સમીર પન્નગ રસ–કલ્પ : આયુર્વેદિક રસૌષધિ. આયુર્વેદમાં રસ-કલ્પના અંતર્ગત વિવિધ ખનિજ ધાતુઓ અને કાષ્ઠાદિ ઔષધિઓના યોગથી બનતી રસૌષધિ ‘સમીર પન્નગ રસ’ વૈદ્યોમાં બહુ વપરાય છે. ‘રસતંત્રસાર’ અને ‘સિદ્ધપ્રયોગ સંગ્રહ ખંડ 1’માં તેનો પાઠ આ પ્રમાણે આપેલ છે : શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, શુદ્ધ સોમલ, શુદ્ધ મન:શિલ અને શુદ્ધ હરતાલ 100/100 ગ્રામ લઈ, તેની કજ્જલી કરવામાં આવે છે. પછી તેને ખરલમાં નાંખી, તેને 3 દિવસ તુલસીના રસ કે કુંવારપાઠાના રસની ભાવના આપી, સૂકવવામાં આવે છે. તે પછી અગનશીશીમાં તૈયાર દવા ભરી, તેને 60 કલાક (ગજપુટનો) અગ્નિ આપી, શીશીના ગળામાંથી કાળો તેજસ્વી અને સખત સમીર પન્નગ રસ લઈ લેવામાં આવે છે. એ રીતે તેને ફરી અગનશીશીમાં ભરી 16 કલાક મંદાગ્નિ અપાય છે, જેથી ઔષધિના ગંધકનું જારણ થઈ જાય. તેને ફરી અગન-શીશીમાં રાખી ગજપુટનો 36 કલાક તીવ્ર અગ્નિ આપવાથી ઔષધિ તૈયાર થાય છે. અનુભવી વૈદ્યો આમાં 21 તોલા સોનાનો વરખ મેળવીને 48 કલાક (ગજપુટ) મંદાગ્નિ આપીને તલસ્થ રસાયન બનાવે છે, જે સુવર્ણ સમીર પન્નગ રસ કહેવાય છે. તેનો રંગ સુવર્ણ જેવો પીળો થાય છે. સુવર્ણથી આ રસાયન સૌમ્ય અને વધુ ફળદાયક થાય છે.
માત્રા અને અનુપાન : ½ થી 1 રતી (62થી 123 મિગ્રા.) દવા 2થી 3 વાર. નાગરવેલના પાનના કે આદાના રસ તથા મધ સાથે અથવા અરડૂસીપત્ર, જેઠીમધ, બહેડાં, ભારંગમૂળ અને સાકરના ક્વાથ સાથે અપાય છે.
ઉપયોગ : સમીર પન્નગ રસ એક સૌમ્ય પ્રકારની વાત-કફઘ્ન રસૌષધિ છે. ત્રિદોષ, ન્યુમોનિયા, છાતીમાં કફના ભરાવાથી થતો ગભરાટ, ઉન્માદ, ખાંસી, શ્વાસ, કફજ્વર, વાત-કફજ્વર, સળેખમ, પાંડુ, વિષમજ્વર, જૂની ખાંસી, ફેફસાંનાં દર્દો તેમજ ત્વચારોગો ચળ, ખસ, ખરજવું, દરાજ, ચર્મદલ, વિસ્ફોટક, પીટિકા (બધા વાત-કફ પ્રધાન) સંધિવા, ઉપદંશ કે પરમિયાના ઉપદ્રવરૂપ સંધિવા, લોહીવિકાર અને વાયુદોષનાં દર્દો – અડદિયો વા, રાંઝણ, પક્ષાઘાત, જિહ્વાસ્તંભ, ધનુર્વા, શૂળ વગેરે; કૉલેરા તેમજ આમવિષજ વિકારોની સ્થિતિમાં વૈદ્યો તે ખૂબ વાપરે છે.
વૈદ્ય બળદેવપ્રસાદ પનારા