સહકાર (આર્થિક ક્ષેત્રે)

January, 2007

સહકાર (આર્થિક ક્ષેત્રે) : સ્વહિત માટે લોકો દ્વારા રચવામાં આવતા વેપારી સંગઠનનું એક સ્વરૂપ. સહકારી સંગઠન, વ્યક્તિગત માલિકી, ભાગીદારી પેઢી, સંયુક્ત મૂડી, કંપની કે રાજ્યસંચાલિત વેપારી-ઔદ્યોગિક સાહસો જેવું જ એક ધંધાદારી સાહસ છે. જોકે તેનાં ઉદ્દેશો અને કાર્યપદ્ધતિની બાબતમાં તે અન્ય ધંધાદારી સંગઠનોથી જુદું પડે છે.

ઇંગ્લૅન્ડમાં 1844માં સ્થપાયેલા અને રૉકડેલ પ્રણેતાઓએ શરૂ કરેલા ટોડલેન સ્ટોર્સથી ગ્રાહક સહકારી પ્રવૃત્તિનો આરંભ થયો. તેમાં આરંભમાં 28 સભ્યો જોડાયેલા અને તે પ્રત્યેકે એક એક પાઉન્ડ રોકીને 28 પાઉન્ડનું શેરભંડોળ ભેગું કરેલું. સહકારી ધોરણે અસ્તિત્વમાં આવેલો આ એક ગ્રાહક ભંડાર હતો. 19મી સદીનાં એ વર્ષોમાં વેપારીઓ અને ઉત્પાદકો વિવિધ રીતે ગ્રાહકોનું શોષણ કરતા હતા. તેમાંથી ગ્રાહકોને, ખાસ કરીને કામદારોને ઉગારી લેવાના ઉદ્દેશથી સહકારી ગ્રાહક પ્રવૃત્તિ શરૂ થઈ હતી. આ માટે સહકારી ગ્રાહક ભંડારોએ ગ્રાહકોને વાજબી ભાવે, સાચા તોલમાપ સાથે સારી ગુણવત્તાવાળી વસ્તુઓ પૂરી પાડવાની નીતિ અપનાવી હતી. ઇંગ્લૅન્ડની જેમ સ્વીડન વગેરે અન્ય કેટલાક દેશોમાં પણ 1870 પછીનાં વર્ષોમાં ગ્રાહક સહકારી પ્રવૃત્તિ વિસ્તરી.

સહકારી ધોરણે વેપારી-ઉત્પાદક પ્રવૃત્તિ હાથ ધરવા માટેનું બીજું ક્ષેત્ર ધિરાણનું છે; દા.ત., જર્મનીમાં યહૂદી શાહુકારોની શોષણખોરી તથા શહેરોમાંના કામદારો, નાના વેપારીઓ વગેરેની કારમી હાલત જોઈને જર્મનીના બે પરોપકારી સજ્જનો – રેફિસને 1848માં અને શુલ્ટ્ઝે 1849માં અનુક્રમે ગ્રામ તથા શહેરી વિસ્તારમાં પ્રાથમિક ધિરાણ મંડળીની સ્થાપના કરી સહકારી ધિરાણપ્રવૃત્તિનો આરંભ કર્યો.

આર્થિક ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિના ઉદ્ભવને સમજાવતાં આ ઉદાહરણો પરથી એ સ્પષ્ટ થાય છે કે સહકારી પ્રવૃત્તિનો પાયાનો એક ઉદ્દેશ મૂડીવાદી વ્યવસ્થામાં લોકોનું જે શોષણ થાય છે તેમાંથી તેમને ઉગારવાનો છે. તેની સાથે આર્થિક ક્ષેત્રે રચાતાં સહકારી સંગઠનો તેમના આદર્શ સ્વરૂપે કેટલીક વિશેષતાઓ ધરાવે છે.

સહકારી પ્રવૃત્તિનો પાયાનો સિદ્ધાંત સમાનતાનો છે. તેથી સહકારી સંગઠનનો પ્રત્યેક સભ્ય મત આપવાનો સમાન અધિકાર ધરાવે છે. સહકારી સંગઠનના સભ્યને તેની પાસે રહેલા શેરના આધારે મતાધિકાર આપવામાં આવતો નથી. સમાનતાનો સિદ્ધાંત બીજી રીતે પણ કામ કરે છે. સહકારી પ્રવૃત્તિ જે નફો મેળવે તેમાંથી સભ્યોને તેમની શેરમૂડી પર અગાઉથી નિયત કરવામાં આવેલું વળતર જ ચૂકવવામાં આવે છે. બાકી રહેતો નફો સભ્યોએ મંડળી સાથે કરેલા કામકાજના પ્રમાણમાં વહેંચવામાં આવે છે અથવા કેટલાક ઉમદા સામાજિક હેતુઓ માટે તે વાપરવામાં આવે છે. આમાં એ અભિપ્રેત છે કે સહકારી સંગઠન નફાવૃત્તિથી અસ્તિત્વમાં આવતું નથી. સમાનતાના સિદ્ધાંતનું એક પાસું ભેદભાવમુક્ત સભ્યપદનું છે. જ્ઞાતિ, ધર્મ, રંગ, જાતિ, વંશ એવા કોઈ પણ કારણસર કોઈ વ્યક્તિને મંડળીના સભ્યપદથી વંચિત રાખી શકાય નહિ. સમાજના નબળા વર્ગના લોકો સાથે મળી, પોતાની નાની બચતો ભેગી કરીને જે તે આર્થિક પ્રવૃત્તિના સંચાલન માટેની પ્રાથમિક મૂડી જાતે જ ઊભી કરે અને એ રીતે પોતાના પગ પર ઊભા રહીને પોતાની આર્થિક સ્થિતિ સુધારે એ સહકારી પ્રવૃત્તિ પાછળનો મુખ્ય વિચાર છે. એનો ઉદ્દેશ વિવેકપૂર્ણ રીતે, કરકસરપૂર્વક ખર્ચ કરીને બચત કરવા જેવા ગુણો સભ્યોમાં કેળવવાનો છે. વ્યક્તિગત ધોરણે જે ન થઈ શકે તે સંગઠિત બનીને કરવા માટેનો માર્ગ સહકારી પ્રવૃત્તિ છે. ‘સહકાર’ શબ્દમાં જ એ અભિપ્રેત છે કે તે સંપૂર્ણપણે સ્વૈચ્છિક પ્રવૃત્તિ જ હોઈ શકે.

ભારતમાં સહકારી પ્રવૃત્તિનો આરંભ 1904માં કરવામાં આવેલા સહકારી ધિરાણ મંડળીના કાયદાથી થયો. તે અગાઉ 1901માં દુષ્કાળપંચે ખેતીના ક્ષેત્રે ધિરાણ માટે સહકારી સંસ્થાઓની સ્થાપનાની ભલામણ કરી હતી. આ પૂર્વે જોયું તેમ, ભારતમાં ઔપચારિક રીતે સહકારી પ્રવૃત્તિ શરૂ થઈ તે પૂર્વે 19મી સદીના છેલ્લા ત્રણેક દસકા દરમિયાન યુરોપના અનેક દેશોમાં સહકારી પ્રવૃત્તિ વિકસી ચૂકી હતી. જેવા સંજોગોમાં એ દેશોમાં સહકારી પ્રવૃત્તિ શરૂ થઈ હતી એવા સંજોગો ભારતમાં પણ પ્રવર્તતા હતા; તેથી યુરોપની સહકારી પ્રવૃત્તિનો પ્રભાવ ભારત પર પડે તે સહજ હતું.

ગ્રામીણ ધિરાણના ક્ષેત્રે શરૂ થયેલી સહકારી પ્રવૃત્તિ ધિરાણ કે ગ્રામીણ ક્ષેત્ર પૂરતી સીમિત રહી નહિ. ગ્રામવિસ્તારોની જેમ નગર વિસ્તારોમાં તથા ધિરાણ સિવાયનાં ક્ષેત્રોમાં પણ તે પ્રસરી. આથી 1904ના કાયદાને 1912માં સુધારીને તેને સર્વગ્રાહી સ્વરૂપ આપવામાં આવ્યું. એ કાયદાથી દેશમાં સહકારી પ્રવૃત્તિને સારું પ્રોત્સાહન મળ્યું. આજે દેશમાં સહકારી પ્રવૃત્તિ કૃષિધિરાણથી આગળ વધી ખેડૂતોની જરૂરિયાતો ધ્યાનમાં લઈને સહકારી ડેરી ઉદ્યોગ, સહકારી ખાંડ ઉદ્યોગ, સહકારી કાંતણ મિલો, ખાતરનાં સહકારી કારખાનાં, નાગરિક સહકારી બૅંકો જેવાં વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરી છે. 1946માં શરૂ થયેલો ખેડા જિલ્લા સહકારી દૂધ-ઉત્પાદક સંઘ (‘અમૂલ’) આ બધામાં ખૂબ જાણીતું અને પ્રતિષ્ઠિત સહકારી સંગઠન છે.

ભારતમાં પ્રાદેશિક રીતે સહકારી પ્રવૃત્તિનો વિકાસ અસમાન રીતે થયો છે. દેશનાં કેટલાંક રાજ્યોમાં સહકારી પ્રવૃત્તિ વિવિધ ક્ષેત્રોમાં ગણનાપાત્ર પ્રમાણમાં વિકસી છે, જ્યારે અન્ય કેટલાંક રાજ્યોમાં તેનો વિકાસ મર્યાદિત રહ્યો છે. જે રાજ્યોમાં સહકારી પ્રવૃત્તિએ મોટા પ્રમાણમાં વિકાસ સાધ્યો છે તેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ, પંજાબ વગેરેનો સમાવેશ થાય છે. બીજી બાજુ આસામ, ઓરિસા, બિહાર વગેરે રાજ્યોમાં સહકારી પ્રવૃત્તિ ઝાઝી વિકસી શકી નથી.

સહકારી પ્રવૃત્તિ નબળા વર્ગના લોકોના લાભાર્થે અસ્તિત્વમાં આવેલી પ્રવૃત્તિ છે. આવા વર્ગના લોકોને સંગઠિત કરીને તેમને સ્વનિર્ભર બનાવવા માટેની આ પ્રવૃત્તિ છે. એ રીતે જોઈએ તો દેશમાં નબળા વર્ગો સુધી આ પ્રવૃત્તિના લાભો અલ્પ પ્રમાણમાં જ પહોંચ્યા છે. આ પ્રવૃત્તિ પ્રમાણમાં સાધનસંપન્ન ગણી શકાય એવા લોકોના લાભાર્થે ચાલતી પ્રવૃત્તિ બની ગઈ છે.

દેશમાં સહકારી પ્રવૃત્તિ સાચા અર્થમાં નક્કર પ્રમાણમાં સભ્યોની લોકભાગીદારી ધરાવતી નથી. મંડળીના સભ્યો મંડળીની પ્રવૃત્તિઓમાં નિષ્ક્રિય અને ઉદાસીન રહે છે. મંડળીના હોદ્દેદારોની ચૂંટણીથી ઘણા સભ્યો દૂર જ રહે છે. મંડળીની કામગીરીમાં પણ તેઓ ભાગ્યે જ કશો રસ લે છે. સભ્યોની આ ઉદાસીનતાને કારણે અને રાજકારણીઓની સક્રિયતાને કારણે દેશની સહકારી પ્રવૃત્તિ મોટાભાગના દાખલાઓમાં રાજકારણીઓના કબજામાં આવી ગઈ છે અને તેમાં ભ્રષ્ટાચાર વધતો જાય છે. ગુજરાતમાં ઘણી સહકારી બૅંકોમાં કરોડોની રકમની ઉચાપતના દાખલા બહાર આવ્યા છે. ભારતની સહકારી પ્રવૃત્તિની એ એક મોટી ક્ષતિ છે.

ભારતમાં સહકારી પ્રવૃત્તિ ખેડૂતોના દેવાના અને ધિરાણના પ્રશ્નના એક ઉકેલ તરીકે શરૂ થઈ. દેશમાં 1951થી શરૂ થયેલા આયોજનકાળ દરમિયાન તેને વિસ્તારવાના અને સુદૃઢ પાયા પર મૂકવાના પ્રયાસો સરકાર અને રિઝર્વ બૅંકે કર્યા છે, છતાં સદીના અંતે પણ ખેતીના ક્ષેત્રે ધિરાણનો અને ખેડૂતોના દેવાનો પ્રશ્ન વણઊકલ્યો રહ્યો છે.

આ અંગેની વિગતો ચોંકાવનારી છે; દા.ત., 1951-52 વર્ષ દરમિયાન બિનસંસ્થાકીય ક્ષેત્રમાંથી ખેડૂતોને મળતા ધિરાણની ટકાવારી 93 હતી અને બાકીનું માત્ર 7 ટકા ધિરાણ સંસ્થાકીય ક્ષેત્રમાંથી ઉપલબ્ધ થતું હતું. ત્યારબાદ ધીમે ધીમે તેમાં સુધારો થતો ગયો; દા.ત., 1961-62માં બિનસંસ્થાકીય ક્ષેત્રમાંથી મળતા ધિરાણની ટકાવારી ઘટીને 81 થઈ અને 1981-82માં તે માત્ર 37 ટકા રહી હતી. 1981-82માં ખેડૂતોને સંસ્થાકીય ક્ષેત્રમાંથી મળતા 63 ટકા ધિરાણમાં સહકારી મંડળીમાંથી મળતા ધિરાણનું પ્રમાણ માત્ર 30 ટકા હતું. ત્યારબાદનાં તેર વર્ષમાં (1984-85થી 1997-98) ધિરાણની રકમમાં નોંધપાત્ર વધારો થયો હતો, જે નીચેની સારણી પરથી સ્પષ્ટ થાય છે :

સહકારી ક્ષેત્રમાંથી અપાતા ધિરાણની રકમ

વર્ષ ધિરાણની રકમ (રૂ.)
1984-85  3340 કરોડ
1990-91  3970 કરોડ
1997-98 14770 કરોડ (અંદાજિત)

સહકારી ક્ષેત્રમાંથી અપાતા ધિરાણ પર આકારવામાં આવતો વ્યાજનો દર અન્ય ક્ષેત્રો દ્વારા આકારવામાં આવતા વ્યાજના દર કરતાં ઘણો નીચો હોય છે. હવે તો દેશના ખેડૂતોને માત્ર 7 ટકા વ્યાજના દરથી ધિરાણ પૂરું પાડવામાં આવશે એવી જાહેરાત જુલાઈ 2006માં નાણાપ્રધાને દેશની લોકસભામાં કરી છે. તાજેતર(2002)માં ઉપલબ્ધ માહિતી અનુસાર ખેડૂતોની ધિરાણની કુલ જરૂરિયાતમાંથી 60 ટકા જેટલી જરૂરિયાત સહકારી ધિરાણ ક્ષેત્ર દ્વારા પૂરી પાડવામાં આવે છે.

છ દસકા પૂર્વે અખિલ ભારત ગ્રામધિરાણ તપાસ-સમિતિએ જે અવલોકન કર્યું હતું તે આજે પણ થઈ શકે તેમ છે : સહકારી પ્રવૃત્તિ વિદેશથી આવેલો એક એવો છોડ છે, જેનાં મૂળ આ દેશની ભૂમિમાં ચોંટતાં નથી અને સરકારે તેને ટકાવી રાખવો પડે છે.

રમેશ શાહ