સમુદ્રતારા (star fish) (તારકમત્સ્ય) : દરિયાકિનારે મળી આવતું અને ધીમે ધીમે સરકી ગતિ કરતું તારા જેવા આકારનું શૂળત્વચી (echinodermata) સમુદાયના તારકિત-કાય (asteroidea) વર્ગનું દેહકોષ્ઠી (coelomate) પ્રાણી. તે એકાકી અથવા સમૂહમાં રહે છે. તેના શરીરની મધ્યમાં એક મધ્યસ્થ તકતી આવેલી હોય છે અને તેના પરથી પાંચ અથવા પાંચના ગુણાંકની સંખ્યામાં હાથ નીકળેલા હોય છે. સમુદ્રતારાને શીર્ષ હોતું નથી. જોકે તેને પૃષ્ઠ (dorsal) અને વક્ષ (ventral) એટલે મૌખિક સપાટી હોય છે. ત્વચા પરથી શૂળો (spines) અને/અથવા ગુલિકાઓ (tubercles) નીકળે છે. હાથની ઉપરની બાજુએથી અને મધ્ય ભાગમાંથી પસાર થતી અને છેડે સુધી લંબાયેલી એક ખાંચ હોય છે. તેને વીથિ ખાંચ (ambulacral groove) કહે છે. આ ખાંચની પ્રત્યેક બાજુએથી નાલીપગ (tube feet) નામે ઓળખાતાં અંગો નીકળે છે. નાલીપગના આગલે છેડે શોષકો (suckers) આવેલા હોય છે. આ શોષકોની મદદથી સમુદ્રતારા ખડક જેવા આધારસ્થળને ચીટકી રહે છે.
તેની બાહ્યસપાટી પર કૅલ્શિયમ કાર્બોનેટની બનેલી અસ્થિકાઓ (ossicles) આવેલી હોય છે. તે બાહ્યકંકાલની ગરજ સારે છે. અસ્થિકાઓ છૂટી હોવાથી હાથ વાળી શકાય તેવા હોય છે. ત્વચા અને અંત:સ્થ સપાટી વચ્ચે સંયોજક પેશી અને સ્નાયુપેશી આવેલી હોય છે.
શૂળત્વચીઓમાં જળવાહક તંત્ર (water vascular system) હોય છે. આ તંત્રના ભાગ રૂપે સમુદ્રતારાની મધ્યસ્થ તકતીમાં એક મુદ્રિકાનાલી આવેલી હોય છે. એક નાની નલિકા દ્વારા આ મુદ્રિકાનાલી પૃષ્ઠ ભાગમાં આવેલ પ્રરંધ્ર (madrepore) નામે ઓળખાતા એક બાહ્ય છિદ્ર વાટે દરિયાના પાણીના સંપર્કમાં હોય છે. પ્રત્યેક હાથમાં એક લાંબી અરીય (radial) નાલી હોય છે અને તે મુદ્રિકાનાલી સાથે જોડાયેલી હોય છે. અરીય નાલીની બન્ને બાજુએથી નાલીપગો જોવા મળે છે. અંદરની બાજુએથી નાલીપગ તુમ્બિકા (ampulla) નામના કોથળી આકારના અંગમાં ખૂલે છે, જ્યારે તુમ્બિકા અરીય નાલીમાં ખૂલે છે. જળવાહક તંત્ર પ્રચલન, શ્વસન, પરિવહન અને ઉત્સર્જન-તંત્રોની ગરજ સારે છે.
પ્રચલન : તુમ્બિકાના આકુંચનથી અરીય નાલીમાંથી વહેતું પાણી નાલીપગમાં ધકેલાય છે. નાલીપગના સંકોચનથી આખું શરીર સહેજ ખસે છે, જ્યારે નાલીપગના પ્રક્ષેપનથી તુમ્બિકા ફરીથી પાણીથી ભરાય છે.
પાચનતંત્ર અલ્પવિકસિત હોય છે. મધ્યતકતીમાં જઠર હોય છે. આ જઠરમાંથી પ્રત્યેક હાથમાં એક ખાંચ વિસ્તરેલી હોય છે. જઠરનો અગ્ર છેડો મુખદ્વારમાં ખૂલે છે. છીપ અને મોતીછીપ જેવાં મૃદુકાય પ્રાણીઓ સમુદ્રતારાનો ગમતો ખોરાક છે. ખોરાકના ગ્રહણ દરમિયાન નાલીપગની મદદથી તે છીપલાના બે ભાગને ચીટકે છે અને છીપલાને ખેંચે છે. પરિણામે છીપો વચ્ચે તિરાડ પડે છે. આ તિરાડમાંથી પોતાની ઉલટાવેલી જઠર ભક્ષ્યના માંસલ ભાગને ઘેરે છે અને ધીમે ધીમે તેને પચાવે છે. આ પચેલો ખોરાક હાથમાં આવેલી ખાંચમાં પ્રવેશે છે. પાચનક્રિયાની શરૂઆતમાં ખોરાકને ચાવવામાં આવે છે. આ ચર્વણપ્રક્રિયા માટે મુખગુહાની પાસે ‘ઍરિસ્ટૉટલ્સ લૅન્ટર્ન’ નામનું એક અંગ આવેલું હોય છે. તેની અંદરની સપાટીએ અસ્થિકાઓ આવેલી હોય છે. સ્નાયુઓથી સંધાયેલી આ અસ્થિકાઓ ખોરાકને ચાવવામાં મદદરૂપ બને છે. મળદ્વાર મુખગુહાની નજીક અને પ્રરંધ્ર પાસે ખૂલે છે.
ચેતાતંત્ર : મુખની ફરતે ચેતામુદ્રિકા (nerve ring) હોય છે. આ મુદ્રિકામાંથી પ્રત્યેક હસ્તમાં અરીય ચેતા નીકળે છે. ત્વચાની નીચે તેમજ દેહકોષ્ઠમાં ચેતાજાલ પ્રસરેલી હોય છે. સમુદ્રતારામાં વિશિષ્ટ સંવેદનાંગો હોય છે. જોકે ઉપરની બાજુએ સંવેદનાંગો પ્રસરેલાં હોય છે. હસ્તના છેડે એક નેત્રબિંદુ આવેલું હોય છે. તે લાલ રંગથી ઉત્તેજાય છે.
સમુદ્રતારા એકલિંગી પ્રાણી છે. દેખાવમાં નર અને માદા સરખાં હોય છે. જનનાંગો પાંચ કે પાંચના ગુણાંકની સંખ્યાની શાખાઓમાં વહેંચાયેલાં હોય છે. આ શાખાઓ જળવાહક તંત્રો વચ્ચે આવેલી હોય છે. એક ટૂંકી નલિકા વાટે જનનાંગો બાહ્ય પર્યાવરણના સંપર્કમાં હોય છે. આ નલિકા વાટે જનનકોષો(શુક્રકોષો અથવા અંડકોષો)નો ત્યાગ પાણીમાં કરવામાં આવે છે. બાહ્યફલનથી ફલિતાંડોનું નિર્માણ થાય છે. ગર્ભનો વિકાસ થતાં સમુદ્રતારા ડિમ્ભાવસ્થા પ્રાપ્ત કરે છે. ડિમ્ભને બાયપિનેરિયા કહે છે. દ્વિપાર્શ્ર્વસમરચના ધરાવતું આ ડિમ્ભ પાણીમાં મુક્ત રીતે તરે છે. દરમિયાન તે રેતી કે ખડક જેવા અનુકૂળ પર્યાવરણના સંપર્કમાં આવતાં ત્યાં સ્થાયી બને છે અને રૂપાંતરણથી પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરે છે.
સંયોગવશાત્ સમુદ્રતારાનો હસ્ત અથવા તો કોઈ અન્ય ભાગ તૂટી જતાં પુનરુજ્જીવનથી તે ગુમાવેલ ભાગનું નવસર્જન થાય છે. કોઈક વાર એક તૂટેલા હસ્તમાંથી સંપૂર્ણ પ્રાણીના દેહનું નવસર્જન થાય તેમ પણ બને છે.
જયંત વ્યાસ