સરશાહ, પંડિત રતનનાથ (જ. 1845, લખનઉ; અ. 1902, હૈદરાબાદ) : ઉર્દૂના ઉત્તમ નવલકથાકાર અને અનુવાદક. લખનૌ કેનિંગ કૉલેજમાં અભ્યાસ કર્યો, પરંતુ ડિગ્રી પ્રાપ્ત ન કરી. રજબઅલી સરૂર જ્યારે ગદ્યલેખક તરીકે અતિ ખ્યાતનામ હતા ત્યારે સરશાહની સાહિત્યિક કારકિર્દી શરૂ થઈ હતી. તેમણે સરૂરની પરંપરા તોડી અને નવી ગદ્યશૈલી લખનૌના અવધપંચ સાથે સંકળાયેલા બીજા લેખકોના સહયોગથી દાખલ કરી. 1873માં તેમણે ‘અવધ અખબાર’નું તંત્રીપદ સંભાળ્યું. ‘અવધ અખબાર’માં શ્રેણીબદ્ધ રીતે પ્રસિદ્ધ કરેલ વ્યંગ, કટાક્ષ અને હાસ્યસભર કથા ‘ફસાન-એ-આઝાદ’ 1880માં પુસ્તક રૂપે પ્રગટ કરવામાં આવી. 4000થી 5000 પાનાંની આ કથા ઉર્દૂ ભાષાનું સાહિત્યિક રત્ન ગણાય છે; જે અતિ લોકપ્રિય નીવડી છે. તેનું મોટું આકર્ષણ તેની શૈલી, ભાષા અને રજૂઆતમાં રહેલું છે. તેમાં વાક્યે વાક્યે રૂઢિપ્રયોગો, લખનવી લઢણો અને ભાષાકીય વૈવિધ્ય છે. તેમાં નવાબી જીવનશૈલી પર કટાક્ષ છે. સામાન્ય જનસમાજમાં નજરે ચડતાં શાકભાજી, ફૂલબજાર, અત્તરગલી, ભઠિયારખાનું તથા શેરી-ચકલામાંનાં સ્ત્રીપુરુષોનું આબેહૂબ ચિત્રાંકન જોવા મળે છે. વળી નાયક મિયાં આઝાદ, ખલનાયક ખોજી અને રૂપસુંદરી હુશ્નઆરાનાં પાત્રો દ્વારા રમૂજી પ્રણયકિસ્સો પ્રસ્તુત કરાયો છે.
તેઓ અરબી, ફારસી તથા ઉર્દૂના પંડિત હતા.
તેઓ અલ્લાહાબાદ હાઈકોર્ટમાં થોડો વખત અનુવાદક તરીકે જોડાયા હતા. તેમની નવલકથા ‘કામિની’ 1894માં પ્રગટ થઈ. ત્યારબાદ 100 પાનાંવાળી તેમની એક નવલકથા ખુમ-કદા-એ-સરશાહ નામના પખવાડિકમાં હપ્તાવાર પ્રગટ થઈ. 1895માં હૈદરાબાદના નિઝામના નિમંત્રણથી તેઓ ત્યાં ગયા. ત્યાં મહારાજા કિશનપ્રસાદે પોતાનાં ગદ્યલખાણો અને કાવ્યરચનાઓ સુધારી પ્રમાણભૂત કરવા તેમને રોક્યા. ત્યાં તેમણે જર્નલ ‘દબદબા-એ-આસિફી’નું સંપાદન કર્યું.
તેમના લોકપ્રિય ગ્રંથોમાં ‘જામ-એ-સરશાહ’ (1887); ‘સેર-એ-કોહ્ સાર’ (1890); ‘કદમ ઘુમ’ (1894); ‘બિછરી હુઈ દુલ્હન’ (1894); ‘પી કહૉ’ (1894); ‘હુશ્શુ’ (1894) અને ‘તૂફાન-એ-બેત્તમિઝી’(1894)નો સમાવેશ થાય છે. ‘શમ્સ ઉઝ્ઝુહા’ (1878) વાયુશાસ્ત્ર પરના અંગ્રેજી પુસ્તકનો ઉર્દૂ અનુવાદ છે; ‘અલીફ લયલા’ (1901) અરેબિયન નાઇટ્સનો અનુવાદ છે અને ‘દૉન કિહોતે’નો અનુવાદ ‘ખુદાઈ ફોજદાર’ (1903) છે.
તેમના અંતિમ દિવસોમાં દરબારશાહીની બુરાઈઓના શિકાર બનતાં તેઓ વધુ પડતા મદિરાપાનથી હૈદરાબાદમાં અવસાન પામ્યા.
મોહીયુદ્દીન બૉમ્બેવાલા