સત્યપાલસિંહ (ડૉ.) (જ. 1 જાન્યુઆરી 1978, મછરી, જિ. ગાઝિયાબાદ, ઉત્તરપ્રદેશ) : પૅરા-ઍથ્લેટિક્સના અગ્રણી કોચ.

સૌથી યુવા વયે દ્રોણાચાર્ય ઍવૉર્ડ મેળવનાર ડૉ. સત્યપાલસિંહે અનેક મુશ્કેલીઓનો સામનો કરી ઍથ્લેટિકક્ષેત્રે પોતાની આગવી પ્રતિભા ઊભી કરી છે. 1993થી 2003 સુધીની તેમની દસ વર્ષની ખેલાડી તરીકેની કારકિર્દીમાં તેમણે યુનિવર્સિટી, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક સિદ્ધિઓ મેળવી છે. યુનિવર્સિટી કક્ષાએ 19 તથા રાજ્ય કક્ષાએ 14 મેડલ મેળવનાર ડૉ. સત્યપાલસિંહ 8 વખત રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કરી ચૂકેલ છે.

સત્યપાલસિંહ (ડૉ.)

દસ વર્ષની પોતાની ઍથ્લેટિક કારકિર્દી બાદ સત્યપાલસિંહે ખેલ શિક્ષણ તરફ પોતાની કારકિર્દી બનાવવાનું વિચાર્યું. શારીરિક શિક્ષણક્ષેત્રે માસ્ટર ડિગ્રી મેળવ્યા પછી ડૉક્ટરની ઉપાધિ પણ મેળવી. આ સિવાય પણ તેમણે યોગા અને IAAF ટૅકનિકલ કોર્સ જેવાં અન્ય ક્ષેત્રોમાં માત્ર સર્ટિફિકેટ કોર્સ કર્યા છે. આના પરિણામે તેઓને દિલ્હી યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવાઓ આપવાની તક પણ મળી છે.

શૈક્ષણિક ક્ષેત્રની સિદ્ધિઓ પછી ડૉ. સત્યપાલસિંહે એક વધુ મોટી જવાબદારી ઉપાડી. વર્ષ 2007થી પેટા-ઍથ્લેટિક્સમાં ખેલાડીઓના કોચ તરીકે શરૂઆત કરી 15 વર્ષ સુધી મુખ્ય કોચ રહેલ ડૉ. સિંહે ચાર પૅરાલિમ્પિક 6 વિશ્વ ચૅમ્પિયનશિપ તેમજ 18 એશિયાઈ ખેલોમાં ભારતને પદક અપાવ્યા છે. તેમણે તૈયાર કરેલ ખેલાડીઓ પૈકી 2012માં રામકરણસિંહ તથા 2010માં જગસરસિંહ અર્જુન ઍવૉર્ડ માટે પસંદગી પામ્યા હતા. વર્ષ 2011માં તુર્કીમાં યોજાયેલા ચોથા આંતરરાષ્ટ્રીય ‘બ્લાઇન્ડ સ્પૉર્ટ્સ ફેડરેશન વિશ્વ ચૅમ્પિયનશિપ’માં તેમના દ્વારા પ્રશિક્ષણ મેળવેલ ખેલાડીઓએ એક સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. આ અગાઉ 2010માં ચાયનામાં યોજાયેલ 10મી એશિયન પૅરા-સ્પર્ધામાં પણ તેમના દ્વારા પ્રશિક્ષિત થયેલ ખેલાડીઓએ એક સુવર્ણ અને ચાર રજત ચંદ્રકો મેળવ્યા હતા.

ભારતના કેટલાક સફળ કોચ પૈકી એક શ્રી સત્યપાલસિંહે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રનાં ખેલમંડળોમાં સફળતાપૂર્વક સેવાઓ આપી છે, જે પૈકી 2006-2009 સુધી ઍથ્લેટિક ફેડરેશન ઑફ ઇન્ડિયાના મૅનેજર તરીકે, 2008 અને 2016ની ઑલિમ્પિક સ્પર્ધામાં, 2010, 2014 અને 2018ની એશિયન ગેઇમ્સમાં અને 2010ની કૉમનવેલ્થ ગેઇમ્સમાં ભારતના પૅરા-ઍથ્લેટ કોચ તરીકે સફળતાપૂર્વક કામગીરી કરેલ છે.

80થી વધુ દેશમાં એકસોથી વધુ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં સામેલ ડૉ. સિંહે કેટલાય ખેલાડીઓનાં જીવન બદલી નાખી સાબિત કર્યું છે કે દૃઢ સંકલ્પ અને સમર્પણથી બધી જ મુશ્કેલીઓનો સામનો કરી કોઈ પણ ક્ષેત્રે આગળ વધી શકાય છે. તેમની આ ધરોહર ઍથ્લેટિક અને કોચિંગ ક્ષેત્રે આવનાર પેઢીઓ માટે પ્રેરણારૂપ બની છે.

જગદીશ શાહ