સવાના (ભૌગોલિક) : છૂટાંછવાયાં વૃક્ષો કે છોડવા-ઝાડવાં ધરાવતો અયનવૃત્તીય/ઉપઅયનવૃત્તીય ઘાસનો પ્રદેશ. મોટાભાગના સવાના પ્રદેશો અયનવૃત્તોમાં અને તે પણ રણો અને વર્ષાજંગલો વચ્ચે આવેલા હોય છે. સમશીતોષ્ણ વિસ્તારોમાં આવેલી કેટલીક ઘાસભૂમિને પણ ક્યારેક સવાના તરીકે ઓળખાવાય છે.
સવાનામાં વર્ષનો મોટો ભાગ સૂકી ઋતુ પ્રવર્તે છે અને તે દરમિયાન વારંવાર દવ લાગ્યા કરે છે. સવાના પ્રકારની વનસ્પતિ મુખ્યત્વે તો આફ્રિકા તેમજ દક્ષિણ અમેરિકામાં તથા નાના પાયા પર માડાગાસ્કર અને ઑસ્ટ્રેલિયામાં પણ જોવા મળે છે. દક્ષિણ આફ્રિકામાં થતી સવાના વનસ્પતિ ત્યાંના સ્થાનિક સંદર્ભમાં બુશવેલ્ડ કે વેલ્ડ નામથી પણ ઓળખાય છે. દક્ષિણ અમેરિકાના ઉત્તર ભાગોમાં જલાક્રાંત જમીનોવાળા સવાના વિસ્તારોને લાનોસ (Llanos) કહે છે. આફ્રિકામાં થતું સવાના ઘાસ 1.5થી 4.5 મીટરની ઊંચાઈવાળું (લાંબું ઘાસ) અથવા 30 સેમી. ઊંચાઈવાળું (ટૂંકું ઘાસ) હોય છે. સવાના નામ આ પ્રકારની ઘાસભૂમિને અપાય છે. અહીંનાં છૂટાંછવાયાં વૃક્ષો મોટેભાગે કાંટાળાં અને નાનાં પાંદડાંવાળાં હોય છે, તેમાં પણ ઘણાંખરાં વૃક્ષો તો બાવળનાં હોય છે. તાડનાં કે થોર(યુફોર્બિયા)નાં વૃક્ષો અને ઝાડવાં જૂથમાં, જ્યારે બાઓબાબનાં વૃક્ષો એકલાં જોવા મળે છે.
સવાના પ્રદેશોએ આફ્રિકાના 40 % ભાગને, ભારતના, ઑસ્ટ્રેલિયાના અને દક્ષિણ અમેરિકાના વિશાળ ભાગોને આવરી લીધેલા છે. સવાના પ્રદેશો જ્યાં વરસાદ પડતો હોય એવી તથા સૂકી મોસમ હોય એવી જગાઓને આવરી લે છે.
મોટાભાગના સવાના પ્રદેશોમાં વાર્ષિક 760થી 1,000 મિમી. જેટલો વરસાદ પડે છે; તેમ છતાં કેટલાંક સ્થાનોમાં 250 મિમી. જેટલો તો ક્યાંક 1,500 મિમી. જેટલો વરસાદ પણ પડે છે. સૂકા સવાના પ્રદેશમાં ઊંચું ઘાસ ઊગી નીકળે છે. વધુ પડતા ભેજવાળા સવાના પ્રદેશોમાં 2 મીટરની ઊંચાઈવાળું ઘાસ પણ ઊગે છે, ત્યાં વૃક્ષોનું પ્રમાણ પણ વિશેષ હોય છે. ભીના સવાના પ્રદેશોમાં ઊગતું ઘાસ 3 મીટર કે તેથી પણ વધુ ઊંચાઈનું હોય છે.
સવાના ઘાસભૂમિ પર સળંગ આચ્છાદન બનાવતું નથી, પરંતુ તે છૂટક છૂટક જૂથોમાં ઊગી નીકળે છે. કેટલાક કાષ્ઠરહિત છોડ પણ આવી ઘાસભૂમિમાં ઊગી નીકળે છે. સવાનામાં ઊગતાં વૃક્ષોનો વિકાસ સૂકી મોસમ શરૂ થતાં અટકી જાય છે, વૃક્ષો તેમનાં પર્ણો ખેરવી નાખે છે, જ્યારે ઘાસ કથ્થાઈ રંગનું બની જાય છે, માત્ર દુકાળ સામે પ્રતિકાર કરી શકતાં વૃક્ષો જ ટકી રહે છે. સૂકી ઋતુમાં નાનાં વૃક્ષો સુકાવા માંડે છે. ગરમી વધે ત્યારે દવ પણ લાગે છે, તેમાં નાનાં છોડવાં અને નાનાં વૃક્ષો નાશ પામે છે, માત્ર વિસ્તૃત મૂળવાળું ઘાસ જ દવ સામે ટકી રહે છે; વરસાદની મોસમ શરૂ થતાં તેમાં કૂંપળો ફૂટી નીકળે છે. કેટલાક સવાના પ્રદેશોમાં ઓછું જળવિતરણ અને જમીનના સંજોગો અનુકૂળ હોય તોપણ વૃક્ષો કરતાં તે ઘાસને વધુ માફક આવે છે.
દુનિયાના બધા જ સવાના પ્રદેશોમાં અગાઉ ચરતાં પશુઓનાં સંખ્યાબંધ ટોળાં જોવા મળતાં હતાં, હવે તે માત્ર આફ્રિકા પૂરતાં જ સીમિત છે. સાબર અને ઝિબ્રાનાં જૂથ આફ્રિકી સવાના પ્રદેશોમાં ચરતાં નજરે પડે છે. શિકારી પ્રાણીઓમાં સિંહ, દીપડા, ચિત્તા, શિકારી કૂતરા તથા પક્ષીઓમાં બાજ અને ગરુડનો સમાવેશ થાય છે. ચરતાં પ્રાણીઓનો શિકાર કરીને હિંસક પ્રાણીઓ નભે છે. આ ઉપરાંત આફ્રિકી સવાના પ્રદેશમાં શાહમૃગ અને વિવિધ જાતનાં ગીધ પણ જોવા મળે છે. ઉંદરો, પક્ષીઓ, સરીસૃપો તેમજ કીટકોની ઘણી જાતિઓ પણ સવાના પ્રદેશોમાં વસે છે.
ગિરીશભાઈ પંડ્યા