સહા, આરતી (જ. 1940, કોલકાતા; અ. 23 ઑગસ્ટ, 1994, કોલકાતા) : ભારતની લાંબા અંતરની અગ્રણી મહિલા-તરવૈયા. નાનપણથી જ તેમને તરવાનો શોખ હતો. તેઓ ભારતનાં જ નહિ,
પરંતુ ‘ઇંગ્લિશ ચૅનલ’ તરનારાં એશિયા ખંડનાં પ્રથમ મહિલા-તરવૈયા બનવાનું ગૌરવ મેળવી શક્યાં. ફ્રાન્સ અને ઇંગ્લૅન્ડ વચ્ચેના સમુદ્રના ભાગને ‘ઇંગ્લિશ ચૅનલ’ કહેવામાં આવે છે અને તેનું અંતર (પહોળાઈ) 40 કિમી. છે. આ વિસ્તારમાં સમુદ્ર ખૂબ જ તોફાની છે અને ખૂબ જ મોટી મોટી લહરો ઊઠવાથી તરવાની પ્રક્રિયા અઘરી બને છે. તેથી પ્રથમ પ્રયત્ને આરતી સહાને સફળતા મળી નહિ; પરંતુ મક્કમ મનની મહિલા-તરવૈયા હોવાને કારણે બીજી વાર 29 સપ્ટેમ્બર 1959ના દિવસે 16 કલાક અને 22 મિનિટમાં ‘ઇંગ્લિશ ચૅનલ’ પસાર કરી ઇતિહાસ સર્જ્યો. જે આજે પણ ભારતની મહિલા-તરવૈયાઓ માટે ‘સીમાચિહ્ન’ ગણાય છે.
તેઓ ‘બ્રેસ્ટ સ્ટ્રોક’ સ્ટાઇલનાં મહાન તરવૈયા રહ્યાં. 1952માં હેલસિન્કી મુકામે આયોજિત ‘ઑલિમ્પિક રમતોત્સવ’ માટે તેઓની પસંદગી થઈ; એટલું જ નહિ, પરંતુ તેમણે હેલસિન્કી રમતોત્સવમાં 100 મી. તથા 200 મી. બ્રેસ્ટ સ્ટ્રોક તરણસ્પર્ધામાં સારો દેખાવ કર્યો. 1947થી 1957 એટલે કે સતત દસ વર્ષ સુધી તેમણે ‘રાષ્ટ્રીય તરણ ચૅમ્પિયનશિપ’માં ‘બ્રેસ્ટ સ્ટ્રોક’ સ્ટાઇલનાં શ્રેષ્ઠ મહિલા-તરવૈયા તરીકે પશ્ચિમ બંગાળ તરફથી પ્રતિનિધિત્વ કર્યું. 1976થી 1978 સુધી તેમણે ‘સ્વિમિંગ સ્પૉટર્સ કાઉન્સિલ ફૉર વેસ્ટ બૅંગાલ’નાં ચૅરપર્સન તરીકે સેવાઓ આપી. 1970માં તેમની પસંદગી ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ઑવ્ સ્પૉર્ટ્સના સભ્ય તરીકે કરવામાં આવી. છેલ્લે તેઓ સાઉથ ઈસ્ટર્ન રેલવેઝનાં સ્પૉર્ટ્સ ઑફિસર તરીકે નિવૃત્ત થયાં. તેમનું ટૂંકી માંદગીમાં અવસાન થયું.
પ્રભુદયાલ શર્મા