સરસ્વતીકંઠાભરણ-1

January, 2007

સરસ્વતીકંઠાભરણ-1 : સંસ્કૃત ભાષાના વ્યાકરણનો ગ્રંથ. આચાર્ય ભોજરાજાએ લખ્યું હોવાથી તેનું બીજું નામ ‘ભોજવ્યાકરણ’ એવું છે. આ ગ્રંથ પાણિનીય અષ્ટાધ્યાયીને આધારે રચવામાં આવ્યો છે તેથી તેની જેમ તેમાં આઠ અધ્યાયો અને 32 પાદો છે. તેમાં 6,370 સૂત્રો આચાર્ય ભોજે આપ્યાં છે. પાણિનીય ‘અષ્ટાધ્યાયી’માં 4,000થી ઓછાં સૂત્રો છે અને ભોજે 6,370 સૂત્રો આપ્યાં છે એનું કારણ એ છે કે પાણિનીય વ્યાકરણમાં નહિ આવતાં કાત્યાયનનાં વાર્તિકો, ઉણાદિસૂત્રો, શાંતનવનાં વૈદિક સ્વરોને લગતાં ફિટ્સૂત્રો, પતંજલિ અને અન્ય લેખકોએ આપેલી પરિભાષાઓ, પાણિનિએ આપેલો ગણપાઠ અને પતંજલિના ‘મહાભાષ્ય’ અને વામન તથા જયાદિત્યની ‘કાશિકા’ વૃત્તિમાં કરવામાં આવેલાં ઉમેરણો વગેરેને આચાર્ય ભોજે પ્રસ્તુત ગ્રંથમાં સૂત્રો તરીકે આપ્યાં છે. આથી પાણિનીય વ્યાકરણને ખૂબ સરળ રીતે સમજાવવાનું કાર્ય આ ગ્રંથમાં આચાર્ય ભોજે કર્યું છે. પાણિનિના સૂત્રમાં કશો ફેરફાર પાછળનાં વૈયાકરણોએ સૂચવ્યો હોય તે મૂળ સૂત્રમાં આમેજ કરી ભોજે પોતાના વ્યાકરણમાં સૂત્ર રચ્યું છે. જ્યાં કોઈ ફેરફાર નથી તે સૂત્ર પાણિનિ પાસેથી સીધું જ સ્વીકારી લીધું છે. વળી પાણિનિએ ‘उणादयो बहुलम्’  એ એક જ સૂત્રમાં ઉણાદિનો ઉલ્લેખ કર્યો છે તે 748 સૂત્રો ‘સરસ્વતીકંઠાભરણ’ના બીજા અધ્યાયમાં ઉમેરવામાં આવ્યાં છે. સંક્ષેપમાં, પાણિનીય વ્યાકરણને વ્યવસ્થિત કરવાનું ભગીરથ કાર્ય આ ગ્રંથમાં જોવા મળે છે. પાણિનીય ‘અષ્ટાધ્યાયી’ના ક્રમમાં અને નિયમોમાં સુધારાવધારા કરીને સંસ્કૃત ભાષાના વ્યાકરણના અભ્યાસમાં સરળતા રહે એ પ્રસ્તુત ગ્રંથની રચનાનો પ્રધાન ઉદ્દેશ લેખકે પાર પાડ્યો છે. આચાર્ય ભોજે પ્રસ્તુત ગ્રંથમાં પ્રક્રિયા પ્રકારનું વ્યાકરણ રજૂ કર્યું છે, જ્યારે શબ્દ અને અર્થની શાસ્ત્રીય ચર્ચા પોતાના ‘શૃંગારપ્રકાશ’ નામના અલંકારશાસ્ત્રના ગ્રંથમાં 1થી 8 અધ્યાયોમાં આપી છે. પરિણામે આ ગ્રંથ વાણીની દેવી સરસ્વતીના ગળાનો હાર બન્યો છે. પ્રસ્તુત ગ્રંથ ભોજના સમયમાં લોકપ્રિય હતો. એ કારણે ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહે ધારાનગરીને જીત્યા પછી ‘ભોજ-વ્યાકરણ’ જેવું વ્યાકરણ રચવા આચાર્ય હેમચંદ્રને સૂચના કરેલી અને હેમચંદ્રાચાર્યે પોતાનું ‘સિદ્ધહેમ’ વ્યાકરણ ‘ભોજવ્યાકરણ’ના આધારે રચેલું. એ પછી દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં પ્રસ્તુત ગ્રંથ પ્રચલિત થયેલો, પરંતુ ભટ્ટોજી દીક્ષિતના પાણિનીય વ્યાકરણના જોરદાર અભિયાનથી ‘સરસ્વતીકંઠાભરણ’નો પ્રસાર ઘટ્યો.

‘સરસ્વતીકંઠાભરણ’ મદ્રાસ યુનિવર્સિટી સંસ્કૃત ગ્રંથાવલિના 11મા ગ્રંથ તરીકે 1937માં પ્રકાશિત થયેલો. તેના સંપાદક ટી. આર. ચિંતામણિ હતા અને તેમણે પાણિનીય ‘અષ્ટાધ્યાયી’ની સાથે ‘સરસ્વતીકંઠાભરણ’ના પ્રત્યેક સૂત્રની તુલના કરતી યાદી આપી છે. વળી ત્રિવેન્દ્રમની અનંતશયન સંસ્કૃત ગ્રંથાવલીમાં પણ આ ગ્રંથ નારાયણ દંડનાથની ‘હૃદયહારિણી’ નામની વૃત્તિ સાથે કે. સાંબશિવ શાસ્ત્રીએ સંપાદિત કર્યો છે. 1935માં પ્રથમ ભાગથી શરૂ કરી 1948 સુધીમાં આ ગ્રંથ વૃત્તિ સાથે પ્રગટ થયો છે. વર્ધમાન, ક્ષીરસ્વામી જેવા અનેક વિદ્વાન ટીકાલેખકોએ પ્રમાણ તરીકે આ ગ્રંથને ટાંક્યો છે. આચાર્ય ભોજે આ જ નામનો એક અલંકારશાસ્ત્રનો જાણીતો ગ્રંથ પણ લખ્યો છે.

પ્ર. ઉ. શાસ્ત્રી