સહલ, કન્હૈયાલાલ

January, 2007

સહલ, કન્હૈયાલાલ (. 1911, નવલગઢ, શેખાવતી, રાજસ્થાન; . 1977) : રાજસ્થાની સંશોધક, વિવેચક. તેમણે હિંદી અને સંસ્કૃતમાં એમ. એ.ની ડિગ્રી મેળવી. તેઓ ગુજરાતી, મરાઠી અને બંગાળીના સારા જાણકાર હતા, શરૂમાં તેઓ પિલાનીમાં અધ્યાપક અને પછી બિરલા કૉલેજમાં હિંદીના પ્રાધ્યાપક રહ્યા. છેલ્લે આચાર્ય તરીકે સેવાનિવૃત્ત થયા.

‘રાજસ્થાની કહાવતેં એક અધ્યયન’ નામક રાજસ્થાની કહેવતો પરના તેમના શોધ-પ્રબંધથી તેઓ ખ્યાતિ પામ્યા. તેમણે રાજસ્થાનના સાંસ્કૃતિક ટુચકાઓ વિશે 2 ગ્રંથો પ્રગટ કર્યા હતા : ‘રાજસ્થાન કે  સાંસ્કૃતિક ઉપાખ્યાન’ અને ‘રાજસ્થાન કે ઐતિહાસિક પ્રવાદ’. અન્ય વિદ્વાનોના અંશત: સહયોગમાં કરેલ મધ્યયુગીન સાહિત્યમાં ‘દ્રુપદ-વિનય’ અને ‘વીરસતસાઇ’નાં સંપાદનો રૂપે સંશોધનક્ષેત્રે તેમનું પ્રદાન શ્રેષ્ઠ ગણાય છે. તેઓ ડિંગલના એકનિષ્ઠ વિદ્વાન તેમજ ઉચ્ચ બુદ્ધિશક્તિ ધરાવતા વિવેચક હતા. ‘મારુ ભારતી’ નામક સંશોધન વિષયક સામયિક શરૂ કરાવવામાં તેમનો ફાળો ગણનાપાત્ર હતો. આ સામયિકમાં તેમણે ‘નિહાલદે સુલતાન’ નામક લોકમહાકાવ્યનો હિંદી અનુવાદ 3 ગ્રંથમાં પ્રગટ કરેલો.

હિંદી સાહિત્યના તેઓ એટલા જ સમર્થ વિદ્વાન હતા. ‘આલોચના કે પથ પર’; ‘સમીક્ષાયેં’; ‘સમીક્ષાંજલિ’; ‘વાદસમીક્ષા’; ‘સાકેત કે નવમ સર્ગ કા કાવ્ય-વૈભવ’ અને ‘કામયાની દર્શન’ તેમના હિંદી વિવેચનગ્રંથો છે.

તેમને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન, યુનિવર્સિટી ઑવ્ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સરકાર અને બેંગાલ હિંદી મંડળ, કોલકાતા તરફથી ઍવૉર્ડ અને સન્માનો આપવામાં આવ્યાં હતાં.

બળદેવભાઈ કનીજિયા