સહકારી સંસ્થાઓ (સહકારી મંડળીઓનું સંગઠન) : મૂડીવાદી સ્વરૂપના સંગઠનના વિકલ્પ તરીકે તેની જોડાજોડ સમાજવાદી સ્વરૂપના સંગઠન તરીકે સફળતાપૂર્વક વિકસેલું અને ટકી રહેલું વ્યવસ્થાતંત્ર.
ઇંગ્લૅન્ડમાં ઈ. સ. 1844માં ટોડલેન ગ્રાહક સહકારી ભંડારથી સહકારી મંડળીઓની શરૂઆત થઈ. ત્યારબાદ તેનો ફેલાવો ફ્રાન્સ, યુ. એસ. (અમેરિકા) તથા ક્રમશ: જુદા જુદા દેશો એમ સમગ્ર વિશ્વમાં થયો. 60 વર્ષ બાદ ઈ. સ. 1904માં સહકારી કાયદાની રચનાથી તેની શરૂઆત ભારતમાં પણ થઈ. સહકારી મંડળી એક સ્વૈચ્છિક સંગઠન જ છે. આથી દરેક દેશની સહકારી મંડળીઓ પણ આગળ વધીને પોતાનાં સંગઠન રચે છે. ભારતમાં પણ તેવું સંગઠન છે. ભારત સમવાયતંત્રી દેશ છે. આથી સહકારી મંડળીઓનું સંગઠન પણ સમવાયતંત્રી છે. સંગઠનના એક એકમ તરીકે દરેક મંડળીને પોતાનો વહીવટ કરવાની સંપૂર્ણ સ્વાયત્તતા છે. તેઓ સંગઠન કરીને બાહ્ય જગત સાથેના વ્યવહારોમાં એક શક્તિશાળી સોદાગર તરીકે ઊભરે છે. સંગઠન દ્વારા પરસ્પરના અનુભવો અને તેમાંથી નીપજતા ડહાપણની આપ-લે કરી પોત-પોતાનાં સંચાલનને વધુ કાર્યક્ષમ બનાવે છે. સંગઠન દ્વારા મંડળીઓના સંચાલકોને તાલીમ આપવાની તેમજ જનતાને સહકારના સિદ્ધાંતોથી પરિચિત કરવાનાં કામ પણ થાય છે. બધા દેશોમાં સહકારી મંડળીઓએ સંગઠનો રચ્યાં છે. મોટાભાગનાં સમવાયતંત્રી અને રૈખિક છે. કાર્યક્ષેત્રાનુસાર મંડળીઓના પ્રકાર પડે છે. એકસરખા પ્રકારવાળી મંડળીઓ પોતાનું સંગઠન કરે છે. એવાં સંગઠનો પરસ્પર સંકલન કરી સહકારી પ્રવૃત્તિઓને સુદૃઢ કરે છે; સહકારી ભાવનાને ઉજાગર કરવા કોશિશ કરે છે. આ સંગઠનો ઉપર નિર્દેશ્યું તેમ સમવાયતંત્રી છે. પ્રાથમિક સહકારી મંડળીના સ્તરેથી શરૂ થતું સંગઠન રાષ્ટ્રીય કક્ષા સુધી સીધી રેખામાં તૈયાર થાય છે. પ્રસંગોપાત્ત, રાષ્ટ્રીય સંગઠનો અન્ય દેશો સાથે અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સંપર્ક કરી વૈશ્ર્વિક સંગઠનના લાભ પણ મેળવે છે. સહકારી મંડળીઓ મહદ્ અંશે નાણાકીય અને બિન-નાણાકીય મંડળીઓમાં વહેંચાય છે. આથી, એમનાં સંગઠનો પણ નાણાકીય અને બિન-નાણાકીય મંડળીઓનાં સંગઠનોમાં વહેંચાય છે. આ સાથેના આલેખમાં દર્શાવેલ સહકારી મંડળીઓનું સંગઠન મોટાભાગના દેશોમાં અસ્તિત્વ ધરાવે છે.
આલેખ જોતાં સમજાશે કે સહકારી મંડળીઓ સ્પષ્ટ બે ભાગમાં વહેંચી દેવામાં આવે છે : (1) નાણાકીય, (2) બિનનાણાકીય. નાણાકીય પ્રવૃત્તિઓનું સંચાલન ઊંચો કસબ માંગે છે. કોઈ પણ ક્ષેત્ર અને વ્યવસ્થાના સ્વરૂપ હેઠળ ચાલતી નાણાકીય પ્રવૃત્તિઓ સમગ્ર અર્થકારણ પર ઊંડી અને વ્યાપક અસર પાડે છે તેથી તેનું સંગઠન અલગ કરવામાં આવે છે. ભારતમાં નાબાર્ડ જેવી રાષ્ટ્રીય સ્તરની નાણાકીય સંસ્થાઓ છે.
નાણાકીય સહકારી સંસ્થાઓ સહકારી ક્ષેત્રે હોવા છતાં બૅન્કો છે. આથી, સંબંધિત દેશની મધ્યસ્થ બૅન્ક એમના પર અંકુશ રાખે છે. નાણાકીય સહકારી મંડળીઓ એટલે કે સહકારી બૅન્કોનું સંગઠન અલગ કરવામાં આવે છે. કૃષિ ક્ષેત્રની સહકારી બૅન્કો મુખ્યત્વે ગ્રામ વિસ્તારોમાં કાર્યરત હોય છે. એમની કામગીરી પ્રમાણમાં વધારે અનિશ્ચિતતા ભોગવતા કૃષિક્ષેત્ર સાથે હોય છે. આથી, એમાં કાર્યરત સહકારી મંડળીઓનું સંગઠન બિનકૃષિ એટલે કે અર્બન/નાગરિક સહકારી બૅન્કોથી જુદું કરવામાં આવે છે. નાગરિક સહકારી બૅન્કો મહદ્ અંશે શહેરી વિસ્તારોમાં કાર્યરત હોય છે. એમની કામગીરી પ્રમાણમાં વધારે નિશ્ચિતતા ભોગવતાં વિવિધ બિન-કૃષિ ક્ષેત્રો સાથે હોય છે.
બિન-નાણાકીય ક્ષેત્રો અનેક છે. સૌથી પહેલી સહકારી મંડળી બિનકૃષિવિષયક એવા વપરાશક્ષેત્રે ગ્રાહક મંડળી સ્વરૂપની સ્થપાઈ હતી. આપણા અર્થકારણમાં કૃષિક્ષેત્ર મહત્ત્વનું હોવાથી નાણાકીય ક્ષેત્રની જેમ બિન-નાણાકીય સહકારી મંડળીઓનું અલગ સંગઠન જિલ્લા-સ્તર સુધી બને છે. એ જ પ્રમાણે બિનકૃષિ બિન-નાણાકીય સહકારી મંડળીઓનું સંગઠન બને છે. જિલ્લા-સંગઠનોનું સમગ્રપણે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સંગઠન બને છે. સેવાક્ષેત્રોને ધ્યાનમાં રાખીને વર્ગીકૃત થતી સહકારી મંડળીઓનાં સંગઠનો દેખીતી રીતે ભલે અલગ બને, પરંતુ તેઓ વચ્ચે વ્યવહારો થતા હોય છે. રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે આ વ્યવહારો વધારે પ્રમાણમાં થાય છે. ભારતમાં બધી સહકારી મંડળીઓ પોતાના નફાનો નિયત ટકા ફાળો સહકારી સંઘોને આપે છે. આ સંઘો સહકારનાં શિક્ષણ, પ્રચાર અને મંડળીઓના હિતાર્થે કામ કરે છે. આમ, સહકારી સંઘો તો બધી જ સહકારી મંડળીઓનું સંગઠન છે.
સૂર્યકાન્ત શાહ