સસ્કેચવાન : પશ્ચિમ કૅનેડાના પ્રેરીઝના પ્રાંતો પૈકીનો એક. ભૌગોલિક સ્થાન : તે આશરે 49°થી 60° ઉ. અ. અને 104°થી 110° પ. રે.

સસ્કેચવાન

વચ્ચેનો 6,52,300 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નૉર્થ વેસ્ટ ટેરિટરિઝ, પૂર્વમાં મૅનિટોબા, દક્ષિણે યુ.એસ.નાં ઉત્તર ડાકોટા અને મૉન્ટાના તથા પશ્ચિમે આલ્બર્ટા આવેલાં છે.

સસ્કેચવાનની ઉત્તરે જંગલો, સરોવરો અને ઉપઆર્ક્ટિક ટુન્ડ્ર પ્રદેશ છે, જ્યારે દક્ષિણે પ્રેરીઝનાં મેદાનો આવેલાં છે. ઉત્તર અમેરિકામાં તે સૌથી વધુ ઘઉં ઉત્પન્ન કરતો વિસ્તાર છે. અહીંના ખેડૂતો કૅનેડામાં ઉત્પન્ન થતા ઘઉંના કુલ ઉત્પાદનના 50 %થી 60 % જેટલા ઘઉં પકવે છે. આ પ્રાંતનાં ઘઉંનાં વિશાળ ખેતરોએ તેને કૅનેડાનું ‘બ્રેડબાસ્કેટ’ ઉપનામ અપાવ્યું છે. અહીં થતા ઘઉંની નિકાસ કરવા માટે તેને રેલવે દ્વારા બંદરો પર પહોંચાડાય છે. અહીંની મહત્ત્વની પેદાશોમાં ખનિજતેલ-કુદરતી વાયુ, યુરેનિયમ, જસત અને પોટાશનો સમાવેશ થાય છે.

પ્રિન્સ આલ્બર્ટ નૅશનલ પાર્ક અહીંનું અગત્યનું જોવાલાયક સ્થળ છે. રેગિના (પાટનગર), સસ્કેટૂન, મૂઝ જૉ અને પ્રિન્સ આલ્બર્ટ અહીંનાં મુખ્ય નગરો છે. 1999 મુજબ આ પ્રાંતની વસ્તી આશરે 10,27,780 જેટલી છે.

પ્રિન્સ આલ્બર્ટ નૅશનલ પાર્ક

ઇતિહાસ : અગાઉના સમયમાં આ વિસ્તારમાં આથાબાસ્કન, આલ્ગોંક્રિયન અને સિઑક્સ ભાષાઓ બોલતા ઇન્ડિયનો વસતા હતા. તેઓ તેમની જરૂરિયાતો માટે મૂઝ, કેરીબુ પર્વતો અને બફેલો પર આધાર રાખતા હતા.

1750ના ગાળામાં અહીં ફ્રેન્ચોએ વેપારી થાણાં નાખેલાં. 1774માં હડસન બે કંપનીની માલિકીની પહેલી કાયમી વસાહત સ્થપાઈ. વાયવ્ય પ્રદેશના એક ભાગ તરીકે 1870માં તેમણે કૅનેડિયન સરકારને તે સોંપી દીધો. તે પછી 1905માં તેને પ્રાંત બનાવેલો.

ગિરીશભાઈ પંડ્યા