સલ્તનત ચિત્રકલા (1400થી 1600) : ભારતની પ્રાદેશિક મુસ્લિમ સલ્તનતોના આશ્રયે પાંગરેલી લઘુચિત્રકલા.
1206માં દિલ્હી ખાતે ભારતની પ્રથમ સલ્તનત કુત્બુદ્દીન ઐબક અને મહંમદ ઘોરીએ સ્થાપી. ત્યારપછી ત્રણ સૈકા સુધી ઉત્તર ભારતમાં ઘણી સ્વતંત્ર કે અર્ધસ્વતંત્ર સલ્તનતો સ્થપાઈ. જેમાંથી કેટલીક સલ્તનતોમાં લઘુચિત્રકલાને આશ્રય અને પોષણ મળ્યાં. ચિત્રકલાને પોષણ આપનાર પ્રથમ ભારતીય સલ્તનત છે માંડુ(માંડવગઢ)ની. ત્યાંથી પ્રથમ લઘુચિત્રો 1439માં આલેખિત મળી આવ્યાં છે. જૈન ધાર્મિક કથા ‘કલ્પસૂત્ર’ની પોથી માટે ચિત્રિત આ ચિત્રોમાં રેખાઓની અક્કડતા જૈન લઘુચિત્રો કરતાં ઘણી ઓછી છે અને તેમાં પ્રવાહિતા જોવા મળે છે. હાથી અને ઘોડા જેવાં જનાવરોનાં આલેખનો પૂરી પ્રવાહી રેખાઓ વડે થયેલાં જોવા મળે છે. સ્ત્રી-પુરુષોની શારીરિક અંગભંગિ પણ જૈન લઘુચિત્રો જેવી અક્કડ નથી.
સાદી દ્વારા રચિત બોસ્તાનની એક પોથીમાં પણ 1503માં માંડુમાં લઘુચિત્રો આલેખવામાં આવ્યાં છે. સુલેખનકાર શાહવર દ્વારા તેમાં અક્ષરાંકન કરવામાં આવ્યું છે. ચિત્રકાર હાજી મહંમદે તેમાં લઘુચિત્રો આલેખ્યાં છે, જે ઈરાની શૈલીમાં હોવા છતાં તેમાં હેરાત્ત, શીરાઝ અને તેબ્રિઝ નગરોમાં થતી ઉત્કૃષ્ટ ચિત્રકારી જોવા મળતી નથી. માંડુની બોસ્તાન-પોથીમાં રંગાયોજન ઈરાની લઘુ ચિત્રકલા કરતાં વધુ હૂંફાળું (warm) છે.
માંડુમાંથી મળી આવેલ એક બીજી પોથી છે ‘નિમતનામા’ (આશરે ઈ.સ. 1500) સુલતાન ગ્યાસુદ્દીનને મનપસંદ એવી મજેદાર વાનગીઓની પાકકળાનું વર્ણન કરતી આ પોથીમાં પચાસ પોથીચિત્રો છે. આ પોથીચિત્રોમાં જૈન અને ઈરાની લઘુચિત્રકલાનું અજબ મિશ્રણ જોવા મળે છે. અહીં રંગો ભડક છે અને બાજુમાંથી દેખાતા અડધા (profile) ચહેરા ઉપરાંત ત્રણચતુર્થાંશ ચહેરા પણ અહીં જોવા મળે છે. કલા-ઇતિહાસકારો આર્ચર અને સ્કેલ્ટૉનના મતાનુસાર આ પોથીચિત્રો ભારતીય અને ઈરાની લઘુચિત્રકલાઓના સંગમનું શ્રેષ્ઠ પરિણામ છે. આ પોથીચિત્રોનો દૂરગામી પ્રભાવ રાજસ્થાની લઘુચિત્રકલાની કોટા, બુંદી અને બુંદેલખંડ શાખાઓ પર પણ પડ્યો. માંડુનો સુલતાન મહંમદ બીજો તથા તેનો મંત્રી મેદનીરાય બંને હિંદુ સંસ્કૃતિથી ખાસ્સા પ્રભાવિત હતા. પણ ઈ.સ. 1531માં ગુજરાતના સુલતાને આક્રમણ કર્યું, જેને પરિણામે માંડુની ખલજી સલ્તનતનો અંત આવ્યો. એ પછી માંડુમાં પોથીચિત્રો આલેખિત થયાં એ વિશે કોઈ નક્કર પુરાવા સાંપડતા નથી; પરંતુ જોનપુર, અવધ અને બીજી સલ્તનતોમાં પોથીચિત્રોની પરંપરા પાંગરી.
અવધની ‘ચંદાયાન’ (આશરે ઈ.સ. 1560) પોથીમાં લોરિક અને ચંદાની પ્રેમકથાનું નિરૂપણ છે. અહીં માનવઆકૃતિઓ આંતરિક ઊર્જાથી થનગનતી અને વિચલિત વેગે જાણે કે દોડતી અને ઊડતી જણાય છે. લોરિક, ચંદા અને મેનાના પ્રણયત્રિકોણની આ વાર્તામાં શોકોની મારામારીમાં હાસ્યનો કાકુ પણ ભળેલો છે. સ્ત્રીઓનાં સ્તનો વિશેષ ઊપસેલાં ગોળાકાર છે, જૈના લઘુચિત્રકલા માફક બાજુમાંથી દેખાતા ‘પ્રોફાઇલ’ ચહેરાની બાજુમાં હવામાં અધ્ધર લટકતી બીજી આંખનું આલેખન પણ અહીં જોવા મળે છે. શૃંગારનાં દૃશ્યો વારંવાર નજરે ચડે છે.
જોનપુરમાં આલેખિત ‘ચૌરપંચાશિકા’(આશરે ઈ.સ. 1520થી ઈ.સ. 1600)માં નાયક બિલ્હણ અને નાયિકા ચંપાવતી ઓરડે સન્મુખ બેસીને સંવાદ રચતા હોય તેવાં ચિત્રો મળે છે. પાતળી કેડ, સ્તનોન્નત છાતી અને માછલી જેવી આંખો ધરાવતી ચંપાવતી તથા લીંબુની ફાડ જેવી આંખો, પહોળા છાતીખભા, પાતળી કેડ અને આછી દાઢીવાળો ચહેરો ધરાવતા બિલ્હણમાં આદર્શ રતિ અને કામનાં દર્શન સહેલાઈથી કરી શકાય. પાનનાં બીડાં, કમળ, તકિયા, ગાદી, તોરણ જેવાં રતિરૂપકોની સહોપસ્થિતિમાં આ નાયક-નાયિકાની રુઆબભરી અંગભંગિ વધુ બુલંદ બનતી દેખાય છે. અવધમાં આલેખિત ‘મૃગાવતીકથા’માં આ જ રતિરૂપકો ધ્યાનાર્હ બને છે.
આ ઉપરાંત સલ્તનતોમાં ઈરાની મહાકાવ્યો ‘હમ્ઝાનામા’ અને ‘સિકંદરનામા’ વારંવાર ચિત્રિત થયાં છે. ‘હમ્ઝાનામા’ એ મોહમ્મદ પયગંબર સાહેબના પરાક્રમી કાકાનું તથા ‘સિકંદરનામા’ એ પ્રાચીન ગ્રીક સમ્રાટ ઍલેક્ઝાન્ડર ધ ગ્રેટનું જીવનચરિત્ર છે. એ બંને કથાના નાયકો વિદેશો જીતી લઈ વિદેશી સુંદરીઓ સાથે લગ્ન કરી સુખેથી વિદેશો પર રાજ કરે છે. આ બંને કથાઓ ભારતમાંના મુસ્લિમ સુલતાનોને ખૂબ પ્રિય હતી, કારણ કે તેઓને એમાંના નાયકમાં પોતાનું પ્રતિબિંબ દેખાતું હતું ! આ કાવ્યોની મળી આવેલી વિવિધ પોથીઓમાંનાં ચિત્રોમાં ઈરાન અને ઉઝબેકિસ્તાનની લઘુચિત્રશૈલીની ઝલક સ્પષ્ટ જોવા મળે છે.
ઈ.સ. 1600 પછી મુઘલ સલ્તનત અને હિંદુ રજવાડાંએ ચિત્રકલાને આશ્રય આપવો શરૂ કર્યો અને સલ્તનતકાલીન લઘુચિત્ર-શૈલીનાં લક્ષણોનો તેમાં બહુધા સમાવેશ થયો. એ સાથે વિશિષ્ટ સલ્તનત-શૈલીનો અંત આવ્યો.
અમિતાભ મડિયા