સાંચીનો સ્તૂપ : આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ બૌદ્ધ સ્થાપત્ય. મધ્યપ્રદેશમાં વિદિશા અર્થાત્ વર્તમાન ભીલસાથી સાડાપાંચ માઈલ દૂર સાંચીનું સ્થળ આવેલું છે. આ સ્થળે મોટી સંખ્યામાં બૌદ્ધ સ્થાપત્યના અવશેષો આવેલા છે, જે ‘ભીલસા ટૉપ્સ’ના નામે ઓળખાય છે. અહીં આવેલા ત્રણ સ્તૂપો પૈકી સૌથી મોટો સ્તૂપ જગપ્રસિદ્ધ છે. સાંચીનો અસલ સ્તૂપ ઈંટેરી હતો અને તે સમ્રાટ અશોકે બંધાવ્યો હતો. વર્તમાનમાં જોવા મળતા સ્તૂપનું સ્વરૂપ શુંગકાલીન છે. મૂળ સ્તૂપ વર્તમાન સ્તૂપ કરતાં કદમાં અડધો હતો, એટલે કે તેના અંડનો વ્યાસ અડધો હતો.
દક્ષિણ પ્રવેશદ્વાર – તોરણ તથા મહાસ્તૂપ
એક રીતે કહીએ તો અશોકના સમયનો મૂળ સ્તૂપ વર્તમાન સ્તૂપની નીચે ઢંકાયેલો છે. શુંગકાળમાં સ્તૂપની ઉપર પથ્થરનું આચ્છાદન (encasing) કરીને તેનો વિસ્તાર બમણો કરવામાં આવ્યો. વર્તમાન સ્તૂપના અંડનો વ્યાસ 36 મીટર છે અને ઊંચાઈ 16 મીટર છે. સ્તૂપના અંડનો આકાર અર્ધવૃત્તાકાર છે. અંડના મથાળાને છેદીને, સપાટ કરીને તેની પર ચોરસ હર્મિકા (કઠેડો = railing) ઊભી કરવામાં આવી. હર્મિકાની મધ્યે પથ્થરનું ત્રિદલ છત્ર છે. સ્તૂપના અંડને ફરતો પ્રદક્ષિણાપથ છે અને તે પથ્થરની વેદિકાથી આવૃત છે. ત્યાં પહોંચવા માટે દક્ષિણ દિશાએ સામસામે સોપાનશ્રેણીઓ આવેલી છે. જમીનને ફરતો પ્રદક્ષિણાપથ પણ વેદિકાથી આવૃત છે. પથ્થરની ઊભી અને આડી છાટો એકબીજાને જોડીને વેદિકાઓ બનાવેલી છે. બે-બે સ્તંભોની વચ્ચે ત્રણ આડી છાટો સાલવીને જોડેલી છે. આડી અને ઊભી છાટો જ્યાં એકબીજીને કાટખૂણે છેદે છે ત્યાં કમળો, વેલો વગેરે ભાતો કોતરેલી છે અને કઠેડાની સ્તંભિકાઓ પર મૂર્તિશિલ્પો કોતરેલાં છે.
સ્તૂપની ચારેય દિશાએ પ્રવેશ માટેના માર્ગ છે. આ માર્ગોની સામે સુંદર કોતરણીવાળા ચાર દરવાજા છે. સ્થાપત્યની ભાષામાં તેને તોરણ કહે છે. દરેક તોરણ 10 મીટર ઊંચું અને 6 મીટર પહોળું છે. બે ચોરસ સ્તંભો અને તેની ઉપર ત્રણ આડી પીઢો (architraves) થોડે થોડે અંતરે ગોઠવેલી છે. આડી પીઢો વચ્ચેથી સહેજ વળાંક લે છે. સ્તંભોની ચારેય બાજુએ અને પીઢોની બંને બાજુએ અર્ધમૂર્ત શિલ્પો કંડારેલાં છે. તેમાં ભગવાન બુદ્ધના જીવનના પ્રસંગો, ઐતિહાસિક પ્રસંગો તથા બુદ્ધના પૂર્વજીવનને વર્ણવતી જાતકકથાઓના પ્રસંગો, બુદ્ધના જીવન સાથે સંબંધ ધરાવતાં વૃક્ષો, વાસ્તવિક કે કાલ્પનિક પશુ-પંખીઓ, ઊડતા ગાંધર્વો, વિવિધ પુષ્પો અને વેલીઓનાં નયનરમ્ય આલેખનો છે. મુખ્ય અને પ્રથમ તોરણદ્વાર દક્ષિણ દિશામાં છે. તે પછી ઉત્તરનું, પછી પૂર્વનું અને છેલ્લું પશ્ચિમનું તોરણદ્વાર બાંધવામાં આવ્યું હતું. પ્રથમ અને છેલ્લા તોરણદ્વાર વચ્ચે બાંધકામનો ચાળીસ વર્ષનો ગાળો પડે છે; છતાં ઘાટ અને કોતરણીની દૃષ્ટિએ ચારેય તોરણદ્વારો એકસરખાં લાગે છે. કોતરણીની દૃષ્ટિએ સૌથી ઉત્તમ તોરણ ઉત્તરનું છે. ચારેયમાં તેની સ્થિતિ પણ સારી છે. તોરણની સૌથી નીચેની પીઢની બંને બાજુએ આમ્રવૃક્ષને અઢેલીને ઊભેલી શાલભંજિકાઓનાં મનોહર શિલ્પો છે. સૌથી ઉપરની પીઢ ઉપર બે ત્રિશૂળ (બૌદ્ધ ત્રિરત્ન તરીકે), બે યક્ષો અને કેન્દ્રમાં એક ચક્રનાં શિલ્પો હતાં. એક યક્ષ હયાત નથી તો ચક્ર ખંડિત છે. પીઢોની વચ્ચેના ગાળાઓમાં ઘોડેસવારો, સિંહો અને હાથીઓનાં શિલ્પો છે. સાંચીની સમગ્ર શિલ્પકલામાં એક ધ્યાનાકર્ષક બાબત એ છે કે કોઈ પણ સ્થળે બુદ્ધની મૂર્તિ નથી. બુદ્ધની રજૂઆત મૂર્તિને બદલે તેમનાં પગલાં, વૃક્ષ (બોધિવૃક્ષ), આસન કે સ્તૂપ દ્વારા કરવામાં આવી છે.
થૉમસ પરમાર