‘સરોદ’, ગાફિલ (ત્રિવેદી મનુભાઈ ત્રિભુવનદાસ)
January, 2007
‘સરોદ’, ગાફિલ (ત્રિવેદી મનુભાઈ ત્રિભુવનદાસ) (જ. 27 જુલાઈ 1914, માણાવદર; અ. 9 એપ્રિલ 1972) : ગુજરાતી ભાષાના કવિ અને ગઝલકાર. ‘સરોદ’ના ઉપનામથી તેમણે મુખ્યત્વે ભજન રચનાઓ અને અન્ય કેટલુંક ગદ્યલેખન કરેલું છે તથા ‘ગાફિલ’ના ઉપનામે ગઝલ-સર્જન કર્યું છે. તેમનો જન્મ માણાવદર ખાતે થયેલો. તેમના પિતા માણાવદરના દેશી રાજ્યના દીવાન હતા. પ્રામાણિકતા, કાર્યનિષ્ઠા, વિદ્યાપ્રીતિ અને સાહિત્યપ્રેમ તેમને વારસામાં મળેલાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માણાવદર અને રાજકોટમાં તેમજ કૉલેજનું શિક્ષણ જૂનાગઢ અને અમદાવાદમાં થયેલું. 1935-36માં કાયદાના સ્નાતક થઈ થોડો સમય વકીલાત કર્યા બાદ તેમણે બિલખા રાજ્યમાં ન્યાયાધીશ તરીકે અને સૌરાષ્ટ્ર રાજ્યમાં સિવિલ જજ તરીકે સેવાઓ આપી. સમગ્ર કાર્યકાળમાં ધ્રોળ, ધ્રાંગધ્રા, હળવદ, સાવરકુંડલા, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, સૂરત અને નડિયાદમાં સિવિલ જજ તરીકે સેવાઓ આપ્યા બાદ છેલ્લે સેવાકાળના ત્રણચાર માસ બાકી હતા ત્યારે 1972ના માર્ચ માસમાં બઢતીથી અમદાવાદની સ્મોલકોઝ કોર્ટના જજ નિમાયા અને બીજે જ મહિને અમદાવાદમાં ટાઉનહૉલ ખાતે એક મુશાયરામાં ગઝલપઠન કરીને પોતાની બેઠક લીધી ત્યાં જ બેહોશ બની ગયા અને સેરિબ્રલ હેમરેજને કારણે હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. આમાં વિધિવક્રતા તો એ થઈ કે કવિએ છેલ્લે જે ગઝલ રજૂ કરી તેના શૅર આ હતા :
‘જુદી જિંદગી છે મિજાજે મિજાજે,
જુદી બંદગી છે નમાજે નમાજે;
છે એક જ સમંદર થયું એટલે શું ?
જુદા છે મુસાફર જહાજે જહાજે;
જીવન જેમ જુદાં છે કાયામાં જુદી
છે મૃત્યુય જુદાં જનાજે જનાજે’
કવિના જીવનકાળ દરમિયાન તેમના બે કાવ્યસંગ્રહો મળ્યા છે : ‘રામરસ’ (1956), ‘સુરતા’ (1970). કવિના અવસાન બાદ શ્રી મકરન્દ દવેએ સંપાદિત કરેલ ગઝલસંગ્રહ ‘બંદગી’ (પ્ર. આ. 1973, દ્વિ. આ. 2000) પ્રગટ થયેલ છે. આ ઉપરાંત કવિની છાંદસ કૃતિઓ સહિત ભજનો, ગીતો, ગઝલો અને થોડાં બાલકાવ્યોનો સંગ્રહ શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળાના સંપાદનથી ‘પવન પગથિયાં’ (2004) પ્રગટ થયો છે. એકંદરે જોતાં કવિનું મહત્ત્વનું અને નોંધપાત્ર પ્રદાન ભજનોના સર્જક તરીકેનું છે. ‘રામરસ’માં 108, ‘સુરતા’માં 126 અને ‘પવન પગથિયાં’ની ગીતો સહિત 57 રચનાઓ મળી કવિની કુલ 291 જેટલી ભજનકૃતિઓ મળે છે. ઇયત્તા ઉપરાંત ગુણવત્તાની દૃષ્ટિએ પણ આ પ્રદાન કવિને અર્વાચીન કવિતાના ક્ષેત્રે એક પ્રમુખ અને મહત્ત્વના ભજનકવિ તરીકે સ્થાપી આપે છે. કવિના માહ્યલાને અને આંતરવ્યક્તિત્વને સ્વામી આનંદ વહેલા ઓળખી ગયેલા અને ‘રામરસ’ની પ્રસ્તાવનામાં તેમણે ‘ખળાના જીવ’ તરીકે નવાજેલા. કવિના અંતરંગ મિત્ર અને અધ્યાત્મમાર્ગી સાધક કવિશ્રી મકરન્દ દવેએ ‘બંદગી’ની પ્રસ્તાવનામાં નોંધ્યું છે કે ‘નિર્મળ અંત:કરણવાળાને જ સાંપડે તેવા અધ્યાત્મના અનુભવ તેમને (કવિને) થયા કરતા.’
મધ્યકાલીન સંતવાણીની પરંપરામાં જે ભક્તિકવિતાની પરાવાણી ઊતરી આવી છે તેમાં ‘સરોદ’ની ભક્તિકવિતા ભજનપરંપરાના અનેક આયામો પ્રગટ કરે છે. ગુરુનો મહિમા, ભક્તિનો મારગ શૂરાનો હોવાની પ્રતીતિ ને અપાર નમ્રતા, પરમ તત્ત્વને પામવાની તાલાવેલી ને વલવલાટ, તેની ઝાંખી થયાનો આનંદ અને તેની ગાવાની ઊલટ, ભૂમાના ધણીની મહત્તા ને માણસની અલ્પતા, અટલ શ્રદ્ધા અને ક્યાંક અવળવાણી આ બધું સરોદ પોતાની મુદ્રા સાથે પ્રગટ કરે છે :
‘આપ કરાવે ઓળખાણ એ સાચા શબ્દનાં પરમાણ’
‘પ્રભુએ પાલખ કરી છે મારા પંડમાં રે હું તો ઘેલો ઘૂમું છું ઘમંડમાં રે’
‘અમને ગુરુ મળ્યા છે ગરવા જેના શબદ ગયા સોંસરવા’
‘સુરતા’ને અંતે કવિ કહે છે :
‘ભાઈ બહુ ગાયાં ગાણાં રે શબદ અબ જીવી જાણો રે’
જીવન અને કવનમાં એકરૂપતા દાખવતા અંતર્મુખ અને સંકોચશીલ આ કવિ ગઝલમાં થોડા ઊઘડ્યા છે :
એવું કારણ પણ ગઝલસર્જન વિશે કવિ આપે છે.
‘અહીં ખેંચે છે મીરાંબાઈ, તો ત્યાં મીર ખેંચે છે.’
પોતાની ગઝલોને ‘કલંદરના નારા’ તરીકે ઓળખાવે છે.
પોતાને કોઈ અલ્હડ બાવાનો સીધો વારસ ગણાવતા આ કવિ પોતાનાં ભજનોની શરૂઆત કોઈ અવતારી પુરુષની ‘અદીઠ પ્રેરણાથી’ થઈ હોવાનું પણ કહે છે.
સૌરાષ્ટ્રનાં અનેક સ્થળોના લાંબા વસવાટ દરમિયાન અનેક ભજનિકોનો સતત સંપર્ક અને પોતાના માહ્યલાને કારણે તથા વ્યવસાયના ક્ષેત્રના અનુભવોનું ભાથું પણ કવિની વાણીને એક જુદો આગવો રંગ અર્પે છે. કવિનો છંદ પરનો કાબૂ પણ પ્રશસ્ય હતો અને ભજન-ગઝલથી અન્ય જે કાવ્યો તેમણે રચ્યાં છે તેમાંયે કવિતાની ચમક ધરાવતી રચનાઓ છે.
‘સરોદ’ની કલમે વાર્તા ‘બાણે વીંધી બેલડી’, રેડિયો-નાટિકા ‘ઝબૂકનાથ’ ઉપરાંત વિવિધ પ્રસંગો અને અનુભવોનું આલેખન કરતાં પ્રસંગ-ચિત્રણો, ધર્મ-ચિંતનના અને સદ્વાચનના લેખો મળ્યા છે. આ બધાં ગદ્યલખાણોમાં સર્જક તરીકેનો તેમનો હિસાબ તેમનાં નાટકો અને રેડિયો-નાટિકાઓમાં મળે છે.
હરિકૃષ્ણ રામચંદ્ર પાઠક