સલીમ, જાવેદ (Salim, Jawed) (જ. 1920, અંકારા, તુર્કી) : આધુનિક ઇરાકી ચિત્રકાર અને શિલ્પી. ઇરાકમાં મોસુલ નજીક નાના ગામમાં તેમનો પરિવાર વસતો હતો. પિતા મોહમ્મદ, ભાઈ નિઝાર અને બહેન નઝિહા પાસે કલાના પ્રારંભિક પાઠ ભણી 1938માં કલાના અભ્યાસ માટે તેઓ પૅરિસ ગયા. 1941માં અભ્યાસ પૂરો થતાં પાછા બગદાદ આવી આર્કિયૉલૉજિક મ્યુઝિયમ ઑવ્ બગદાદમાં નોકરી કરી. આ મ્યુઝિયમમાં રહેલાં પ્રાચીન મેસોપોટેમિયાનાં શિલ્પોનો ઊંડો પ્રભાવ સલીમના માનસ પર પડ્યો, જેનું પ્રતિબિંબ તેમનાં મૌલિક ચિત્રોમાં દેખાવું શરૂ થયું. બીજું વિશ્વયુદ્ધ પૂરું થતાં 1946માં તેઓ બ્રિટન ગયા અને ત્યાં લંડન ખાતેની સ્લેઇડ સ્કૂલ ઑવ્ આર્ટમાં શિલ્પનો વધુ અભ્યાસ કર્યો. પાછા ફર્યા બાદ 1950માં બગદાદ ખાતેની ફાઇન આર્ટ કૉલેજમાં તેઓ શિલ્પના પ્રાધ્યાપક નિમાયા. તેમનાં મૌલિક શિલ્પો ઉપર પણ પ્રાચીન મેસોપોટેમિયન શિલ્પોની અસર જોવા મળે છે.
અમિતાભ મડિયા