સબએસિડિક અગ્નિકૃત ખડકો : સિલિકા સંતૃપ્તિ મુજબ પાડેલા અગ્નિકૃત ખડકોના પ્રકારો. હૅચ, વેલ્સ અને વેલ્સ નામના ખડકવિદોએ રાસાયણિક તેમજ ખનિજીય મિશ્ર લક્ષણોને આધારે અગ્નિકૃત ખડકોનું જે વર્ગીકરણ કરેલું છે તેમાં અગ્નિકૃત ખડકોને તેમાં રહેલી સિલિકા-સંતૃપ્તિ પ્રમાણે એસિડિક, સબએસિડિક, બેઝિક અને પારબેઝિક એ મુજબના ચાર વિભાગોમાં વર્ગીકૃત કરેલા છે; આ ઉપરાંત અગ્નિકૃત ખડકોની પરખ સરળ બની રહે તે હેતુથી કણરચના, સિલિકા-પ્રમાણ, આલ્કલી ફેલ્સ્પાર-પ્રમાણ તથા પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પાર-પ્રમાણ મુજબ પણ તેમને વર્ગીકૃત કરેલા છે.
સબએસિડિક અગ્નિકૃત ખડકોમાં રહેલું સિલિકાનું પ્રમાણ એસિડિક અગ્નિકૃત ખડકો કરતાં ઓછું, પરંતુ બેઝિક-અલ્ટ્રાબેઝિક અગ્નિકૃત ખડકો કરતાં વધુ હોય છે. અંત:કૃત અગ્નિકૃત ખડકપ્રકારો પૈકી સાયનાઇટ તથા બહિર્ભૂત (જ્વાળામુખી) અગ્નિકૃત ખડકો પૈકી ટ્રેકાઇટ નામના ખડકો સબએસિડિક પ્રકારનાં શ્રેષ્ઠ ઉદાહરણો ગણાય છે.
ગિરીશભાઈ પંડ્યા