સદારંગ-અધારંગ : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં ખ્યાલગાયનના પ્રવર્તક. સદારંગ-અધારંગ આ બે ભાઈઓનાં તખલ્લુસ છે, જે નામથી તેમણે શાસ્ત્રીય સંગીતમાં ખ્યાલ ગાયકી પર આધારિત ધ્રુપદોની રચના કરી હતી. તેમનાં મૂળ નામ ન્યામતખાં તથા ફીરોઝખાં હતાં અને આ બંને ભાઈઓ દિલ્હીના મહંમદશહા(1719-1748)ના દરબારમાં રાજગાયકો હતા. તે બંને બીનવાદનમાં નિપુણ હતા. તેમના પિતાનું નામ લાલખાં જ્ઞાની હતું. તેમના વિશેની કિંવદંતી એ છે કે એક-વાર બાદશાહે તેમને સ્વતંત્ર બીનવાદન કરવાને બદલે દરબારી ગાયકો સાથે સંગત કરવાનું ફરમાન કર્યું. બાદશાહનો આ આદેશ તેમને અપમાનજનક જણાતાં ગુસ્સામાં તે બંને બાદશાહના દરબારમાંથી નીકળી ગયા. થોડાક સમય માટે તેમને ભૂગર્ભમાં રહેવું પડ્યું હતું. ત્યારબાદ તેમણે શાસ્ત્રીય રાગો પર આધારિત અનેક પદોની રચના કરી; જે ગાવાની શૈલીને તેમણે ‘ખ્યાલ’ નામ આપ્યું. તેમણે રચેલાં ખ્યાલ પદોમાંથી જે પદો ધ્રુપદના નમૂના પર રચવામાં આવ્યાં હતાં તે પદો ‘મુંઢી ધ્રુપદ’ નામથી જાણીતાં બન્યાં. મોટાભાગના બડા ખ્યાલ તેમણે ધ્રુપદની શૈલીમાં રચ્યા હતા અને તે ગાતી વેળાએ તેઓ તેમના તખલ્લુસનો ‘સદા રંગીલે મોંમદસા’ નામ સાથે ઉલ્લેખ કરતા. થોડાંક વર્ષો બાદ તેમણે તેમની આ રચનાઓ દિલ્હી દરબારમાં પોતાના શિષ્યો દ્વારા રજૂ કરાવી, જે સાંભળીને બાદશાહ પ્રસન્ન થયા અને ત્યારબાદ બાદશાહે આ બંને ભાઈઓને પોતાના દરબારના ગાયકોમાં ફરી સન્માનપૂર્વક સ્થાન આપ્યું.
ખ્યાલ-ગાયનની પરંપરા તેમના થકી જ શરૂ થઈ છે. તેમના ખ્યાલોમાં શૃંગારરસનો પ્રાદુર્ભાવ વધારે જોવા મળે છે. સમય જતાં તેમના પુત્રો ફીરોઝખાં તથા ભૂપતખાં પણ સારા ગાયકોમાં ગણાતા થયા હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે