સફેદ ચાંચડી (સફેદ ટપકાં) : તમાકુ પાકનાં ધરુવાડિયાંમાં ફેરરોપણી બાદ સર્કોસ્પોરા નિકોસિયાના નામની ફૂગથી થતો રોગ. આ પરોપજીવી ફૂગ રોગિષ્ઠ છોડના અવશેષો સાથે જમીનમાં એક ઋતુથી બીજી ઋતુ સુધી જીવંત રહે છે. તે ધરુવાડિયાં અથવા તમાકુના પાકમાં પ્રાથમિક ચેપ લગાડી રોગની શરૂઆત કરે છે. દ્વિતીય ચેપ ફૂગના વ્યાધિજનો પવન મારફતે ફેલાઈને લગાડે છે. આ વ્યાધિજન ફૂગ પ્રથમ છોડના નીચેના પાન ઉપર આછા ભૂખરા સફેદ રંગના ગોળ બેથી પાંચ મિલીમિટર કદનાં ટપકાં કરે છે, જે પાન ઉપર સફેદ ચાંચડી જેવાં દેખાય છે. રોગને સાનુકૂળ વાતાવરણ મળતાં ઘણાંબધાં નાનાં ટપકાં વિકાસ પામી એકબીજાં સાથે ભળી જતાં પાન ચીમળાઈને સુકાઈ જાય છે. આવાં અપરિપક્વ સુકાયેલાં પાનમાંથી તૈયાર થતી તમાકુની ગુણવત્તા ખૂબ જ ઊતરતી કક્ષાની હોય છે.
નિયંત્રણનાં પગલાં :
ધરુવાડિયું : (1) ધરુવાડિયા માટે સારી નિતારવાળી ઊંચી જગ્યા પસંદ કરવી જરૂરી છે.
(2) ધરુવાડિયાના વિસ્તારને એપ્રિલ, મે માસ દરમિયાન પિયત આપી વરાપે ખેડ કરી તેના ઉપર પંદર દિવસ માટે L.L.D.P.E. જાતનું પારદર્શક પ્લાસ્ટિક હવાચુસ્ત રીતે ઢાંકી જમીનનું નિર્જીવીકરણ કરવું હિતાવહ છે.
(3) ધરુવાડિયામાં તેમજ ખેતરના પાકમાં સફેદ ચાંચડીનો રોગ જોવા મળે ત્યારે કાર્બેન્ડાઝીમ 50 % વેટેબલ પાઉડર 10 લિટર પાણીમાં 5 ગ્રામ મુજબ ભેળવી છંટકાવ કરવો જરૂરી છે. જરૂર જણાય તો બીજો છંટકાવ મેટાલેક્ઝિલ M-2 અથવા બોર્ડો-મિશ્રણના દ્રાવણનો છંટકાવ કરવામાં આવે છે.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ