સફેદ માખ (સફેદ માખી) : ચૂસિયા પ્રકારની સફેદ મશી તરીકે પણ ઓળખાતી બહુભોજી જીવાત. વર્ગીકરણમાં તેનો સમાવેશ હેમિપ્ટેરા (hemiptera) શ્રેણીની પેટાશ્રેણી હોમોપ્ટેરા(homoptera)ના ઍલ્યુરૉડિડી (aleurodidae) કુળમાં થાય છે. કૃષિ-પાકો ઉપર ઉપદ્રવમાં તે મોલો(એફિડ)ની સાથે જોવા મળતી જીવાત હોવાથી બંને જીવાતો ‘મોલો-મશી’થી ઓળખાય છે. અંગ્રેજીમાં તે ‘વ્હાઇટ ફ્લાય’ કે ‘મીલીવિંગ’ તરીકે પણ ઓળખાય છે, કારણ કે તેના શરીર ઉપર સફેદ મીણની ભૂકીનું આવરણ છવાયેલું હોય છે. સફેદ માખીનો ઉપદ્રવ કપાસ, દિવેલા, સૂર્યમુખી, રીંગણ, ભીંડા, મરચી, કોબીજ, બટાટા, ટમેટાં, સરસવ, મૂળા વગેરે ખેતીપાકો તેમજ લીંબુ વર્ગની વિવિધ જાતો; દ્રાક્ષ, જમરૂખ, ફણસ, જાંબુ, આંબા, દાડમ, નાગરવેલ, લીચી, ઇલાયચી, મરી જેવા બાગાયતી પાકોમાં જોવા મળે છે. જે તે પાક મુજબ સફેદ માખીની જાતિ પણ અલગ હોય છે; પરંતુ તેની નુકસાન કરવાની પદ્ધતિ મોટેભાગે એકસરખી જોવા મળે છે; કેટલીક અગત્યની જાતિની માહિતી નીચે મુજબ છે :
(1) બેમિસિયા ટબાસી (Bemisia tabaci gennadius) : તેનો ઉપદ્રવ કપાસ, તમાકુ, બટાટા, રીંગણ, ભીંડા, કોબીજ, મૂળા, ટમેટાં, સરસવ, સૂર્યમુખી વગેરે પાકોમાં જોવા મળે છે. પુખ્ત કીટક શરીરે પીળા રંગનું અને મીણ જેવી સફેદ પાંખોવાળું હોય છે. માદા પાનની નીચેની બાજુએ આછા-પીળા રંગનાં, છૂટાંછવાયાં ઈંડાં મૂકે છે. આવાં ઈંડાં બચ્ચાં નીકળવાના સમયે ભૂરા રંગનાં દેખાય છે. ઈંડાંમાંથી નીકળેલ બચ્ચાં ચપટાં અને લંબગોળ આકારનાં હોય છે. જે ત્રણ વાર કાંચળી ઉતારી લંબગોળ આકારે ભીંગડાં જેવા ચપટા સ્વરૂપે કાળાશ પડતા રંગના કોશેટામાં ફેરવાય છે, જે ફરતે ઝાલર ધરાવે છે. આ અવસ્થા 28 દિવસમાં પૂર્ણ થતાં તેમાંથી સફેદ માખી બહાર આવે છે. સંપૂર્ણ જીવનચક્ર આબોહવા મુજબ 14થી 122 દિવસમાં પૂર્ણ થતું હોય છે અને વર્ષ દરમિયાન 11 જેટલી પેઢીઓ થતી હોય છે. આ જીવાતની ડિંભ અને પુખ્ત અવસ્થા પાનમાંથી સતત રસ ચૂસે છે; પરિણામે પાન પર પીળાશ પડતાં ધાબાં જોવા મળે છે. વધુ ઉપદ્રવ વખતે પાન રતાશ પડતાં બરછટ થઈ ખરી પડે છે. કપાસ જેવા પાકમાં જીંડવાનું કદ નાનું રહી જાય છે અને અપરિપક્વ જીંડવાં ફાટી જતાં હોય છે. જેથી રૂની ગુણવત્તા બગડે છે. રીંગણ જેવા પાકમાં ફળ કઠણ અને હલકી ગુણવત્તાવાળાં મળે છે; જેથી બજારભાવ પર અસર પડે છે. જીવાતના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ ઝરે છે, જે પાન પર પડતાં તેના પર કાળી ફૂગનો ઉગાવો થતાં પ્રકાશ-સંશ્લેષણની ક્રિયામાં અવરોધક બને છે. પરિણામે છોડની વૃદ્ધિ રૂંધાય છે. આ ઉપરાંત કાળી ફૂગના ઉપદ્રવને લીધે કપાસની વીણી, જીનિંગ તથા સ્પિનિંગમાં મુશ્કેલી આવે છે. વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતાં આ જીવાતનો ઉપદ્રવ પણ વધવા પામતો હોય છે. તમાકુ અને તલનો કોકડવા તેમજ ભીંડાનો પીળી નસનો વિષાણુજન્ય રોગ ફેલાવવામાં તે અગત્યનો ભાગ ભજવે છે.
(2) ઍલ્યુરોલૉબસ બારોડેન્સિસ (aleurolobus barodensis mask) : આ જાતિની સફેદ માખીનો ઉપદ્રવ ખાસ કરીને શેરડીના પાકમાં જોવા મળે છે. તે શરીરે ઝાંખા પીળા રંગની અને અર્ધપારદર્શક પાંખોવાળી હોય છે. માદા શેરડીનાં પાન પર મધ્ય નસની સમાંતરે હારબંધ ઈંડાં મૂકે છે. બચ્ચાં ફિક્કા કાળા રંગનાં અને લંબગોળાકાર ચપટાં હોય છે. કોશેટા રાખોડી રંગના હોય છે. બચ્ચાં પાન પર એક જગ્યાએ સ્થાયી થઈ રસ ચૂસે છે. ઉપદ્રવિત પાન બચ્ચાં તથા કોશેટાથી છવાયેલાં જોવા મળે છે. શેરડીના ખેતરમાં પાણી ભરાઈ રહેતું હોય કે જમીનની નિતારશક્તિ સારી ન હોય ત્યાં આ જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. નિઓમાસ્કેલિયા બર્ગી (Neomaskellia bergii sign.) જાતિની સફેદ માખી પણ શેરડીમાં નુકસાન કરતી જોવા મળે છે. તેની પાંખો પર બદામી રંગનાં ધાબાં જોવા મળતાં હોય છે. ઉપદ્રવિત શેરડીનું ખેતર દૂરથી જુદું તરી આવે છે.
(3) ટ્રાયાલ્યુરોડસ રિસિની, મિસ્રા (Trialeurodes ricini, Misra) : આ જીવાત દિવેલાની સફેદ માખી તરીકે ઓળખાય છે. તેનો દેખાવ, જીવનક્રમ અને નુકસાન કરવાની પદ્ધતિ કપાસની સફેદ માખીને મળતી આવે છે. દિવેલાની શરૂઆતની અવસ્થામાં આ જીવાતનો ઉપદ્રવ હોય તો તેની વૃદ્ધિ પર ખૂબ જ માઠી અસર થતી હોય છે.
(4) ડાયાલ્યુરોડસ સિટ્રી (Dialeurodes citri Ril, & How.) : આ સફેદ માખીનો ઉપદ્રવ ખાસ કરીને લીંબુ વર્ગના પાકોમાં જોવા મળે છે. વર્ષ દરમિયાન ફક્ત બે જ પેઢીઓ થતી હોય છે. ઉપદ્રવિત પાન ભૂખરાં જણાય છે અને ફળોનું ઉત્પાદન ઘટે છે. આ સફેદ માખી ઉપરાંત અન્ય જાતિઓ જેવી કે, ડાયાલ્યુરોડસ, ઇલોન્ગાટા, ડાયાલ્યુરોડસ સિટ્રીફોલી, ઍલ્યુશેકેન્થસ, સ્પિનીફેરસ, ઍલ્યુરોકેન્થસ વુગ્લુમી, ઍલ્યુરોકેન્થસ હુસેઇની, ઍલ્યુરોલોબસ, સિટ્રીફોલી, ઍલ્યુરોલોબસ મારલાટી વગેરેનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. બચ્ચાં કુમળી ડાળીઓમાંથી રસ ચૂસે છે; જેથી ડાળીઓ ચીમળાઈ જાય છે. વધુ ઉપદ્રવમાં પાન ખરી પડે છે. ફળ મોડાં પાકે છે અને કદમાં નાનાં રહે છે. માર્ચ-એપ્રિલ અને ઑગસ્ટ-સપ્ટેમ્બર દરમિયાન આ જીવાતનો ઉપદ્રવ વધારે જોવા મળે છે.
આ જીવાતના અસરકારક નિયંત્રણ માટે કપાસના બીજને ઇમિડાક્લોપ્રીડ 70 ડબ્લ્યુએસ. 7.5 ગ્રામ અથવા થાયામેથૉક્ઝામ 70 ગ્રામ ડબ્લ્યુએસ 2.8 ગ્રામ, જ્યારે ભીંડાના બીજને ઇમિડાક્લોપ્રીડ 70 ડબ્લ્યુએસ 4.5 ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે માવજત આપી વાવેતર કરવું જરૂરી છે. ભલામણ મુજબ નાઇટ્રોજનયુક્ત ખાતરોનો ઉપયોગ કરવાનો રહે છે. શક્ય હોય તો પાકમાં ઉપદ્રવિત પાન એકત્ર કરી તેમનો નાશ કરવો ઇચ્છનીય છે. આ જીવાત પીળા રંગ તરફ આકર્ષાય છે, તેથી પીળા રંગના ટ્રૅપમાં ગ્રીસ લગાવી જે તે પાકમાં મૂકવામાં આવે છે. પરભક્ષી કીટકો જેવાં કે ક્રાયસોપા, ડાળિયા, સેરેન્જિયમ પારસેટોમસ, બ્રુમોઇડસ, સટુરાલિસ વગેરેથી તેમજ પરજીવી કીટકો એન્કાર્સિયા ઇસાકી એન્કાર્સિયા લેહોરેન્સિસ, એન્કાર્સિયા સીટુફીલા, પ્રોસ્પેલ્ટેલા, બાહરેન્સિસ, ઇરેટોમોસિસ વગેરેથી આ જીવાતનું કુદરતી/જૈવિક રીતે નિયંત્રણ થતું રહે છે. શેરડીનું વાવેતર પૂરતી નિતારવાળી અને ક્ષાર વગરની જમીનમાં કરવું ઇષ્ટ છે. વળી વધારાના પાણીના નિકાલની વ્યવસ્થા કરવાથી ઉપદ્રવને કાબૂમાં રાખી શકાય છે. રોપાણ-શેરડી કરતાં બડઘા પાકમાં આ જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળતો હોવાથી એક કરતાં વધુ બડઘા પાક લેવા હિતાવહ નથી. ચોમાસા પહેલાં શેરડીની પાતરી ઉતારી હોય તો આ જીવાતનો ઉપદ્રવ ઓછો રહે છે. એન્કાર્સિયા ઇસાકી નામનાં પરજીવી કીટકોનો મહત્તમ ફેલાવો થાય તે માટે હૅક્ટરદીઠ 10ની સંખ્યામાં 40 મેશની જાળીવાળા પિંજરામાં સફેદ માખીથી ઉપદ્રવિત પાન મૂકવા અને તેમને સૂર્યનો સીધો તાપ ન લાગે તે રીતની ગોઠવણ કરવી તેમજ ઉપદ્રવિત પાન દર 10 દિવસે બદલતા રહેવું. સફેદ માખીના ઉપદ્રવ સાથે તેના પરજીવી અને પરભક્ષીની હાજરી પૂરતા પ્રમાણમાં જણાય તો રાસાયણિક દવાઓનો છંટકાવ ટાળવો જોઈએ. આ જીવાતના ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજ 500 ગ્રામ અથવા ગ્રોનીમ/અચૂક/નિમાર્ક/વેન્ગાર્ડ 0.15 ઈસી 40 મિલી. કે નિમાઝલ/ઈકોનિમ 1 ઈસી 10 મિલી. 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવામાં આવે છે. આ કીટકની સંખ્યા ક્ષમ્ય માત્રા(5 બચ્ચાં કે પુખ્ત/પાન)થી વધુ જણાય તો મૉનોક્રોટોફોસ 36 એસએલ 10 મિલી. અથવા ટ્રાયઝોફોસ 40 ઈસી 15 મિલી. અથવા એસિફેટ 75 એસપી 10 ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રીડ 17.8 એસએલ 4 મિલી. અથવા એસિટામીપ્રીડ 20 એસ.પી. 4 ગ્રામ અથવા થાયામેથોક્ઝામ 25 Wg 3 ગ્રામ અથવા એન્ડોસલ્ફાન 35 ઈસી 20 મિ.લી. 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવામાં આવે છે. તમાકુ જેવા પાકમાં એકલ-દોકલ સફેદ માખી કોકડવાનો રોગ ફેલાવી શકે છે. એક વખત વિષાણુ છોડમાં દાખલ થઈ ગયા પછી તેનું નિયંત્રણ અશક્ય બની જાય છે. તેથી તેનાં અટકાયતી પગલાં તરીકે તંદુરસ્ત ધરુનો રોપણી માટે ઉપયોગ કરવો જરૂરી છે. ધરુવાડિયામાં લીમડાની લીંબોળીનો 5 %નો અર્ક અઠવાડિયાના અંતરે છાંટતા રહેવું જોઈએ. ખેતરમાં રોગિષ્ઠ છોડ જણાય તો તેનો નાશ કરવો જરૂરી છે. તમાકુની રોપણી બાદ 15 અને 25 દિવસે ઉપર જણાવેલ કીટનાશકોનો છંટકાવ કરવો આવશ્યક છે. ખેતરની આજુબાજુના શેઢા-પાળા ચોખ્ખા રાખવામાં આવે અને આ જીવાતનો ઉપદ્રવ હોય તે વખતે સિન્થેટિક પાયરેથૉઇડનો ઉપયોગ ટાળવામાં આવે તે હિતાવહ છે.
સફેદ માખનું જૈવિક નિયંત્રણ : સફેદ માખની અનેક જાતો વિવિધ પાકોને હાનિકારક છે. રાસાયણિક કીટનાશકો વડે તેનું સંપૂર્ણ નિયંત્રણ શક્ય બન્યું નથી. આથી રોકડિયા પાકને સફેદ માખના ઉપદ્રવથી બચાવવા માટે દુનિયાભરમાં જૈવિક નિયંત્રણોનો આધાર લેવાય છે. ફ્લોરિડામાં સંતરાં ઉપર 1910-11 દરમિયાન સફેદ માખનો ઉપદ્રવ ખૂબ વધ્યો ત્યારે ભારત અને પૂર્વના દેશોમાંથી મળી આવતી લેડીબર્ડ બીટલ Cryptognatha flavescenceને ફ્લોરિડામાં દાખલ કરી સંતરાંના પાકને સફેદ માખના ઉપદ્રવથી બચાવ્યો. તેવી જ રીતે 1967-68માં કૅલિફૉર્નિયામાં સફેદ માખનો ઉપદ્રવ થતાં ભારત અને પાકિસ્તાનમાંથી પ્રોસ્પેલ્ટેલા લાહોરેન્સિસ જાતિની ભમરી પ્રાપ્ત કરી સફેદ માખનું નિયંત્રણ કરી, સંતરાનો પાક બચાવ્યો.
બ્રિટનમાં કાચગૃહ(glass house)માં ઉગાડવામાં આવતી વનસ્પતિ (બાગાયતી પાકો) ઉપર પણ સફેદ માખનો ઉપદ્રવ વારંવાર જોવા મળે છે. ત્યાં સફેદ માખનું નિયંત્રણ 1970માં યુકાર્સિયા ફૉર્માસા (Eucarsia formosa) નામની ભમરીથી કરવામાં આવ્યું. સફેદ માખ અને રેડ સ્પાઇડર, માઇટ (ઇતડી) જે ગ્લાસ હાઉસમાં ગુલ દાઉદી (chrisanthemum) ઉપર હાનિકારક પેસ્ટ છે, તેનું જૈવિક નિયંત્રણ કરવામાં આવે છે; પરંતુ પાયરિમિકાર્બ (pirimicarb) નામના પસંદગીમાન કીટકનાશકનો તેની સાથે જ ઉપયોગ કરવામાં આવે તો પેસ્ટ-નિયંત્રણ વધુ સફળ રહે છે. આમ હવે સફેદ માખીનું નિયંત્રણ ઘનિષ્ઠ પેસ્ટ-નિયંત્રણ (Integrated pest-management) પદ્ધતિ દ્વારા વધુ અસરકારક બને છે. ઘનિષ્ઠ પેસ્ટ-નિયંત્રણ પદ્ધતિમાં રાસાયણિક પેસ્ટ-નિયંત્રણ, જૈવિક નિયંત્રણ, અવરોધક વનસ્પતિ (plant resistance), સંવર્ધન પદ્ધતિઓ વગેરે અનેક પદ્ધતિઓ યોજવામાં આવે છે.
પરબતભાઈ ખી. બોરડ
યોગેશ ઘેલાણી