સાંભર સરોવર (Sambhar Lake) : રાજસ્થાનમાં જયપુર નજીક આવેલું, ભારતનું ખારા પાણીનું મોટામાં મોટું સરોવર. ભૌગોલિક સ્થાન : 26° 53´ ઉ. અ. અને 74° 45´ પૂ. રે. પર તે જયપુર-અજમેર વચ્ચે આવેલું છે. તે 230 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. રાજસ્થાનના જયપુર-અજમેર અને નાગૌર જિલ્લાઓની સરહદો વચ્ચે તે ત્રિકોણાકારમાં પથરાયેલું છે. અરવલ્લીની હારમાળામાં છીછરા ગર્ત સ્વરૂપે રહેલા આ સરોવરમાં, આજુબાજુના પ્રદેશમાંથી પસાર થતી અને તેને મળતી પાંચ નદીઓનાં જળનું બાષ્પીભવન થતું રહેતું હોવાથી વર્ષોવર્ષ દ્રવીભૂત થયેલા ક્ષારો તેમાં જમા થતા જાય છે. હિમક્ષેત્રોમાં જેમ હિમનાં પડ જામે તે જ રીતે અહીં ક્ષારનાં પડ દર વર્ષે જામતાં હોય છે. વર્ષાઋતુ દરમિયાન સરોવરમાં જળરાશિની ઊંડાઈ માત્ર 1 મીટરથી થોડીક જ વધુ રહે છે; વર્ષના બાકીના ગાળા દરમિયાન તે સૂકું રહે છે. સૂકું હોય ત્યારે તેની તળસપાટી ક્ષારયુક્ત પંક અને કાંપવાળી હોય છે. આ સરોવરની ક્ષારતા માટે જુદાં જુદાં કારણો રજૂ કરાયેલાં છે : ભૂસ્તરીય અતીતમાં તેનું નૈર્ઋત્યના અખાત (આજના ખંભાતના અખાતનું તત્કાલીન સ્વરૂપ) સાથેનું જોડાણ, ખારા પાણીના ઝરા, આજુબાજુના પ્રદેશોના તળખડકોની રાસાયણિક દ્રાવણક્રિયા વગેરે.
ભૂસ્તરશાસ્ત્રીઓના મંતવ્ય મુજબ, સાંભર ઉપરાંત રાજસ્થાનનાં ડીડવાણા, પચભદ્ર અને ફાલોડી જેવાં ખારાં પાણીનાં સરોવરોનું મીઠું પવનની વહનક્રિયામાં ખેંચાઈ આવતા સૂક્ષ્મ ક્ષારકણોને આભારી છે. અરબી સમુદ્રમાંથી વાતા નૈર્ઋત્યના મોસમી પવનો દ્વારા ઊછળતાં પાણી(જળશિખરો)ની બાષ્પીભવનની ક્રિયાથી તૈયાર થતા મીઠાના તેમજ કચ્છના રણની ક્ષારીય સપાટી પરના રજકણો ઊડીને રાજસ્થાનના આ વિસ્તારમાં ઠલવાય છે. ત્યારપછી ત્યાંના આંતરિક જળપરિવાહ દ્વારા તે રજકણો આ સરોવર સુધી પહોંચે છે. આ વિસ્તારમાં સરોવરોની ક્ષારતા સ્થાનિક ઉત્પત્તિને કારણે પણ હોઈ શકે ! જોકે આ વિસ્તારમાં સપાટી પર તેમજ ઊંચાઈ પરથી વાતા પવનોની દિશા તેમજ વેગ અંગેનાં અવલોકનોની ઉપલબ્ધ માહિતી પરથી મીઠાનો આટલો મોટો જથ્થો કચ્છના તીરસ્થ નિક્ષેપોમાંથી પવન દ્વારા સ્થાનાંતરિત થતો હોવા માટે શંકા સેવવામાં આવે છે.
સાંભર સરોવર તેના તળભાગના લગભગ 4 મીટર ઊંડાઈ સુધીના કાંપ-કાદવનાં પડોમાં રહેલા મીઠાના વિશાળ જથ્થા માટે જાણીતું છે. તેમાં 5 કરોડ ટન જેટલું મીઠું (ક્ષાર) રહેલું હોવાનો અંદાજ મુકાયેલો છે. મુઘલ વંશના બાદશાહો (1526-1857) દ્વારા સાંભર સરોવરમાં જામતા મીઠાનો જથ્થો નક્કી કરવામાં આવેલો તેમજ તેમાંથી શુદ્ધ કરીને જરૂરિયાત મુજબનો પુરવઠો પૂરો પાડવામાં આવતો હતો. ત્યારપછી તેની માલિકી જયપુર-જોધપુરનાં દેશી રાજ્યોએ મેળવી હતી. તેના પૂર્વ કાંઠા નજીક મીઠાના અગરો જોવા મળે છે, ત્યાં તેનું શુદ્ધીકરણ થાય છે. 1970ના દાયકામાં અહીં ગંધકનો એકમ ઊભો કરવામાં આવેલો છે, ત્યાં વાર્ષિક 2 લાખ ટન મીઠું પણ ઉત્પન્ન કરવામાં આવે છે.
ગિરીશભાઈ પંડ્યા