સન્નિઘર્ષણ (attrition) : એક પ્રકારની ઘસારાની ક્રિયા. માતૃખડકોમાંથી તૂટીને છૂટા પડેલા નિક્ષેપબોજની વહનક્રિયા દરમિયાન ખડકટુકડાઓ કે કણો અરસપરસ અથડાવાથી, ઊછળવાથી, ખોતરાવાથી, કચરાવાથી, દળાવાથી કે ઘસાવાથી વધુ ને વધુ તૂટતા જાય છે; પરિણામે તેમના કદમાં ઘટાડો થઈ નાના બનતા જાય છે. આ પ્રકારની ઘર્ષણક્રિયાને સન્નિઘર્ષણ કહે છે. નદી અને પવન આ ક્રિયા કરવા માટેનાં મુખ્ય પરિબળો બની રહે છે. ટૂંકમાં, ખડકટુકડાઓ કે કણો વચ્ચે થતી રહેતી અરસપરસની અથડામણની ક્રિયાને સન્નિઘર્ષણ કહી શકાય. નદીઓના પટમાં પથરાયેલો જોવા મળતો સ્થૂળ કે સૂક્ષ્મ નિક્ષેપ(કાંપ)-જથ્થો સન્નિઘર્ષણનું પરિણામ ગણાય. આવો કાંપજથ્થો ખેતીની પેદાશો લેવા માટે ઉપજાઉ ગણાય છે.
ગિરીશભાઈ પંડ્યા