સસારામ : બિહાર રાજ્યના રોહતાસ જિલ્લાનું મુખ્ય મથક, જિલ્લાનો ઉપવિભાગ તથા ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : 24° 57´ ઉ. અ. અને 84° 02´ પૂ. રે..
પૂર્વ રેલવિભાગનો ગ્રાન્ડ રેલમાર્ગ તેમજ ગ્રાન્ડ ટ્રન્ક માર્ગ આ શહેરમાંથી પસાર થાય છે. તે કૃષિ-વ્યાપાર, કાલીન (carpet) તથા માટીનાં પાત્રો માટે તેમજ સોળમી સદીના મધ્યકાળમાં બંધાયેલા શેરશાહ(1540-45)ના મકબરા માટે જાણીતું છે. લાલ રેતીપાષાણથી બાંધેલો આ મકબરો ષટ્કોણ આકારનો છે તથા તે ભારતની બીજા

શેરશાહની કબર
ક્રમની ઊંચાઈ ધરાવતી કબર ગણાય છે. મોટા જળાશયની મધ્યમાં આવેલી આ કબર પઠાણી સ્થાપત્યનો ઉત્તમ નમૂનો પણ પૂરો પાડે છે. તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેલ છે. આ શહેરમાં શેરશાહના પિતા હસનખાન સુરની કબર તથા તેના પુત્રની અધૂરી બાંધેલી કબર પણ આવેલી છે. હસનખાનની કબર ‘સુખરોઝા’ નામથી ઓળખાય છે. અહીંની ચંદનપીરની ટેકરી પરનો ઈ. પૂ. ત્રીજી સદીનો સમ્રાટ અશોકનો એક શિલાલેખ પણ ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. 1869માં અહીં મ્યુનિસિપાલિટીની રચના કરવામાં આવેલી છે.
ગિરીશભાઈ પંડ્યા