સમુદ્રતળ-આલેખ (Hypsographic Curve)

January, 2007

સમુદ્રતળઆલેખ (Hypsographic Curve) : ઊંચામાં ઊંચી ભૂમિસપાટીથી મહાસાગરની મહત્તમ ઊંડાઈ સુધીના ભૂપૃષ્ઠ તેમજ સમુદ્રતળની આકારિકીનું પાર્શ્ર્વદૃશ્ય (profile) દર્શાવતો આલેખ. પૃથ્વી પર ખંડો અને મહાસાગરોનું વિતરણ તદ્દન અનિયમિત છે. મહાસાગરો પૃથ્વીની સપાટીનો 71 % જેટલો ભાગ અને ખંડો 29 % જેટલો ભાગ રોકે છે. સમુદ્રતળની આકારિકીની લાક્ષણિકતા જાણવા માટે કોઈ ચોકસાઈભરી સીધી પદ્ધતિ વિકસાવાઈ નથી. વળી સમુદ્રતળ તેની ઊંડાઈની કે પહોળાઈની એકરૂપતા દર્શાવતું નથી. મોટાભાગના ખંડો ત્રિકોણ આકારમાં છે, તેમના અણિયાળા શિખાગ્ર ભાગો દક્ષિણતરફી છે. કોઈ ગોળાકાર તાસકને તેના મધ્યબિંદુ પર આઘાત આપતાં તે વિકેન્દ્રિત સ્વરૂપે ત્રિકોણ આકારમાં તૂટે, તે રીતે ખંડોના આકારો ગોઠવાયેલા જોવા મળે છે.

પૃથ્વી પરનું સૌથી ઊંચાઈ ધરાવતું શિખર : માઉન્ટ એવરેસ્ટ (8,850 મીટર, સમુદ્રસપાટીથી). ખંડોના સંદર્ભમાં પૃથ્વી પરનું ઊંડામાં ઊંડું સ્થળ : મૃત સરોવર (395 મીટર, સમુદ્રસપાટીથી), જે ફાટખીણ વિસ્તારની મહત્તમ ઊંડાઈ ધરાવે છે.

મહાસાગરોનાં મહત્ત્વનાં ઊંડાણો

મહાસાગર ઊંડામાં ઊંડું સ્થળ ઊંડાઈ (મીટરમાં)
પૅસિફિક મરિયાના ખાઈ 11,033
ઍટલૅન્ટિક પ્યુર્ટો રિકો ખાઈ 8,648
હિન્દી મહાસાગર જાવા ખાઈ 7,725
આર્ક્ટિક યુરેશિયા થાળું 5,450

પૃથ્વીના પટ પર મોટાભાગના ખંડો તેમજ મહાસાગરોની ઉપસ્થિતિ (trend) લગભગ ઉત્તર-દક્ષિણતરફી છે, તેથી તેનો પૂર્વ-પશ્ચિમ આડછેદ લેવામાં આવે તો તેમાંથી મળતા પાર્શ્ર્વદૃશ્યમાં મહત્તમ ઊંચાઈ ધરાવતું પર્વતશિખર-  માઉન્ટ એવરેસ્ટ, ઉન્નત ગિરિમાળાઓ, ખંડીય ઉચ્ચપ્રદેશો, મેદાનો, ભૂપૃષ્ઠની સરેરાશ ઊંચાઈ રજૂ કરતી આકારિકી, સમુદ્રસપાટી, ખંડીય છાજલી, ખંડીય ઢોળાવ, અધોદરિયાઈ ઉચ્ચપ્રદેશો, સમુદ્ર-પર્વતો, ડુંગરધારો, સમુદ્રગહન મેદાનો, સમુદ્રગહન, ઊંડી ખાઈઓ તથા સમુદ્રતળની ઊંડાઈની સરેરાશ આકારિકીનો સમાવેશ થાય. આમ ભૂપૃષ્ઠની ઊંચાઈનાં લક્ષણોમાં આવતી અનિયમિતતાઓ તેમજ સમુદ્રતળની ઊંડાઈનાં લક્ષણોની જેમાં સ્પષ્ટ આકારિકી દેખાય એવા આલેખને ભૂમિતળસમુદ્રતળનો આલેખ કહેવાય.

આ આલેખ ખંડીય તથા સમુદ્રીય પોપડાનાં લક્ષણોનું સ્પષ્ટ પાર્શ્ર્વદૃશ્ય રજૂ કરે છે. ઉન્નત ખંડીય પ્રદેશોની સરખામણીમાં ઊંડા સમુદ્રતળનું પ્રમાણ વધી જાય છે. ખંડીય પોપડાના ઊંચા પર્વતો પોપડાનો ઘણો ઓછો વિસ્તાર રોકે છે, અર્થાત્, તે સમગ્ર પોપડાનો માત્ર 1 % જેટલો જ ભાગ રોકે છે. એ જ રીતે 6,000 મીટરથી ઊંડા સમુદ્રતળનો ભાગ પણ 1 %થી ઓછો છે. પોપડાનો 3,000થી 6,000 મીટરની ઊંડાઈનો ભાગ 50 %થી વધુ છે. ખંડીય પોપડા પરનાં 1,000 મીટર સુધીની ઊંચાઈ ધરાવતાં મેદાનો 20 % જેટલો ભાગ રોકે છે. આલેખમાં દર્શાવ્યા મુજબ, સમુદ્ર-મહાસાગરોના તળને (i) ખંડીય છાજલી, (ii) ખંડીય ઢોળાવ, (iii) સમુદ્રગહન મેદાનો અને

(iv) સમુદ્રગહન (ખાઈઓ) જેવા ચાર મુખ્ય વિભાગોમાં વહેંચેલું છે.

ખંડીય છાજલી : ખંડીય છાજલીઓ એ ખંડોનો જ સમુદ્રજળ હેઠળ વિસ્તરેલો ભાગ છે, તે પોપડાની સપાટીનો લગભગ 6 % જેટલો ભાગ રોકે છે. આ વિભાગમાં તળઢોળાવ ખૂબ જ ઓછો હોય છે (વધુમાં વધુ 15°). સમુદ્રમાં તે લગભગ 100 ફેધમ (એક ફેધમ = 1.80 મીટર = 6 ફૂટ) સુધીની ઊંડાઈ સુધી લંબાયેલો હોય છે, અર્થાત્ ખંડીય છાજલીની સમુદ્ર હેઠળની ઊંડાઈ 180 મીટર જેટલી થાય. આ વિભાગની પહોળાઈ સ્થાનભેદે સામાન્ય રીતે તે 2થી 3 કિમી.થી માંડીને 15થી 20 કિમી. કે તેથી થોડી વધુ હોઈ શકે છે; તેમ છતાં ક્યાંક તે 500 કિમી. સુધીની પણ છે. આ વિભાગ પૃથ્વી પરના બધા જ ખંડો અને ટાપુઓ ફરતે જોવા મળે છે. ખંડીય છાજલીની ઉત્પત્તિ ખંડની કે ટાપુની ભૂમિ અવતલન પામવાને કારણે અથવા ભૂપૃષ્ઠ પરથી સમુદ્રતળ પર નિક્ષેપ-જમાવટને કારણે થતી હોય છે. આ વિભાગમાં કણજન્ય, રાસાયણિક અને જીવજન્ય નિક્ષેપો મિશ્ર રૂપે જોવા મળે છે, જોકે ઊંડાઈએ જતાં નિક્ષેપોનું કણકદ ઓછું થતું જાય છે, તેથી આ નિક્ષેપો તીરસ્થ નિક્ષેપો (littoral deposits) તરીકે ઓળખાય છે.

ખંડીય ઢોળાવ : ખંડીય છાજલી પછીથી વિસ્તરેલા સમુદ્રતળ-વિભાગને ખંડીય ઢોળાવ કહે છે. અહીં ઢોળાવનું પ્રમાણ વધુ રહે છે. સામાન્ય રીતે તો, તેનો ઢોળાવ 30°થી 35° જેટલો હોય છે, પરંતુ ક્યાંક 15° તો ક્યાંક 45° જેટલો પણ થાય છે. આ વિભાગ 100 ફેધમ(180 મીટર)થી લઈને 2,000 ફેધમ (3,600 મીટર) સુધીની ઊંડાઈ સુધી વિસ્તરેલો હોય છે. તેની પહોળાઈ સ્થાનભેદે 20 કિમી.થી 100 કિમી. સુધીની જોવા મળે છે. ઢોળાવનું પ્રમાણ વિશેષ હોવાથી પહોળાઈ ઓછી રહે છે. આમ ખંડીય ઢોળાવ એ ખંડો કે ટાપુઓનો સમુદ્રતળ તરફ વિસ્તરેલો ભૂમિનો અંતિમ છેડો ગણાય, અર્થાત્ તે ખંડ અને ઊંડા સમુદ્રતળ વચ્ચેનો સંક્રાંત ભાગ કહેવાય. અહીં મુખ્યત્વે વિવિધ રંગના રાસાયણિક તથા જૈવિક પંક જેવા નિક્ષેપો જામેલા હોય છે. આ નિક્ષેપોને અગાધ જળના નિક્ષેપો (Bathyal deposits) કહે છે. અહીં લાલ, લીલો અને પ્રવાળ પંક જોવા મળે છે.

સમુદ્રગહન મેદાનો : ઘણો મોટો વિસ્તાર આવરી લેતો આ વિભાગ સમતળ લક્ષણ ધરાવે છે. તે સમુદ્રતળની આકારિકી પૈકી મુખ્ય વિભાગ ગણાય છે. તેની ઊંડાઈ 2,000 ફેધમ(3,600 મીટર)થી 3,000 ફેધમ (5,400 મીટર) સુધીની આંકવામાં આવેલી છે. તે મુખ્યત્વે સમતળ હોવાથી તેમાં ઢોળાવનું પ્રમાણ ઓછું રહે છે; આ કારણે જ તેને સમુદ્રતળનું મેદાન કહે છે. અહીં કણજન્ય નિક્ષેપો જોવા મળતા નથી, પરંતુ તે સ્યંદનો (ooze) તરીકે ઓળખાતા જૈવિક પંકદ્રવ્યથી આચ્છાદિત હોય છે. સ્યંદન એ એક પ્રકારનો જૈવિક પંક હોય છે. તે સમુદ્રસપાટી પાસે તરતાં રહેતાં સૂક્ષ્મ પ્રાણીઓ તેમજ વનસ્પતિ અવશેષોથી બનેલો હોય છે. આ નિક્ષેપોને અગાધ જળના નિક્ષેપો (Abyssal deposits) કહે છે, તેમાં રાતી મૃદ, ડાયૅટમ સ્યંદન, રેડિયોલેરિયન સ્યંદન, ગ્લોબિજેરીના સ્યંદન, ટેરોપૉડ સ્યંદન જેવાં આચ્છાદનોનો સમાવેશ થાય છે.

સમુદ્રગહન (deeps) : સમુદ્રતળનો સૌથી વધુ ઊંડાઈ ધરાવતો, લાંબી, સાંકડી, ઊંડી ખાઈઓનો વિભાગ. આ વિભાગનો ઢોળાવ ઘણો વધારે હોય છે, સ્થાનભેદે અને ખાઈભેદે તેની બાજુઓ 40°-45°થી માંડીને 70°-90° સુધીની હોઈ શકે છે. ઉગ્ર ઢોળાવની સરખામણીએ તેમનો વિસ્તાર અને પહોળાઈ તદ્દન ઓછાં હોય છે. આ વિભાગમાં સમુદ્રગહન મેદાનોમાં મળે છે એવા નિક્ષેપો (સ્યંદનો) મળે છે, તેમને હૅડલ (Hadal) નિક્ષેપો કહે છે. આ વિભાગના તળભાગથી સમુદ્રીય ભૂતકતીની જાડાઈ ઘણી ઓછી રહેતી હોવાથી, ત્યાં જ્વાળામુખી-પ્રવૃત્તિ વધુ જોવા મળે છે. ઉદાહરણો પૈકી મરિયાના ખાઈ (પૅસિફિક) સમુદ્રસપાટીથી 11,033 મીટર સુધીની ઊંડાઈ ધરાવે છે, અન્ય ખાઈઓમાં પ્યુર્ટો રિકો (8,648 મી.), જાવા ખાઈ (7,725 મી.) અને યુરેશિયા થાળા(5,450 મી.)નો સમાવેશ થાય છે.

આમ, ભૂપૃષ્ઠતળ અને સમુદ્રતળનો સંયુક્ત આલેખ પૃથ્વીના સમગ્ર પોપડાની આકારિકીનું લાક્ષણિક સ્વરૂપ રજૂ કરે છે. સમુદ્રસપાટીના સંદર્ભમાં ભૂપૃષ્ઠની સરેરાશ ઊંચાઈ 0.875 કિમી.(875 મીટર)ની છે, જ્યારે મહાસાગરોની સરેરાશ ઊંડાઈ 3.729 કિમી. જેટલી છે. સરેરાશ સમુદ્રતળ-સપાટીથી સરેરાશ ભૂપૃષ્ઠતળ-સપાટીનું ઊંચાઈનું સ્તર (0.875 + 3.729) 4.604 કિમી.નું થાય છે. [1994માં પ્રકાશિત થયેલા અન્ય સંદર્ભ મુજબ ભૂપૃષ્ઠની સરેરાશ ઊંચાઈ 840 મીટર અને સમુદ્રની સરેરાશ ઊંડાઈ 3,765 (અથવા 3,865) મીટર મુકાઈ છે.] માઉન્ટ એવરેસ્ટ (8,850 મીટર) અને મરિયાના ખાઈ(11,033 મીટર)ની મહત્તમ ઊંચાઈ અને મહત્તમ ઊંડાઈ વચ્ચેનો તફાવત 20 કિમી. જેટલો થાય છે.

ઉત્તર ગોળાર્ધમાં વિષુવવૃત્તથી ઉત્તર ધ્રુવવૃત્ત વચ્ચેનો 65 %થી વધુ ભાગ ભૂમિથી રોકાયેલો છે; આ ગોળાર્ધમાં 47 % ભૂમિ છે, 53 % જળરાશિ છે. દક્ષિણ ગોળાર્ધમાં 11 % ભૂમિ અને 89 % જળરાશિ છે. પૃથ્વીના સમગ્રસપાટી વિસ્તારના 45 % ભાગમાં સમુદ્ર સામે સમુદ્ર આવેલા છે; જ્યારે માત્ર 1.5 % ભાગમાં ભૂમિ સામે ભૂમિ છે. પૃથ્વી પરના કુલ 95 % ભૂમિવિસ્તાર સામે સમુદ્ર-મહાસાગરો છે, ઉત્તરધ્રુવની આજુબાજુ આર્ક્ટિક મહાસાગર છે, તે બધી બાજુએ ખંડોથી ઘેરાયેલો છે; જ્યારે દક્ષિણ ધ્રુવની આજુબાજુ ઍન્ટાર્ક્ટિકા ખંડ આવેલો છે, તે બધી બાજુએ મહાસાગરોથી ઘેરાયેલો છે.

રાજેશ ધી. શાહ

નિશીથ ય. ભટ્ટ