સાંપાવાડા : અત્યારના મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાનું નાનું ગામ. ગુજરાતમાં ચૌલુક્યો(સોલંકી)ના શાસનકાળ દરમિયાન ભીમદેવ બીજાના શાસનકાળની વચ્ચે ઈ. સ. 1218-24 દરમિયાન શાસન કરી જનાર જયંતસિંહના એક દાનપત્ર-તામ્રશાસનમાં તેનો ઉલ્લેખ આવે છે. આ દાનપત્રથી જ જયંતસિંહની ઐતિહાસિકતા સિદ્ધ થાય છે. આ તામ્રશાસન અનુસાર સ્પષ્ટ થાય છે કે એ સમયે સાંપાવાડા ગુજરાતના સોલંકી રાજ્યના વર્ધિપથક(અત્યારના વઢિયાર પ્રદેશ)માં આવેલું હતું. આ તામ્રપત્રમાં જણાવ્યા અનુસાર જયંતસિંહના મંડલિકે સાંપાવાડા ગામ તથા ગંભૂતા (ગાંભુ) પંથકમાં ડોડિયા પાટકનો એક ભૂમિખંડ રાણક આનાકના પુત્ર લુણપસાકે પોતાની માતાના નામથી વસાવેલા સલખણપુર(સંખલપુર)માં પોતાના પિતા અને માતાના નામથી સ્થાપેલ શ્રી આનલેશ્વર અને શ્રી સલખણેશ્વરદેવ માટે દાનમાં આપેલ છે.
એ સમયે વર્ધિપથકનું મુખ્ય મથક માંડળ હતું. સાંપાવાડા રૂપેણ નદીના કિનારે હતું. આજે પણ નદીએ ત્યાંથી પોતાનો પ્રવાહ બદલ્યો નથી. સાંપાવાડાની ચારેય દિશાએ આવેલ તામ્રપત્ર ઉલ્લેખિત ગામોમાંથી મોટાભાગનાં અત્યારે અસ્તિત્વ ધરાવે છે. ખાંભિલ (ખાંભેલ), આધિવાડા (આડીવાડા), સલખણપુર (શંખલપુર), હાંસલપુર (હાંસલપુરા), કાંચડી (કેંચડી), ડોડિયા પાટક (ડોડીવાડા), સુરયજ (સૂરજ), શેષ દેવતા, હાનીયાણી (નાપિયાણી) વગેરે. પાટણ જિલ્લાની રચના થયા પછી આમાંનાં કેટલાંકનો સમાવેશ તે જિલ્લામાં કરવામાં આવ્યો છે.
ઈશ્વરલાલ ઓઝા