબાઈ 250થી 500 મીટર જેટલી હોય છે.
શ્રેષ્ઠતા-સ્પર્ધા વ્યક્તિગત રીતે તેમજ બે કે ચાર ભિલ્લુઓની ટુકડીના ધોરણે યોજાય છે. વ્યક્તિગત દોડમાં 100 મીટર જેવા ટૂંકા અંતરથી માંડીને ટુકડી માટે 100 કિલોમીટર જેવા લાંબા અંતર સુધીની સ્પર્ધાઓ યોજાય છે. સમયવર્તી પ્રકારની દોડની વિશેષતા એ છે કે તેમાં અંતરના બદલે સમયના એકમનો આધાર લેવાય છે; જેમ કે, પરસૂટ નામની દોડમાં ટ્રૅકના બે છેડેથી એકેક ખેલાડી સામી દોડમાં ઊતરે છે. સામે છેડે પહેલો પહોંચનાર વિજેતા ઠરે છે. અથવા, દોડના અંત પૂર્વે સ્પર્ધકની રેખા પાર કરે છે તે વિજેતા ઠરે છે. ટ્રૅક-દોડની સાઇકલમાં બ્રેક હોતી નથી. તેમાં એક ગિયર કે ચક્ર હોય છે. પૅડલ ફ્રીવ્હિલ વિનાનું જોડાણ ધરાવે છે. એટલે ખેલાડી પૅડલ અટકાવે એટલે સાઇકલ ઊભી રહે છે. કેટલીક વાર હાથ ઉપર મોજું પહેરીને આગલા પૈડાને દાબીને રોકવામાં આવે છે.
મૂળ સ્પર્ધા માર્ગ-દોડની હતી. તે આજે પણ અતિ લોકપ્રિય છે. તેમાં એકસાથે સેંકડો ખેલાડીઓ ભાગ લે છે. માર્ગ બે નગરો વચ્ચે નિર્ધારિત કરેલો હોય છે અથવા કોઈ નિશ્ચિત ટૂંકા ગાળા પર ઠરાવેલી સંખ્યામાં આંટા મારવામાં આવે છે. યુરોપની ટૂર દ ફ્રાંસ સૌથી જાણીતી સ્પર્ધા છે. તેમાં ચરણોમાં વિભાજિત આશરે 4,000 કિમી.નું અંતર આશરે 24 દિવસમાં પૂરું કરવામાં આવે છે. દરેક ચરણે ખેલાડીના સમયની નોંધ કરવામાં આવે છે. બધાં ચરણ કુલ સમયના ઓછામાં ઓછા ગાળામાં પૂરાં કરનાર વિજેતા ઠરે છે. આ સ્પર્ધા માટે હળવા વજનની મિશ્રધાતુની બનેલી સાઇકલ વપરાય છે. તેને બ્રેક હોય છે. પૈડાં ઉપર હાથબનાવટનાં પાતળાં ટાયર ચડાવાય છે. તેમાં ગિયર-વ્યવસ્થા હોય છે. ગિયર પરથી ચેન ખસેડવા હાથો હોય છે.
મોટો ક્રૉસ-દોડ-સ્પર્ધા હવે સાઇકલ ક્રૉસ કહેવાય છે. તે સિત્તેરના દાયકામાં લોકપ્રિય થવા માંડી હતી. યુવાનો તેમાં આકર્ષાયા. 400 મીટર સુધીના ધૂળિયા માર્ગે આ દોડ પ્રયોજાય છે. માર્ગમાં ટેકરા તથા તીવ્ર વળાંકો હોય છે. આ દોડ માટે નાનાં અને પહોળાં પૈડાંવાળી સાઇકલો વપરાય છે, જેથી ધૂળમાં ફસાઈ કે લપસી જવાનો ભય ટળે. માથે હેલ્મેટ પહેરવી પડે છે; કપડાં પણ ગાદીવાળાં હોય છે. જેથી પડવા-આખડવા સામે રક્ષણ મળે.
સાઇકલ-દોડ બીજી ઘણી સ્પર્ધાઓની જેમ યુરોપના દેશોની દોડ રૂપે વિકસી. પૅરિસ અને લંડન મુખ્ય કેન્દ્રો રહ્યાં. 1892માં ઇંગ્લૅન્ડમાં યુરોપી દેશોનાં સાઇકલ-મંડળોનું એક સમવાયી મંડળ રચાયું. તેને તેમણે તેમના સ્વભાવ પ્રમાણે ‘આંતરરાષ્ટ્રીય સાઇકલ મંડળ’ નામ આપ્યું. તેમાં યુરોપના 6 દેશો ઉપરાંત યુનાઇટેડ સ્ટેટ્સ તથા કૅનેડા જોડાયા. દાયકાઓ પછી યુરોપીય દેશોની વસાહતો જેવા દક્ષિણ આફ્રિકા તથા ઑસ્ટ્રેલિયા આ મંડળમાં જોડાયા.
મંડળે આ સ્પર્ધાઓ માટે નિયમો ઠરાવ્યા; જેમ કે, ખેલાડીનો ગણવેશ, સાઇકલનો પ્રકાર, સાઇકલના ભાગો, માળો, પોતપોતાના મંડળની માન્યતા તથા અનુમતિ, માદક દ્રવ્યનો નિષેધ, નિર્ણાયકો, સંચાલકો, દોડના આરંભ અને અંત, વિજયરેખા, માર્ગમાં ઊતરી પડાય તેના નિયમો, આહારનું સ્વરૂપ, ભૂલ તથા તે માટેના દંડ, દાવા તથા દલીલો, વિવાદનું નિરાકરણ, જે તે દેશના ટ્રાફિક નિયમોનું પાલન, ચરણના નિયમોનું પાલન, લાંબી દોડ માટે વચ્ચે વચ્ચે નિયંત્રણ તથા વિરામ-કેન્દ્રો, વેગ-સહાયકની વ્યવસ્થા, નિયમ-ભંગ માટે દંડ, માર્ગનું સ્વરૂપ, ચિહ્નોનું અંકન, સુરક્ષા-રેખા વગેરે અંગે.
સાઇકલની જેમ મોટર-સાઇકલ-દોડની સ્પર્ધાઓ પણ યોજાય છે. તેને માટે પણ મોટર-સાઇકલોનો પ્રકાર, ભાગો, દોડનો પ્રકાર, અંતર, ગણવેશ, નિયમપાલન, નિયમભંગ, અનુમતિ, વિવાદ વગેરે વિશે નિયમો ઘડાયા છે.
પ્રમાણમાં ઓછી જાણીતી દોડમાં ટેકરી-ચડાણ (કેવળ પુરુષો), રોલર-દોડ જેવી વિશિષ્ટ રમતોનો સમાવેશ થાય છે. ટેકરી-ચડાણ પાંચ કિમી. સુધીનું હોય છે. રોલર-દોડમાં જાડા, મોટા વેલણ જેવાં રોલરો ઉપર અંતર કાપ્યા વિના સાઇકલનાં પૈડાં ફેરવવામાં આવે છે. રોલર જોડે જોડેલું મીટર અંતરનું માપ દર્શાવે છે.
સારણી : 2003ના મહત્ત્વના વિક્રમો
ટ્રેક – વિશ્વશ્રેષ્ઠ |
|||
પુરુષો | વેગ દોડ | એલ. ગાને | ફ્રાંસ |
વ્યક્તિગત પરસૂટ | બી. વિગિન્સ | બ્રિટન | |
કિલોમીટર (સમય) | એસ. નિમ્કે | જર્મની | |
50 કિમી. મેડિસન | એફ. મારવુલી | સ્વિટ્ઝર્લૅંડ | |
બી. રિસી | |||
મહિલા | વેગદોડ | એસ. ગ્રાંકોવ્સ્કાયા | રશિયા |
વ્યક્તિગત પરસૂટ | ઝિજર્લાદ-વાન-મુરસેલ | નેધરલૅન્ડ | |
500 મી. (સમય) | એન. યાયલિન્સ્કાયા | બેલારુસ | |
24 કિલોમીટર | ઓ. મ્લાયુસારેવા | રશિયા | |
માર્ગ – વિશ્વશ્રેષ્ઠ |
|||
પુરુષો | વ્યક્તિગત (અંતર) | આઇ. એસ્તરલોઆ | સ્પેન |
વ્યક્તિગત (સમય) | ડી. મિલર | બ્રિટન | |
મહિલા | વ્યક્તિગત (અંતર) | એસ. લ્યુંગસ્કોગ | સ્વીડન |
વ્યક્તિગત (સમય) | જે. સોમરિબા અરોલા | સ્પેન | |
સાઇકલો ક્રૉસ – વિશ્વશ્રેષ્ઠ |
|||
પુરુષ | બી. વેલન્સ | બેલ્જિયમ | |
મહિલા | ડી. વાન ડન બ્રાન્ડ | નેધરલૅન્ડ |
ચિનુભાઈ શાહ