સફેદ ગેરૂ : લક્ષણો : રાઈ પાકમાં આલબુગો કેન્ડિડા (Albugo candida) નામની ફૂગથી થતો રોગ. આ રોગમાં ફૂગના આક્રમણથી પાન તેમજ થડ અને દાંડી પર સફેદ રંગનાં એકથી બે મિલીમિટર વ્યાસનાં ચાઠાં થાય છે. આવાં ચાઠાં વૃદ્ધિ પામી એકબીજાંને મળી જાય છે. ફૂગનું ફૂલો પર આક્રમણ થતાં તેમનામાં વિકૃતિ આવે છે અને શિંગ બેસતી નથી, અને શિંગ બેસે તો તે બિલકુલ બેડોળ અને પહોળી હોય છે, જેમાં દાણા તૈયાર થતા નથી અને જે હોય તેમાં તેલના ટકા ખૂબ જ ઓછા હોય છે.
નિયંત્રણનાં પગલાં : (1) એક કિલોગ્રામ બીજ દીઠ 3 ગ્રામ કૅપ્ટાન કે થાયરમ દવા લઈને બીજને તેનો પટ આપી વાવણી કરવામાં આવે છે. (2) પાક ઊગી ગયા બાદ રોગ જણાય ત્યારે મેન્ડોઝેબ 0.2 %નું દ્રાવણ બનાવી છંટકાવ કરવામાં આવે છે. આ જ દવાનો બીજો છંટકાવ 12થી 15 દિવસ બાદ કરાય છે.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ