સરૈયા સુરેશ

January, 2007

સરૈયા સુરેશ (. 20 જૂન 1936, મુંબઈ) : ભારતના પણ વિશ્વસ્તર પર નામના મેળવી ચૂકેલા ક્રિકેટ-કૉમેન્ટેટર. આખું નામ સુરેશ પુરુષોત્તમદાસ સરૈયા. આજે ક્રિકેટ કે અન્ય રમતોનું ટેલિવિઝન પર થતું ‘જીવંત પ્રસારણ’ પહેલાંના સમયમાં અસ્તિત્વમાં નહોતું ત્યારે રમતપ્રેમીઓ રેડિયોના તથા દૂરદર્શનના માધ્યમ દ્વારા ક્રિકેટ મૅચોની પ્રસારિત થતી બૉલ-ટુ-બૉલ અંગ્રેજી રનિંગ કૉમેન્ટરી (આંખે દેખ્યો અહેવાલ) ઉત્કટતાથી સાંભળતા.

ભારતમાં આકાશવાણી-દિલ્હી પરથી શરૂઆતમાં ક્રિકેટની રનિંગ કૉમેન્ટરી પ્રસારિત થતી અને એ સમયે એ.એફ.એસ. તાલ્યારખાન, વિ.જી. (મહારાજા ઑવ્ વિજયનગરમ્), અનંત સેતલવાડ, દેવરાજ પુરી, પિયર્સન સુરીતા, જે.પી. નારાયણન્, ડી.કી. રત્નાગર જેવા કૉમેન્ટેટરો અંગ્રેજીમાં કૉમેન્ટરી આપતા. સમયાંતરે તેમાં સુરેશ સરૈયા, નરોત્તમ પુરી, તુષાર મહેતા, હર્ષ ભોગલે જેવાં નવાં નામો ઉમેરાયાં.

આ અંગ્રેજી ક્રિકેટ-કૉમેન્ટેટરોમાં મુંબઈના સુરેશ સરૈયાનું નામ મોખરે રહ્યું છે. તેમનું ક્રિકેટનું તલસ્પર્શી જ્ઞાન, શુદ્ધ અને સ્પષ્ટ અવાજ, અંગ્રેજીમાં અસ્ખલિત વક્તવ્ય વગેરેના કારણે તેઓ વિશેષ લોકપ્રિય બન્યા.

તેમણે માત્ર ભારતમાં, આકાશવાણી જ નહિ, બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન (બી.બી.સી.), કૅરેબિયન બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન, ઑસ્ટ્રેલિયન બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન, રેડિયો ન્યૂઝીલૅન્ડ, રેડિયો કૅનેડા, રેડિયો સિંગાપુર માટે વેસ્ટ ઇન્ડિઝના ટૉની કૉઝિયર અને રિત્ઝ પરેરા, ન્યૂઝીલૅન્ડના એલન રિચર્ડ્સ, ઇંગ્લૅન્ડના હેન્રી બ્લોફોલ્ડ જેવા વિખ્યાત ક્રિકેટ-કૉમેન્ટેટરો સાથે ક્રિકેટ-કૉમેન્ટરી આપી હતી. વળી તેઓ રમતની સમીક્ષા પણ કરતા હતા.

તેમનું શાળેય શિક્ષણ અંધેરીની શેઠ માધવદાસ અમરસિંહ હાઈસ્કૂલમાં થયા બાદ, વિલ્સન કૉલેજમાંથી અર્થશાસ્ત્ર સાથે તેમણે બી.એ.ની ઉપાધિ મેળવી હતી અને સિદ્ધાર્થ લૉ કૉલેજમાંથી પ્રથમ વર્ષ એલએલ.બી. પાસ કરી હતી. મુંબઈમાં રમાતી ‘ગાઇલ્સ શીલ્ડ’ તથા ‘હેરિસ શીલ્ડ’ ક્રિકેટ- ટુર્નામેન્ટોમાં શાળાની ક્રિકેટ ટીમના તેઓ સુકાની (કપ્તાન) રહ્યા હતા. વિલ્સન કૉલેજ ક્રિકેટ ટીમના 1954થી 1958 સુધી ઓપનિંગ બૅટ્સમૅન રહેલા નવયુવાન સુરેશ સરૈયાએ 1959-60માં સિદ્ધાર્થ લૉ કૉલેજ ક્રિકેટ ટીમનું પણ સુકાનીપદ સંભાળ્યું હતું.

1951માં ઔરંગાબાદ ખાતે એનસીસી(જુનિયર)ના વાર્ષિક કૅમ્પમાં તેમણે ‘કાલ્પનિક ક્રિકેટ કૉમેન્ટરી’ આપીને શ્રેષ્ઠ મનોરંજન પૂરું પાડતાં ‘સુવર્ણચંદ્રક’ જીત્યો હતો. અંગ્રેજીમાં ક્રિકેટ-મૅચની કૉમેન્ટરી આપવાનો શોખ તેમણે આગળ જતાં વિકસાવ્યો.

ફેબ્રુઆરી 1964માં સુરેશ સરૈયા સેન્ટ્રલ બૅંકમાં નોકરીમાં જોડાયા. 1965માં પ્રવાસી લંડન શાળેય ટીમ અને અ. ભા. શાળેય ટીમ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં તેમણે આકાશવાણી પરથી ક્રિકેટ-કૉમેન્ટરી આપી અને 4 નવેમ્બર, 1969ના રોજ મુંબઈમાં બ્રેબૉર્ન સ્ટેડિયમ પર ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં સુરેશ સરૈયાએ આકાશવાણી પરથી દેવરાજ પુરી, શરદેન્દુ સન્યાલ અને પ્રેમ નારાયણ સાથે અંગ્રેજીમાં કૉમેન્ટરી આપી. કૉમેન્ટેટર તરીકેની કારકિર્દીના શ્રીગણેશ કર્યા હતા.

ભારતમાં તેમણે આકાશવાણી માટે જમ્મુ-કાશ્મીર અને અમૃતસરને બાદ કરતાં તમામ ક્રિકેટ-કેન્દ્રો ખાતેથી ક્રિકેટ-કૉમેન્ટરી આપી છે. 1980-81માં સિડની ખાતે ઑસ્ટ્રેલિયા-ભારત ટેસ્ટની કૉમેન્ટરી તેમણે ઑસ્ટ્રેલિયન બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન માટે આપી હતી. પાકિસ્તાનમાં 1984 (ટેસ્ટશ્રેણી), 1996 (વિશ્વકપ) અને 1997 (પાકિસ્તાન ક્રિકેટની ગોલ્ડન જ્યુબિલીમાં), 1976માં ન્યૂઝીલૅન્ડમાં રેડિયો ન્યૂઝીલૅન્ડ માટે ન્યૂઝીલૅન્ડ-ભારત : ટેસ્ટશ્રેણી અને વેસ્ટ ઇન્ડિઝમાં કેબીસી માટે વેસ્ટ ઇન્ડિઝ-ભારત : ટેસ્ટશ્રેણી, 1993માં શ્રીલંકા-ભારત : ટેસ્ટશ્રેણી, 2000માં બાંગ્લાદેશમાં ‘એશિયા કપ’, 2002માં ઇંગ્લૅન્ડમાં ઇંગ્લૅન્ડ-ભારત : નેટવેસ્ટ શ્રેણી, 2003માં દક્ષિણ આફ્રિકામાં વિશ્વકપ ક્રિકેટ વગેરે મૅચોની સુરેશ સરૈયાએ ક્રિકેટ-કૉમેન્ટરી આપી હતી.

વળી, બીબીસી પરથી 1995થી 2001 સુધી પાંચ વર્ષ તેમણે કૉમેન્ટરી આપી હતી. કૅનેડામાં ટૉરેન્ટો ખાતે અને સિંગાપુરમાં પણ તેમણે ‘ગેસ્ટ કૉમેન્ટેટર’ તરીકે સેવાઓ આપી હતી.

દૂરદર્શન, મુંબઈ કેન્દ્ર પરથી 1974થી 1982 દરમિયાન તેમણે ‘સ્પૉર્ટ્સ ન્યૂઝ’, ‘સ્પૉર્ટ્સ ક્વીઝ’, ‘સ્પૉર્ટ્સ રાઉન્ડ અપ’ જેવા કાર્યક્રમો આપ્યા હતા.

સુરેશ સરૈયાએ 93 ટેસ્ટમૅચો, 103 વન-ડે મૅચો અને 4 વિશ્વકપ ક્રિકેટ-સ્પર્ધાઓની રેડિયો-કૉમેન્ટરી આપી હતી.

સુરેશ સરૈયાને લેખન અને પત્રકારત્વનો પણ શોખ હતો. મુંબઈના ‘જનશક્તિ’ દૈનિકમાં 1962થી 1986 દરમિયાન ‘ખેલ અને ખેલાડી’ વિભાગ તેમણે સંભાળ્યો હતો. ‘જન્મભૂમિ’ દૈનિકમાં 1962થી 2003 દરમિયાન તેમણે ‘ક્રિકેટ’ કટાર સંભાળી હતી. ‘જામે-જમશેદ’માં પણ 1962થી 1996 દરમિયાન તેમણે ‘ક્લીન-બોલ્ડ’ના ઉપનામે લેખો લખ્યા હતા. ઉપરાંત હિન્દી સાપ્તાહિક ‘ધર્મયુગ’, ‘સંદેશ’ અને ‘ગુજરાત સમાચાર’માં પણ લેખનકાર્ય કર્યું હતું.

મુંબઈના પરિચય પુસ્તિકા ટ્રસ્ટ માટે તેમણે ‘ફૂટબૉલ’, ‘ભારતીય ક્રિકેટનું સોનેરી પ્રકરણ’, ‘એકદિવસીય ક્રિકેટ’, ‘પરાક્રમી કપિલદેવ’ અને ‘કૉમેન્ટરીની કળા’-વિષયક પરિચય-પુસ્તિકાઓ લખી છે. 1966થી 1974 દરમિયાન ભારત-પ્રવાસે આવેલી ક્રિકેટ ટીમો વેળાએ તેમણે ‘સોવેનિયર’ પણ પ્રસિદ્ધ કર્યાં હતાં.

1990માં ‘જાયન્ટ ઇન્ટરનૅશનલ’ તરફથી તેમને ‘દીર્ઘકાલીન ક્રિકેટ-કૉમેન્ટેટર’ તરીકે ઍવૉર્ડ એનાયત થયો હતો. 1996માં નવયુગ ક્રીડામંડળ તરફથી તેમને ‘બેસ્ટ સ્પૉર્ટ્સ રાઇટર’નો ઍવૉર્ડ તથા 2006માં તરુણ મિત્ર મંડળ તરફથી ક્રિકેટ-કૉમેન્ટરીનાં 40 વર્ષ પૂરાં કરવા માટે ઍવૉર્ડ એનાયત થયા હતા.

સેન્ટ્રલ બૅંક ઓવ્ ઇન્ડિયામાંથી 33 વર્ષની દીર્ઘ સેવાઓ બાદ પબ્લિક રિલેશન્સ મૅનેજર તરીકે તેઓ નિવૃત્ત થયા હતા. આ હોદ્દા પર તેઓ 22 વર્ષ સુધી રહ્યા હતા. હાલમાં તેઓ મુંબઈમાં મોડ એડવર્ટાઇઝિંગ ઍન્ડ માર્કેટિંગ પ્રા. લિ. કંપનીમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે માનાર્હ સેવાઓ આપે છે. મુંબઈ સ્પૉર્ટ્સ જર્નાલિસ્ટ્સ ઍસોસિએશનમાં છેલ્લાં 30 વર્ષથી તેઓ ‘કો-ઓપ્ટેડ’ સભ્ય તરીકે સેવાઓ આપે છે.

તેમનાં પત્ની મીરા સરૈયા આકાશવાણી મુંબઈનાં 40 વર્ષ સુધી ‘મરાઠી વરિષ્ઠ ઉદ્ઘોષક’ રહ્યાં હતાં. તેમની દીકરી નીતા મિશેલ ‘કેથે પૅસિફિક’ કંપનીમાં ઍર-હોસ્ટેસ છે.

જગદીશ બિનીવાલે