સનાઈ ગોએન્બાબ (જ. 1877, બિચોઇમ, ગોવા; અ. 1946) : કોંકણી નાટ્યકાર અને સાહિત્યકાર. તેમનું ખરું નામ વામન રઘુનાથ વર્ડે વાલવ્લિકર હતું. વતનમાં મૅટ્રિક્યુલેશન સુધીનું શિક્ષણ લીધા બાદ ગોવામાં અંગ્રેજીના શિક્ષક, પછી કરાંચી મ્યુનિસિપાલિટીમાં ક્લાર્ક અને છેલ્લે મુંબઈમાં મેઇસ્ટર લ્યુકિયસ બ્રુનિયા નામની જર્મન કંપનીમાં ઊંચી વહીવટી જગ્યા પર નિમાયા. 1926માં મતભેદ થતાં તેમણે રાજીનામું આપ્યું અને કોંકણી ભાષા અને સાહિત્ય તથા ઐતિહાસિક સંશોધન પ્રત્યે બે દસકા સુધી જીવન સમર્પિત કર્યું.
પ્રથમ તેમણે મરાઠીમાં એક નાટક તૈયાર કર્યું. પછી પોતાની માતૃભાષા કોંકણી વિશે સભાન થતાં કોંકણીઓના સન્માનરૂપ એવું પોતાનું ઉપનામ ‘સનાઈ ગોએન્બાબ’ રાખ્યું. તેમણે કોંકણીમાં ‘ગોએન્કરાંચી ગોએન-એમ ભેલ્લ વોર-નુક’ (‘સેટલમેન્ટ ઑવ્ ગોઆન્સ અવે ફ્રૉમ હૉમ’), (1928), ‘વલિપટ્ટનચો સોદ’ (‘ડિસ્કવરી ઑવ્ વલિપટ્ટન’), (1962); ‘આલ્બુકરકાન ગોએન કાસેમ જિખ્લેમ’ (‘હાઉ આલ્બુકર્ક કોન્કર્ડ ગોવા’), (1955) જેવા ઐતિહાસિક મહત્ત્વના ગ્રંથો આપ્યા છે.
તેમનું તારણ એવું છે કે રાષ્ટ્રકૂટોનો ઉદ્ભવ ‘લોટલી’(ગોવા)માંથી થયેલો. ‘પુણ્યાત્મો રામ કમાટી’ (1939) એ 18મી સદીના શ્રેષ્ઠ ગોવાનીઝનું ચરિત્ર છે, જે દર્શાવે છે કે પરાક્રમી અને બુદ્ધિશાળી માણસ સ્વાભિમાનના અભાવે કેવો કરમાયેલા ફૂલ જેવો બની જાય છે.
તેમણે ઇતિહાસ, વ્યાકરણ, ભાષાશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, નાટક જેવાં ઘણાં ક્ષેત્રોમાં લોકોનું સ્વાભિમાન જગાડવાનું લક્ષ્ય રાખ્યું હતું. ‘કોંકણી ચેમ નાદશાસ્ત્ર’ (‘ફોનેટિક્સ ઑવ્ કોંકણી’) (1940) અને ‘કોંકણીચી વ્યાકરાણી બંડવાલ’ (‘ધ સ્ટ્રક્ચર ઑવ્ કોંકણી’) (1949) દ્વારા તેમણે પુરવાર કર્યું કે કોંકણી એક સ્વતંત્ર ભાષા છે. ‘કોંકણી ભાષેચેમ જેત’ (‘ટ્રાયમ્ફ ઑવ્ કોંકણી’) (1930) અને ‘યેવકર અધ્યક્ષાન્લેમ યુલૂપ’ (‘સ્પીચ ઑવ્ ચૅરમૅન ઑવ્ રિસેપ્શન કમિટી’), (1945)માં તેમણે કોંકણી અંગેના વિવાદનાં અનેક પાસાંની ખંડનાત્મક છણાવટ કરી છે. તેમના તત્ત્વજ્ઞાનવિષયક શોધપ્રબંધ ‘ગોમન્તોપનિષદ’ના બે ગ્રંથો પૈકીનો એક ‘સંસારબત્તી’ (‘ફ્લડ’, 1933) તેમનો શ્રેષ્ઠ ગ્રંથ છે. ‘ભગવંતાલિમ જિન’ (1959) – એ ભગવદ્ગીતાનો અનુવાદ છે અને તે પણ એક નોંધપાત્ર ગ્રંથ છે.
નાટ્યક્ષેત્રે તેમણે પૂર્ણ કદનાં 3 નાટકો આપ્યાં છે : ‘મોગચેમ લગ્ન’ (1938); ‘પોવ્નાચેમ તેપ્લેમ’ (1948) અને ‘ઝિલ્બા રાણો’ (1950).
તેઓ એક પ્રગતિશીલ વિચારક, કોમી એકતાના હિમાયતી, સમાજના નીચલા વર્ગોના ઉદ્ધાર માટે હમેશાં સક્રિય અને સ્ત્રીઓની પ્રગતિનું સમર્થન કરનાર ઉત્તમ કક્ષાના પંડિત અને પ્રામાણિક લેખક હતા. કોંકણીના સુઢ સમર્થક તરીકેના તેમના પ્રભાવને તેમના મૃત્યુ બાદ ગોવાનીઝોની ત્રણ પેઢીઓએ પિછાણ્યો અને તેઓ ‘અદ્યતન કોંકણી સાહિત્ય અને પુનર્જીવનના પિતા’ ગણાયા.
બળદેવભાઈ કનીજિયા