સફ્રી, સંતોખસિંહ (જ. ઑક્ટોબર 1920, ખન્ના લુબાના, જિ. શેખુપુરા [હાલ પાકિસ્તાનમાં]) : પંજાબી કવિ. 1980થી તેઓ પંજાબી કવિ સભા, જાલંધરના પ્રમુખ રહેલા.
તેમણે અત્યાર સુધીમાં 10 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કૌમી તરાને’ (1956); ‘ગાગર વિચ સાગર’ (1973); ‘જિંદગી’ (1974); ‘બૈતાન દા સફર’ (1985); ‘સફ્રી દા સરનાવન’ (1990); ‘વીરસા પંજાબ દા’ (1993); ‘બૈંત સફ્રી દે’ (1995) તેમના ઉલ્લેખનીય કાવ્યસંગ્રહો છે. તેઓ બૈંત અને ધાર્મિક કાવ્યોમાં વિશેષજ્ઞતા ધરાવે છે. તેઓ કવિદરબાર યોજે છે અને તેમનાં પોતાનાં કાવ્યોનું પઠન અને ગાન કરે છે. કાવ્ય/પદના સંગીત-સમારોહ માટે તેમને ઍવૉર્ડો અને સન્માનો પ્રાપ્ત થયાં છે. તેમનાં પદોની પ્રસ્તુતિ માટે તેમણે થાઇલૅન્ડ, સિંગાપુર અને પાકિસ્તાનનો પ્રવાસ ખેડ્યો છે.
બળદેવભાઈ કનીજિયા