સહરાનપુર : ઉત્તરપ્રદેશના મેરઠ વિભાગમાં, ગંગા-જમનાના દોઆબ વિસ્તારમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 29° 34´થી 30° 24´ ઉ. અ. અને 77° 07´થી 78° 12´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. ગંગા નદી તેની પૂર્વ સરહદ અને જમના નદી તેની પશ્ચિમ સરહદ રચે છે. જિલ્લાના ઉત્તર ભાગમાં આવેલી શિવાલિક હારમાળા તેને દહેરાદૂન (ઉત્તરાંચલ) જિલ્લાથી જુદો પાડે છે. તેની પૂર્વમાં હરદ્વાર જિલ્લો, દક્ષિણમાં મુઝફ્ફરનગર જિલ્લો અને પશ્ચિમમાં અંબાલા તેમજ કર્નાલ જિલ્લા આવેલા છે. જિલ્લામથક જિલ્લાના મધ્ય ભાગમાં આવેલું છે.

સહરાનપુર

ભૂપૃષ્ઠજળપરિવાહ : આ જિલ્લાનું ભૂપૃષ્ઠ સ્પષ્ટપણે ચાર પ્રદેશોથી બનેલું છે : (i) શિવાલિક હારમાળા; (ii) ઘાર (ghar) તરીકે ઓળખાતો સ્થાનિક ઉપપર્વતીય પટ્ટો; (iii) ખદર તરીકે ઓળખાતો નીચી ભૂમિનો મેદાની વિસ્તાર અને (iv) બંગર તરીકે ઓળખાતો ઊંચાણવાળો મેદાની પ્રદેશ. જિલ્લાની ઉત્તર સરહદ રચતી શિવાલિક હારમાળા વાયવ્ય-અગ્નિદિશામાં આવેલી છે. એક પછી એક ઊંચાઈ પ્રાપ્ત કરતી તેની ડુંગરધારો 900 મીટરની ઊંચાઈવાળી બને છે. અહીંની આ આખીય હારમાળા જંગલ-આચ્છાદિત છે. શિવાલિક હારમાળાની તળેટીમાં વેગથી વહેતાં નદી-નાળાં આગળ જતાં ગંગા-યમુનાને મળે છે. ઘાર પ્રદેશનો પૂર્વ ભાગ ખંડિત ટેકરીઓવાળો છે, જ્યારે પશ્ચિમ ભાગ પ્રમાણમાં સમતળ છે. અહીંની જમીનો છીછરી છે, તેમની નીચેનો થર લઘુ-ગુરુ ગોળાશ્મોથી બનેલો છે; આથી કૂવા ખોદવાનું કામ વ્યર્થ જાય છે અને ખર્ચાળ થઈ પડે છે.

જિલ્લાનો આશરે એક તૃતીયાંશ ભાગ જંગલોથી છવાયેલો છે, તે શિવાલિક જંગલ અથવા પહાડી જંગલના નામથી ઓળખાય છે. શિવાલિકની અડોઅડનો તળેટીવિભાગ અર્ધતરાઈ પ્રદેશમાં ફેરવાયેલો છે. અહીં સાલ, ચીર, ખેર, સીસમ, વાંસ જેવાં વૃક્ષો જોવાં મળે છે. ભાબર-ઘાસ અહીંની વન્યપેદાશ છે. તે કાગળ અને દીવાસળી બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. અહીંના જંગલમાં વૃક્ષો અને છોડવા બંને મળે છે. સાલ અને સીસમ લાકડું આપે છે; તો ત્રિફળા અને બ્રાહ્મી ઔષધો આપે છે. પોચા લાકડાંમાંથી પ્લાયવૂડ અને તેમાંથી રમતનાં સાધનો બને છે. ખેરનાં વૃક્ષોમાંથી કાથો મેળવાય છે.

જિલ્લાની પૂર્વ સરહદે વહેતી ગંગા અને પશ્ચિમ સરહદે વહેતી યમુના અહીંની મુખ્ય નદીઓ છે. આજુબાજુના વિસ્તારમાંથી આવતી સોલોની, રાતમાઉ, હિંદોણ, કાલી, બઢીગંગા, બઢી યમુના, કથા અને સીપિયા જેવી સહાયક નદીઓ ગંગા-યમુનાને મળે છે.

ખેતીપશુપાલન : જિલ્લાનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી-આધારિત છે. વર્ષમાં ખરીફ અને રવી  બંને પાકો લેવાય છે. ડાંગર, ઘઉં અને શેરડી અહીંના મુખ્ય કૃષિપાકો છે. બીજા પાકોમાં મકાઈ, મગફળી, કપાસ અને કઠોળનો સમાવેશ થાય છે. ગ્રામીણ અર્થતંત્રમાં પશુપાલનનો ફાળો પણ અગત્યનો છે. ગાય, ભેંસ, ઘેટાં-બકરાં અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે. આ જિલ્લામાં પશુઓની ઓલાદ-સુધારણાના પ્રયાસો ચાલુ છે. અહીં પશુઓ માટેનાં દવાખાનાં, વિકાસકેન્દ્રો તથા કૃત્રિમ ગર્ભાધાન કેન્દ્રો આવેલાં છે.

ઉદ્યોગવેપાર : આ જિલ્લાનો ઔદ્યોગિક વિકાસ મુખ્યત્વે વન્ય પેદાશો અને ખેતીપેદાશોના કાચા માલ પર આધારિત છે. અહીંના કેટલાક એકમો જિલ્લાને નાણાં મેળવી આપે છે. જિલ્લામાં નાના-મોટા બંને પ્રકારના એકમો આવેલા છે. જિલ્લામાં ખાંડનાં કારખાનાં, કાગળની મિલ, ખાંડસરી અને ગોળ બનાવવાના તથા બાંધકામની સામગ્રી, ઉપભોક્તા ચીજો તથા કાષ્ઠકોતરણીના એકમો આવેલા છે. ઇજનેરી વિભાગ માટે જાણીતી બનેલી રુરકી યુનિવર્સિટી ચિત્રકામ અને સર્વેક્ષણનાં સાધનો બનાવે છે. અહીં હાથસાળ-ઉદ્યોગ પણ વિકસેલો છે. આ રાજ્યમાં ચાર ઔદ્યોગિક વસાહતો આવેલી છે, જેમની પ્રત્યેકની એક એક શાખા સહરાનપુર ખાતે પણ છે.

આ જિલ્લામાં ખાદી, સ્ટ્રૉબોર્ડ, લોખંડના પેટી-પટારા, સ્ટૂલ (બાજઠ) અને માટલાં બને છે. અનાજ, ખાંડ, ગોળ, લાકડાની વસ્તુઓ અને શાકભાજીની નિકાસ થાય છે તથા કેરોસીન, કોલસો, વીજળીનો માલસામાન, લોખંડનો માલ, દવાઓ, મીઠું અને શેરડીની આયાત થાય છે.

પરિવહનપ્રવાસન : સહરાનપુર જિલ્લો રેલ અને સડકમાર્ગોથી ગૂંથાયેલો છે. જિલ્લામાં સહરાનપુરથી દેવબંધ, સહરાનપુરથી નાનૌતા અને સહરાનપુરથી સરસાવ જતા બ્રૉડગેજ રેલમાર્ગો પસાર થાય છે તે રુરકી, હરદ્વાર, રામપુર અને નાંગલને પણ સાંકળી લે છે. અહીંથી કોઈ રાષ્ટ્રીય માર્ગ જતો નથી, પરંતુ 227 કિમી.ના રાજ્યમાર્ગો, 232 કિમી.ના જિલ્લામાર્ગો તથા 811 કિમી.ના અન્ય માર્ગો આવેલા છે. અહીંના મોટાભાગના માર્ગો પાકા છે.

(i) મા બાલાસુંદરીજી મંદિર : દેવબંધમાં આવેલું આ મંદિર મરાઠાયુગ દરમિયાન બંધાયેલું. નજીકમાં દેવીકુંડ નામે એક મોટું તળાવ છે. અહીં દર વર્ષે ચૈત્ર સુદ ચૌદશે મોટો મેળો ભરાય છે. તેમાં હજારો લોકો આવે છે. તે પૈકીના ઘણાખરા દેવીકુંડમાં સ્નાન કરવાનો લાભ લે છે. દેવીકુંડમાં રંગીન કમળો ઊગે છે. મંદિર ખાતે સંસ્કૃત પાઠશાળા પણ ચાલે છે.

(ii) દારુલઉલૂમ : દેવબંધમાં સંસ્કૃતશાળા સાથે અરેબિક ભાષાનું કેન્દ્ર પણ ચાલે છે. તેમાં વિરલ પુસ્તકો, હસ્તપ્રતો, હસ્તલિખિત કુરાનની પ્રત ધરાવતું પુસ્તકાલય આવેલું છે.

(iii) માનકી શિવમંદિર : દેવબંધથી આશરે 5 કિમી. અંતરે આવેલા આ મંદિરમાં શિવરાત્રીને દિવસે દર વર્ષે મોટો મેળો ભરાય છે.

(iv) બાબા લાલદાસજીનું મંદિર : એવી એક લોકવાયકા પ્રવર્તે છે કે લાલદાસ નામના કોઈ એક બાબા તેમની દૈવીશક્તિથી ગંગા નદીને અહીં સુધી વાળી લાવ્યા હતા. આ મંદિર ગંગાકાંઠે આવેલું છે. તે ચાર માળનું છે. અહીં આવતા યાત્રાળુઓ ગંગાના અહીંના કૈલાસઘાટ પર સ્નાન કરે છે. મંદિરમાં ભગવાન શંકર, પાર્વતી અને ગણેશની પૂરા કદની મૂર્તિઓ છે.

(v) તાજેવાલા : સહરાનપુર અને અંબાલાની સરહદ પર આ સ્થળ આવેલું છે. અહીં યમુના નદી પર સહરાનપુર-અંબાલાને જોડતો પુલ આવેલો છે. યમુનાની પૂર્વીય નહેર અહીંથી શરૂ થતી હોવાથી તે પ્રવાસી-આકર્ષણનું કેન્દ્ર બની રહેલ છે.

(vi) શાનકુમારી દેવી મંદિર : સહરાનપુરથી આશરે ત્રણ કિમી. અંતરે શિવાલિક ટેકરીઓમાં શિવાજી મહારાજે બંધાવેલું મંદિર આવેલું છે. તેની નજીકમાંથી ખોલા નદી વહે છે. આસો સુદ ચૌદશે અહીં મેળો ભરાય છે.

(vii) કલિયાર : આશરે 800 વર્ષ અગાઉ થઈ ગયેલા અને કલિયારના પીર તરીકે જાણીતા બનેલા સૂફી સંત શાહ અલાઉદ્દીન સબીરની દરગાહ અહીં આવેલી છે. દર વર્ષે અહીં ભરાતા મેળામાં ભાગ લેવા લોકો દૂર દૂરથી આવે છે.

શિવાલિકની ટેકરીઓમાં આવેલાં જંગલોમાં ફરવા આવનાર પ્રવાસીઓની સુવિધા જાળવવા વિહારધામો બાંધવામાં આવેલાં છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 28,48,152 જેટલી છે, તે પૈકી 56 % પુરુષો અને 44 % સ્ત્રીઓ છે; જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 65 % અને 35 % જેટલું છે. અહીં હિન્દુ-મુસ્લિમ વસ્તી વિશેષ છે; જ્યારે ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન અને શીખ લોકોની વસ્તી ઓછી છે. અહીં હિન્દી, પંજાબી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ 35 % જેટલું છે. અહીંનાં 67 % ગામડાંઓમાં શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ અહીંનાં બધાં નગરોમાં છે. ચાર કૉલેજો અહીં આવેલી છે. અહીંનાં લગભગ બધાં જ ગામોમાં તબીબી સેવાની સગવડ ઉપલબ્ધ છે. વહીવટી સરળતા માટે આ જિલ્લાને 4 તાલુકા અને 11 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. અહીં 11 નગરો અને 1,607 (329 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : આ જિલ્લામાં ઘણાં પ્રાચીન સ્થળો આવેલાં છે, પરંતુ તે બધાંની ઐતિહાસિક માહિતી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. દેવબંધ અને નકુર અહીંનાં ઘણાં જૂનાં સ્થળો ગણાય છે. નજીકમાં આવેલું હરદ્વાર હિમાલયનું પ્રવેશદ્વાર ગણાય છે, અગાઉના વખતમાં તે ઘણુંખરું માયાપુર અથવા ગંગાદ્વાર તરીકે ઓળખાતું હતું, વળી તે હિન્દુ ધર્મશાસ્ત્રો અને પરંપરાઓ સાથે પણ સંકળાયેલું છે. ઈ. પૂ. છઠ્ઠી સદીમાં આ જિલ્લો કોશલ પ્રદેશનો એક ભાગ હતો. તે પછીથી તે નંદવંશ, મૌર્યો અને ઈ. પૂ. 184થી 72 સુધી સુંગ વંશને હસ્તક રહેલો. ઈ. સ. 226 સુધી તે કુશાણો પાસે રહ્યો અને પછીથી ગુપ્ત રાજાઓના શાસન હેઠળ આવેલો. તેમણે ઈ. સ. 320થી 480ના ગાળા દરમિયાન આ પ્રદેશનો ઉપલી દોઆબમાં સમાવેશ કરેલો. તે પછીથી શ્વેત હૂણો આવ્યા, તેમણે તેના પર ટૂંકા ગાળા માટે અધિકાર જમાવેલો; ગુપ્તવંશના પતન બાદ અહીં થાણેશ્વરના હર્ષનો ઉદય થયો. હર્ષે ઈ. સ. 606થી 647 સુધીમાં ભારતનો ઘણો પ્રદેશ પોતાની સત્તા હેઠળ લાવી મૂક્યો. 11મી સદીમાં તે દિલ્હીના તોમર સામ્રાજ્યમાં રહ્યું. તે પછીથી તે ચૌહાણોને હસ્તક ગયું. દિલ્હી સલ્તનતકાળ દરમિયાન, તે દિલ્હીના સૂબા હેઠળ રહેલું. સહરાનપુર શહેર મોહમ્મદ તઘલખના આદેશ અનુસાર સ્થપાયેલું, ત્યારે ખૂબ જાણીતા થયેલા સંત શાહ હારુન ચિસ્તીના નામ પરથી સહરાનપુર (શાહહારુ) નામ પડેલું છે.

ત્યારબાદ આ જિલ્લો મુઘલ સામ્રાજ્યનો ભાગ બનેલો, વચ્ચે થોડો વખત શેરશાહ સૂરીએ તે પડાવી લીધેલો. ઔરંગઝેબના મૃત્યુ પછી મુઘલ સલ્તનતનું ધીમે ધીમે પતન થતું ગયું. 1712થી મુઝફ્ફરનગર અને સહરાનપુરનાં વર્ચસ્ વધતાં ગયાં. 1748 સુધીમાં રોહિલ્લાઓએ અહીંના સૈયદોને દબાવી દીધા અને પોતાની સત્તા જમાવી દીધી. તે પછીથી શીખોએ આ વિસ્તાર પર ઘણા હુમલા કરેલા. 1790માં મરાઠાઓએ તે લઈ લીધેલો. 1803થી તે બ્રિટિશ હકૂમત હેઠળ આવ્યો, તે પછી તે ઉત્તરપ્રદેશનો એક જિલ્લો બની રહેલ છે.

ગિરીશભાઈ પંડ્યા