સલામ બૉમ્બે : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1988. ભાષા : હિન્દી. રંગીન. નિર્માતા-દિગ્દર્શક : મીરા નાયર. કાર્યકારી નિર્માતા : ગેબ્રિયલ ઓયુર. કથા : મીરા નાયર, સૂની તારાપોરવાલા. સંગીત : એલ. સુબ્રહ્મણ્યમ્. છબિકલા : સાંદી સિસેલ. મુખ્ય કલાકારો : શફીક સૈયદ, હંસા વિઠ્ઠલ, રઘુવીર યાદવ, નાના પાટેકર, અનીતા કંવર, સુલભા દેશપાંડે, અમૃત પટેલ.

‘સલામ બૉમ્બે’નું એક દૃશ્ય

મીરા નાયરનું ‘સલામ બૉમ્બે’ પ્રથમ કથાચિત્ર હતું. પોતાનાં સપનાં સાકાર કરવા માટે મુંબઈ મહાનગરમાં આવીને ફૂટપાથ પર જીવન વિતાવી દેનારાં લોકોની દુનિયાને એક કિશોરની આંખે આ ચિત્રમાં રજૂ કરાઈ છે. કોઈ ને કોઈ રીતે ઘર છોડીને આવી ગયેલાં અને ચાની કીટલીથી માંડીને નાનું-મોટું કામ કરનારાં બાળકો, રૂપજીવિનીઓ, તેમના દલાલો, નશીલી ચીજો વેચનારાઓ આ ચિત્રમાં છે. વાર્તા કૃષ્ણ નામના એક બાળકની છે. ઘરમાં 500 રૂપિયાનું નુકસાન કરી દેતાં તેની મા તેને કાઢી મૂકે છે અને 500 રૂપિયા લઈને જ ઘેર આવજે એવું કહેતાં કૃષ્ણ સરકસમાં થોડો સમય કામ કર્યા પછી 500 રૂપિયા કમાઈને ઘેર પાછા જવાના સપના સાથે મુંબઈ આવે છે. અહીં આવતાવેંત તેની પાસે જે કંઈ હતું એ તે ગુમાવી બેસે છે. એ ચીજો ચોરી જનારાઓની પાછળ તે ભાગે છે અને અંતે તેમની સાથે જ તેને દોસ્તી થઈ જાય છે. એ મિત્રો સાથે કૃષ્ણ મુંબઈના રેડલાઇટ એરિયામાં આવી જાય છે. અહીં તે એક ચાની કીટલીએ કામે રહે છે, અને થોડા સમયમાં તેનું નામ જ ‘ચાઇપાઉં’ પડી જાય છે. ‘સોલા સાલ’ નામે ઓળખાતી એક રૂપજીવિની યુવતી, ચીલમ નામનો એક નશાખોર તેનાં આત્મીય બની રહે છે. અંતે એક દિવસ કૃષ્ણ તેના ભેરુઓ સાથે ધોળે દિવસે એક પારસીની દુકાનમાં ચોરી કરે છે, અને આ સિલસિલો આગળ ચાલે છે. એક રાત્રે પોલીસ તેને અને તેના કેટલાક સાથીઓને પકડીને ‘બાળસુધારગૃહ’માં મોકલી આપે છે. અહીં થોડા દિવસ રહીને તક મળતાં જ તે ભાગી છૂટે છે અને ફરી રૂપજીવિનીઓ, દલાલોની દુનિયામાં પહોંચી જાય છે, અને એક દિવસ 500 રૂપિયા કમાઈને ઘેર જવાનું સપનું જોવા માંડે છે. આ ચિત્રમાં દલાલ, નશાખોર અને રૂપજીવિનીનાં પાત્રો કલાકારોએ ભજવ્યાં છે, પણ બાળકોનાં પાત્રો અનાથાલયમાં રહેતાં બાળકોએ જ ભજવ્યાં છે. વિશ્વના મહત્ત્વના ચલચિત્ર-મહોત્સવોમાં તે દર્શાવાયું હતું અને બે અગ્રણી મહોત્સવો ‘કાન’માં મીરા નાયરને પ્રતિષ્ઠિત ‘ગોલ્ડન કૅમેરા ઍવૉર્ડ’ અને મૉન્ટ્રિયલમાં મીરા નાયરને જ્યુરી પ્રાઇઝ, સૌથી લોકપ્રિય ચિત્રનું પારિતોષિક તથા ‘એક્યુમેનિકલ જ્યુરી પ્રાઇઝ’ એનાયત થયાં હતાં.

હરસુખ થાનકી