સરસ્વતી (સામયિક) (1890) : સિંધી સાહિત્યના પ્રકાશનનો ધારાવાહિક રૂપે પાયો નાખનાર સામયિક. અંગ્રેજ સરકારના શિક્ષણ ખાતા તરફથી સિંધમાં પત્રકારત્વના પ્રારંભિક કાળમાં ‘સિંધસુધાર’ નામના સાપ્તહિકનો પ્રારંભ થયો હતો. તેમાં શૈક્ષણિક બાબતો ઉપરાંત અન્ય સરકારી કામગીરી પ્રગટ કરાતી. તે સમયે ‘સુધારસભા’ નામે પ્રબુદ્ધ ગણની એક સંસ્થા સ્થપાઈ. તેણે અંગ્રેજીમાં ‘સિંધ ટાઇમ્સ’ નામક વર્તમાપત્ર શરૂ કર્યું; સાથોસાથ ‘સિંધસુધાર’નું સંપાદન પણ સંભાળ્યું. 1884થી સાધુ હીરાનંદ આડવાણી તેના સંપાદક બન્યા. ત્યારથી આ સાપ્તાહિક સરકારી મુખપત્ર મટીને લોક-અખબાર બન્યું. 1887માં હીરાનંદે તેનું સંપાદકપદ છોડ્યું અને હૈદરાબાદ ગયા.
હૈદરાબાદમાં તેમણે અકાદમીની સ્થાપના કરી. તેવામાં સાધુ નવલરામ અને દયારામ ગિદુમલે ‘સુધારસભા’ નામની સામાજિક સંસ્થાની રચના કરી. તેના પ્રચારાર્થે 1890માં ‘સરસ્વતી’ નામનું વર્તમાનપત્ર અરબી લિપિમાં અને સિંધી ભાષામાં એ નામનું માસિક પહેલી વાર પ્રગટ કરાયાં. તેનું સંપાદન પણ હીરાનંદે સંભાળ્યું.
‘સરસ્વતી’માં સમાજસુધારના વિચારો, શિક્ષણનો પ્રસાર, સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય જાગૃતિ, સાહિત્યિક અને આધ્યાત્મિક વિષયોને વણી લેતી બાબતો પ્રગટ કરવામાં આવી. હીરાનંદે બંગાળની સભ્યતા તથા નવજાગૃતિની જ્યોત તે માસિક દ્વારા સિંધમાં પ્રગટાવી. પરિણામે સમય જતાં તેના દ્વારા રાષ્ટ્રીય ચેતનાનો સ્વર ઠેર ઠેર ગુંજી ઊઠ્યો. તેમણે અંગ્રેજ સરકારની પણ ભર્ત્સના નીડરપણે કરી હતી.
ધીમે ધીમે સિંધી સાહિત્યના તત્કાલીન મૂર્ધન્ય કવિ-લેખકોની કૃતિઓ ‘સરસ્વતી’માં પ્રગટ થવા લાગી. લાલચંદ જગતિયાણી, જેઠમલ પરસરામ, દયારામ ગિદુમલ, ભેરુમલ મહેરચંદ જેવા ધુરંધર લેખકો તેના સહયોગી બન્યા અને તેને સાંસ્કૃતિક, રાજકીય, રાષ્ટ્રીય જાગૃતિનો ઓપ અપાતો ગયો. સાથોસાથ તેમાં પ્રકાશિત રચનાઓના સંગ્રહો પુસ્તક રૂપે પ્રગટ થવા લાગ્યા. તેમાં સાધુ હીરાનંદની સામાજિક વાર્તાઓ અને નિબંધો હપ્તાવાર પ્રગટ કરાતાં. તેનો સંગ્રહ ‘હીરે જૂં કણિયું’ પ્રગટ થયો. સાધુ નવલરામે સર વૉલ્ટર સ્કૉટની નવલકથા ‘તિલસમ’નો સિંધી અનુવાદ ‘સરસ્વતી’માં ક્રમશ: પ્રગટ કરેલો જે પછી તે પુસ્તકાકારે પ્રગટ થયો. લાલચંદ અમર દિનોમલની પ્રસિદ્ધ સિંધી નવલકથા ‘ચોથ જો ચંડુ’ પણ ‘સરસ્વતી’માં 1905-06 દરમિયાન સ્થાન પામી હતી.
સાધુ હીરાનંદના 1893ના અવસાન બાદ પ્રભુદાસ શોકીરામ આડવાણીએ (1866-1939) ‘સરસ્વતી’નું સંપાદન સંભાળ્યું હતું.
જયંત રેલવાણી