સહરસા : બિહાર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લા મથક. ભૌગોલિક સ્થાન : તે 25° 23´ ઉ. અ. અને 86° 36´ પૂ. રે.ની આજુબાજુનો 1195 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સુપૌલ, વાયવ્યમાં મધુબની, પૂર્વમાં માધેપુરા, દક્ષિણમાં ખગારિયા તથા પશ્ચિમે દરભંગા જિલ્લો આવેલા છે. જિલ્લામથક સહરસા જિલ્લાનું મુખ્ય નગર છે. તે જિલ્લાના મધ્યભાગમાં ઈશાન તરફ આવેલું છે. આ જિલ્લાની રચના 1954ના એપ્રિલની પહેલી તારીખે કરવામાં આવેલી છે.
ભૂપૃષ્ઠ–જળપરિવાહ : આખોય સહરસા જિલ્લો ગંગા નદીથી ઉત્તર તરફ આવેલો છે અને લગભગ સંપૂર્ણપણે મેદાની ભાગથી બનેલો છે, આ કારણે તે ખૂબ જ ગીચ વસ્તીવાળો છે. અહીં કોશી નદીના પૂરથી જમીનધોવાણ થતાં જમીનોની ફળદ્રૂપતા ઘટી જતી હતી. એ મુશ્કેલી હવે ત્યાં બંધ બંધાવાથી દૂર થઈ છે. જિલ્લાનું ભૂપૃષ્ઠ કોશીનાં પૂરથી ખોતરાઈ ગયેલું છે. અહીંના સોનવર્ષા અને કિશનગંજ વિસ્તારના રેતીવાળા વિભાગો નવસાધ્ય કરવામાં આવેલા છે. હિમાલયમાંથી નીકળીને આવતી કોશી અહીંની મુખ્ય નદી છે. તેની ત્રણ સહાયક નદીઓ સંકોશી, અરુણ અને તમુર ત્રિવેણી ખાતે મળે છે અને સપ્તકોશી બનાવે છે, ચત્રા ખાતે આ નદી મેદાનમાં પ્રવેશે છે. આ ઉપરાંત તિલિજુગા, ભાટી-બાલન, સુગર્વી, સોનિયોર-જંગર-બાલન, કમલા અને બાગમતી જેવી સહાયક નદીઓ કોશીના જમણા કાંઠે ભેગી થાય છે.
ખેતી–સિંચાઈ–પશુપાલન : ડાંગર, મકાઈ, શણ, ઘઉં, જવ, શેરડી અહીંના મુખ્ય કૃષિપાકો છે. કોશીના પૂરનિયંત્રણની યોજના અમલમાં આવ્યા પછીથી સિંચાઈની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. આ ઉપરાંત સિંચાઈ માટે બોરિંગ, કૂવા, ટ્યૂબવેલ, રાહતપંપો, હાથપંપો, પંપસેટ જેવી સગવડો આપવામાં આવી છે.
આ જિલ્લામાં ઢોરોનું પ્રમાણ ઓછું અને તેમની ઓલાદ ઊતરતી કક્ષાની છે. આ માટે પશુદવાખાનાં, પશુચિકિત્સાલયો અને પશુચિકિત્સકોની સંખ્યા વધારવામાં આવી છે. વળી આ જ કારણે મરઘાં-બતકાંપાલન તેમજ મત્સ્યપાલનને વધુ મહત્ત્વ અપાય છે. જિલ્લાના કેટલાક ભાગોમાં મત્સ્યઉદ્યોગ વિકસે તે માટે પ્રયાસો કરવામાં આવેલા છે.
ઉદ્યોગો : આ જિલ્લામાં પરિવહનની સગવડો ઓછી હોવાથી હજી હમણાં સુધી ઉદ્યોગોનો પૂરતા પ્રમાણમાં વિકાસ થયો નથી; પરંતુ હવે બિહાર સ્ટેટ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન તરફથી વૈજનાથપુર ખાતે કાગળનું એક કારખાનું નાખવાની યોજના કરી છે, આ માટે રાજ્ય હસ્તકની બિહાર પેપર મિલ સ્થાપવામાં આવી છે. પેપરની આ મિલની નજીક રંગો, રસાયણો, ફટકડી, રાળ, સ્ટાર્ચ, યાંત્રિક કાર્યશાળાઓ અને છાપરાં માટેની હલકા વજનની સામગ્રી બનાવવાના એકમો નાખવાની યોજના પણ છે. સહરસા ખાતે ઍલ્યુમિનિયમનું કારખાનું કાર્યરત છે. સહરસા-માધેપુરા માર્ગ પર સ્ટીલ રી-રોલિંગનું કારખાનું આવેલું છે. જોકે મીણબત્તી, સાબુ, કેક અને બિસ્કિટના નાના પાયા પરના એકમો શરૂ થયા છે.
વેપાર : જિલ્લામાં ઍલ્યુમિનિયમની સામગ્રીનું ઉત્પાદન લેવાય છે. સહરસા શણ માટેનું મુખ્ય મથક છે. અહીંથી શણની નિકાસ તથા ખાદ્યાન્ન, ખાદ્યતેલ, લોખંડ અને લોખંડની પેદાશો, કોલસો, સુતરાઉ કાપડ અને વપરાશી ચીજોની આયાત થાય છે.
પરિવહન : કોશી નદીમાં પૂર આવતાં હોવાથી હજી હમણાં સુધી પરિવહન-ક્ષેત્રે ખાસ વિકાસ સાધી શકાયો ન હતો. આઝાદી પછીનાં વર્ષોમાં ધીમે ધીમે પાકા અને કાચા રસ્તાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. જૂના માર્ગોને સુધાર્યા છે તેમજ નદીઓ પર પુલ પણ બંધાયા છે. રેલમાર્ગના ચાર ફાંટાઓ પણ વિકસાવ્યા છે. આ જિલ્લામાં નૌકાસફર થઈ શકે એવી નદીઓ નથી, તેમ છતાં ક્યાંક ક્યાંક નાની હોડીઓ ચાલે છે. અહીંના બીરપુર અને સહરસા ખાતે બે હવાઈમથકો આવેલાં છે.
પ્રવાસન : આ જિલ્લામાં દીવાન વનમંદિર, ધારહરા, નૌહટ્ટા, મંડન ભારતી આસ્થાન, તારા આસ્થાન અને ઉકાહી જેવાં પ્રવાસી સ્થળો આવેલાં છે. (i) દીવાન વનમંદિર : નૌહટ્ટા ઘટકના શાહપુર-માજહોલમાં આવેલા મંદિરમાં એક શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. કહેવાય છે કે આ લિંગ ઈ. પૂ. 100ના અરસામાં મહારાજા શાલિવાહને સ્થાપ્યું હતું. શાલિવાહનના પુત્ર જીમૂતવાહનને નામે અહીં હિન્દુઓ ‘જિઉતિયા’ નામનો મહોત્સવ ઊજવે છે. આ માટેનાં વર્ણન ‘શ્રીપુરાણ’ અને ‘મિથિલા મિહિર’ નામના ગ્રંથોમાં જોવા મળે છે.
(ii) ધારહરા : સહરસા જિલ્લાનું આ એક એવું ધાર્મિક સ્થળ છે જ્યાં ‘મહાદેવસ્થાન’ નામનું ખૂબ જ પવિત્ર ગણાતું શિવમંદિર આવેલું છે. શિવરાત્રિએ અહીં મોટો વાર્ષિક મેળો ભરાય છે. કોઈ કોઈ રવિવારે પણ અહીં મેળાનું આયોજન થાય છે.
(iii) નૌહટ્ટા : નૌહટ્ટા ઘટકમાં આવેલું આ એક જૂનું ગામ છે અને મુઘલોના સમયથી તેનું મહત્ત્વ છે. અહીં આશરે 25 મીટર ઊંચું એક શિવમંદિર છે. 1934ના બિહારના ભૂકંપમાં તેને નુકસાન થયેલું, પરંતુ શ્રીનગર એસ્ટેટના રાજા શ્રીનંદસિંઘે તેનો ર્જીણોદ્ધાર કરાવેલો. આ સ્થળે માટીના એક ટેકરા પર માધોસિંહની 12 મીટર જેટલી ઊંચી સમાધિ આવેલી છે. માધોસિંહ લાદરી ઘાટની લડાઈમાં શહીદ થયેલા. આ સમાધિ પર હિન્દુ-મુસ્લિમ બંને કોમના લોકો અંજલિ આપે છે.
(iv) મંડન ભારતી આસ્થાન : સહરસાથી પશ્ચિમે આશરે 16 કિમી. દૂર આવેલા મહિષી નામના એક ગામ માટે કહેવાય છે કે અહીં આદ્ય શંકરાચાર્ય અને પંડિત મંડનમિશ્ર વચ્ચે શાસ્ત્રાર્થ થયેલો. તે વખતે મંડનમિશ્રનાં પત્ની નિર્ણાયક બનેલાં. મંડનમિશ્ર હારવાથી આ વિદુષીએ પોતાની સાથે શાસ્ત્રાર્થ કરી હરાવવા પડકાર ફેંકેલો – તેમાં શંકરાચાર્ય હારેલા.
(v) તારા આસ્થાન : આ સ્થાનક પણ મહિષી ખાતે જ આવેલું છે. ત્યાં ભગવતી તારાની ઘણી જૂની મૂર્તિ ધરાવતું પ્રાચીન મંદિર છે. ધાર્મિક લોકો ઘણે દૂરથી આ મંદિરના દર્શને આવે છે.
(vi) ઉકાહી : કહારા ઘટકમાં આવેલા આ ગામમાં કરેલા ઉત્ખનનમાંથી દેવી દુર્ગાની પ્રાચીન મૂર્તિ મળી છે. લોકકથા મુજબ શોણીલાલ ઝા નામની કોઈક વ્યક્તિને સ્વપ્નમાં આ સ્થળ ખોદવા માટે દૈવી આદેશ મળેલો. આ મૂર્તિ પણ સ્વપ્નમાં દર્શાવેલ સ્થળેથી જ મળેલી. તેથી મંદિર બનાવીને તેમાં મૂર્તિ સ્થાપેલી છે. દૂરદૂરથી શ્રદ્ધાળુઓ તેના દર્શને આવે છે.
આ જિલ્લામાં વારતહેવારે મેળા ભરાય છે અને ઉત્સવો પણ ઊજવાય છે.
વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 15,06,418 જેટલી છે, તે પૈકી ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે આશરે 90 % અને 10 % જેટલું છે. આ જિલ્લામાં હિન્દુઓ અને મુસ્લિમો વિશેષ છે જ્યારે ખ્રિસ્તી, શીખ, જૈન અને બૌદ્ધોની વસ્તી ઓછી છે. અહીં હિન્દી અને ઉર્દૂ ભાષા બોલાય છે. સાક્ષરતાનું પ્રમાણ આશરે 50 % જેટલું છે. જિલ્લામાં શિક્ષણસંસ્થાઓ તેમજ તબીબી સેવાની વ્યવસ્થાનું પ્રમાણ મધ્યમસરનું છે. વહીવટી સરળતા માટે આ જિલ્લાને બે ઉપવિભાગોમાં અને સાત સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. અહીં માત્ર એક જ નગર સહરસા છે, તેની વસ્તી એક લાખથી ઓછી છે.
ઇતિહાસ : મુઘલ શાસનકાળ દરમિયાન, આજનો સહરસા જિલ્લો સરકાર તિરહટ, સરકાર મુંગેર અને સરકાર પૂર્ણિયાનો એક ભાગ હતો. 1764માં સહરસાને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અંકુશ હેઠળ મૂકવામાં આવેલો. 1857ની ભારતની આઝાદીની ચળવળ દરમિયાન, અહીંના લોકોએ પૂર્ણિયા અને ભાગલપુરના વહીવટદારોને સહકાર ન આપ્યો અને બળવો કર્યો ત્યારથી આ જિલ્લો રાજકીય ચળવળોનું મથક બની રહેલો. 1991 પછીથી સહરસા જિલ્લાના બે ભાગ પડેલા છે : સહરસા અને સુપૌલ.
ગિરીશભાઈ પંડ્યા