સવિતાદેવી (જ. 7 એપ્રિલ 1942, બનારસ) : ઉત્તર હિંદુસ્તાનની ઉપશાસ્ત્રીય સંગીતનાં ગાયિકા તથા સિતારવાદક. તેઓ સુપ્રસિદ્ધ ઠૂમરી ગાયિકા સિદ્ધેશ્વરીદેવીનાં પુત્રી થાય છે. બાળપણથી જ તેમને સંગીતમાં રુચિ હતી. માતાને રિયાઝ કરતાં સાંભળીને તે પણ ગાયાં કરતાં, પરંતુ સંગીતશિક્ષણની શરૂઆત તેમણે સિતારથી કરી. શાળામાં માસ્ટર વિમલાનંદન ચેટર્જી પાસે સિતારની શરૂઆતની તાલીમ લીધી. ત્યારબાદ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં પંડિત લાલમણિ મિશ્રની તાલીમમાં સંગીતમાં એમ.એ. કર્યું તથા ગાંધર્વ મહાવિદ્યાલયની ‘સંગીતઅલંકાર’ની પદવી પણ પ્રાપ્ત કરી. ભારત સરકારની શિષ્યવૃત્તિ મેળવી દેશના મહાન સિતારવાદક પંડિત રવિશંકરજી પાસેથી સિતારની તાલીમ મેળવી. સિતારના એક સફળ કલાકાર તરીકે તેમણે દેશભરમાં કાર્યક્રમો આપ્યા.
સિતારવાદક તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યાં પછી એક દિવસ માતા સિદ્ધેશ્વરીદેવીના કહેવાથી તેમણે ગાયન શીખવાનો પ્રારંભ કર્યો. તેઓએ પંડિત મણિપ્રસાદજી તથા પંડિત દિલીપચંદ્ર વેદી પાસેથી ખ્યાલ ગાયનની તાલીમ લીધી. તદુપરાંત માતા પાસેથી ઠૂમરી, ટપ્પા, ચૈતી, કજરી, હોરી વગેરે ઉપશાસ્ત્રીય ગીતપ્રકારોની તાલીમ લીધી. રોજના આઠ આઠ કલાકની મહેનતથી તેમણે સિતારની સાથોસાથ ગાયનમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું. તેઓ ખ્યાલ ગાતાં હોય ત્યારે ખ્યાલ અંગથી બઢત, રાગની શુદ્ધતા, તાર-સપ્તકમાં સહેલાઈથી ગવાતી તાનો – આ બધી તેમના ગાયનની ખૂબીઓ પ્રગટ થાય છે અને ઠૂમરી ગાતાં હોય ત્યારે બનારસ અંગથી ઠૂમરીના વિશિષ્ટ ઢંગથી જ તેઓ પોતાનું ગાયન રજૂ કરતાં હોય છે. આમ, ખ્યાલ, ઠૂમરી અને સિતાર – એમ સંગીતના ત્રણ ત્રણ મોરચે સવિતાદેવીએ સફળતા મેળવી છે.
1977માં માતાના નામ પર બનારસ ખાતે શ્રીમતી સિદ્ધેશ્વરીદેવી અકાદમી ઑવ્ ઇન્ડિયન મ્યુઝિકની સ્થાપના કરી. તે દ્વારા સંગીતશિક્ષણ, પ્રચાર અને સંશોધનના કામમાં સવિતાદેવીએ પોતાની જાતને સમર્પિત કરી છે.
નીના જયેશ ઠાકોર