સરાવગી, અલકા (જ. 1960, કોલકાતા) : હિંદી વાર્તાકાર અને નવલકથાકાર. તેમની કૃતિ ‘કલિકથા : વાયા બાઇપાસ’ બદલ તેમને 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. હિંદી ઉપરાંત અંગ્રેજી અને બંગાળીની જાણકારી તેઓ ધરાવે છે. તેમને ઇતિહાસ, પ્રકૃતિ-અધ્યયન તેમજ સંગીતમાં રુચિ છે.
અલકા સરાવગી
1990માં તેમની પ્રથમ વાર્તા ‘આપ કી હંસી’ પ્રગટ થયેલી. તેમણે 4 ગ્રંથો આપ્યા છે; તેમાં ‘કહાની કી તલાશ મેં’ (વાર્તાસંગ્રહ); ‘કલિકથા : વાયા બાઇપાસ’ (નવલકથા); ‘દૂસરી કહાની’ (વાર્તાસંગ્રહ) તથા ‘શેષ કાદમ્બરી’ (નવલકથા)નો સમાવેશ થાય છે.
‘કલિકથા’નો અનુવાદ ઇટાલિયન અને ફ્રેંચ ભાષાઓમાં થઈ ચૂક્યો છે. તે ગ્રંથ માટે તેમને 1998માં શ્રીકાંત વર્મા પુરસ્કાર આપવામાં આવ્યો છે. બીજી નવલકથા ‘શેષ કાદમ્બરી’નો અનુવાદ ઇટાલિયન ભાષામાં થઈ ચૂક્યો છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘કલિકથા : વાયા બાઇપાસ’માં ચાર પેઢીનો સમયગાળો સમાવી લેવામાં આવ્યો છે. તેમાં વાચકને 19મી સદીના ઉત્તરાર્ધથી માંડીને 20મી સદીના અંત સુધીના સમયગાળાના રાજસ્થાનની મરુભૂમિથી શરૂ કરીને સસ્યશ્યામલ બંગાળમાંનાં કોલકાતાનાં વિવિધ રૂપો સુધીનો અનુભવ કરાવ્યો છે. નવલકથામાં ‘બાઇપાસ’ શબ્દ પ્રતીકાત્મક રીતે પ્રયોજાયો છે, જે આધુનિક સમાજના અનુકૂળતાવાદી તંત્ર પરના વ્યંગરૂપ છે. તેની આ વિશેષતાઓને કારણે હિંદીમાં રચિત આ કૃતિને ભારતીય કથા-સાહિત્યમાંનું એક મહત્વપૂર્ણ યોગદાન માનવામાં આવે છે.
બળદેવભાઈ કનીજિયા