સલ્દાન્હા : દક્ષિણ આફ્રિકાના પશ્ચિમ કાંઠે આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 33° 00´ દ. અ. અને 17° 56´ પૂ. રે.. તે ટેબલના ઉપસાગરના વાયવ્યમાં 90 કિમી.ને અંતરે આવેલું, દક્ષિણ આફ્રિકાના આખાય કાંઠા પરનું એક ઉત્તમ કક્ષાનું બારું છે. સલ્દાન્હા આ વિસ્તારનું મુખ્ય મત્સ્યમથક છે. આ શહેરમાં પ્રક્રમિત માછલીઓને પૅક કરવાના ડબ્બા બનાવવાનાં કારખાનાં તથા અન્ય ઘણા એકમો આવેલાં છે. ઉત્તર કૅપ પ્રોવિન્સમાં ખોદી કાઢવામાં આવતું લોહ-અયસ્ક આ ઉપસાગર મારફતે અહીં લવાય છે. અહીં 860 કિમી. લંબાઈનો રેલમાર્ગ છે, જેના પર બે કિમી. લાંબી ગાડી માલની હેરફેર કરતી રહે છે. આ નગરમાં લશ્કરી ઍકેડેમી તથા અહીંથી દક્ષિણે 80 કિમી.ના અંતરે અણુઊર્જા-મથક આવેલાં છે. સલ્દાન્હાનો નગર-વહીવટ નજીક આવેલા વ્રેડનબર્ગ ખાતેની મ્યુનિસિપાલિટી સંયુક્ત રીતે કરે છે. આ નગરનું નામ સલ્દાન્હા 1503માં અહીં ટેબલના ઉપસાગર ખાતે આવેલા પોર્ટુગીઝ ઍડમિરલ ઍન્ટૉનિયા દ સલ્દાન્હાના નામ પરથી પડેલું છે.

ગિરીશભાઈ પંડ્યા