સમોઆ : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલું ટાપુજૂથ. ભૌગોલિક સ્થાન : તે 14° 00 દ. અ. અને 171° 00 પૂ. રે.ની આજુબાજુનો 3,039 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. એપિયા તેનું પાટનગર છે.

લગભગ બધા જ ટાપુઓનું ભૂપૃષ્ઠ જ્વાળામુખીજન્ય છે. તેમની આજુબાજુ પરવાળાંના ખરાબા પથરાયેલા છે. આ ટાપુઓ જંગલોથી સમૃદ્ધ છે. જંગલો તથા સમતળ ભૂમિભાગનો ઢોળાવ સમુદ્રતરફી છે. અહીંની આબોહવા ગરમ અને ભેજવાળી છે. જાન્યુઆરી અને જુલાઈનાં તાપમાન અનુક્રમે 26.7° સે. અને 25.6° સે. રહે છે. વરસાદ 2,800 મિમી. પડે છે.

આ ટાપુજૂથની શૃંખલા બે રાજકીય એકમોમાં વહેંચાયેલી છે. પશ્ચિમ તરફની ટાપુશૃંખલા સવાઈ, ઉપોલુ તથા બીજા નાના નાના ઘણા ટાપુઓથી બનેલી છે. તે પશ્ચિમી સમોઆ નામથી ઓળખાય છે. તે 1962થી સ્વતંત્ર પ્રજાસત્તાક રાષ્ટ્ર બનેલું છે. શૃંખલાના પૂર્વ તરફના ટાપુઓમાં તુતુઈલા અને બીજા નાના નાના ઘણા ટાપુઓનો સમાવેશ થાય છે. તે અમેરિકી સમોઆનો ભાગ ગણાય છે અને યુ.એસ.ના કબજા હેઠળ છે. યુ.એસે. 1900 અને 1925ના વચ્ચેના ગાળામાં ક્રમે ક્રમે આ ટાપુજૂથનો કબજો મેળવેલો.

સમોઆના લોકો સારી નૌકાઓ બાંધતા હોવાથી ક્યારેક તે ખલાસીઓના ટાપુ તરીકે ઓળખાતું હતું. અહીંના લગભગ બધા જ નિવાસીઓ પૉલિનેશિયનો છે. તેમની વસ્તી 1,74,000 (2000) જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા