સત્યના પ્રયોગો અથવા આત્મકથા (ભાગ 1 અને 2 : 1927, 1929) : મહાત્મા ગાંધીએ જન્મથી માંડીને પોતે એકાવન વરસના થયા ત્યાં સુધી (1869થી 1920 સુધીની) લખેલી જીવનકથા. આત્મકથા લખવી કે નહિ એવી મનમાં થોડી અવઢવ અને કામની વ્યસ્તતા છતાં કેટલાક અંતરંગ મિત્રોના આગ્રહને લીધે ‘નવજીવન’ સાપ્તાહિકમાં હપતે હપતે છપાયેલી આ કથા જોકે તેમના જીવનના અગત્યનાં છેલ્લાં 27 વર્ષોને આવરી નથી લેતી, તે છતાંય આ ગ્રંથ એની વસ્તુ, ભાષા, શૈલી અને નિરૂપણને કારણે માત્ર ગુજરાતી ભાષામાં જ નહિ પણ વિશ્વની સર્વ ભાષાઓમાં એક ઉત્તમ આત્મકથા તરીકે સ્થાન પામી શકે એમ છે. ફેબ્રુઆરી, 2006 સુધીમાં ગુજરાતીમાં એની 3,90,000 નકલો છપાઈ છે અને એક અંદાજ મુજબ વિશ્વની વીસેક જેટલી ભાષાઓમાં થયેલા એના અનુવાદોની કુલ 18,61,500થી વધુ અને એની સંક્ષિપ્ત આવૃત્તિની 8,83,000થી વધુ નકલો છપાઈ ચૂકી છે.
આ ગ્રંથની મહત્તા મુખ્યત્વે એની પારદર્શિતાને લીધે છે. આ કથા ગાંધીજીએ જીવનમાં કરેલા પ્રયોગોની યથાતથ કહાણી છે. આ પ્રયોગો સત્યના છે અને લખતી વખતે જે સત્ય ગાંધીજી અનુભવે છે ત્યાંથી પરમ સત્ય – જેને વિશે તેમને ઊંડી શ્રદ્ધા છે – ત્યાં સુધી પહોંચવા સારુ કરેલા પ્રયાસોની આ કથા છે. પોતે સિદ્ધ હોવાનો તેમણે કદી દાવો કર્યો નથી. આ એક સાધકની એવી કથા છે, જેમાં તેણે પોતાના જીવનની કિતાબને દુનિયા આગળ ધરી દીધી છે. આને પરિણામે કોઈ સિદ્ધ મહાપુરુષે જીવનમાં મેળવેલી સિદ્ધિઓ કે તેમણે કરેલા કોઈ ચમત્કારોની આ કથા નથી; પણ પ્રતિક્ષણ જાગ્રત રહીને કરેલી સાધનાની કથા છે. તેના આ ગુણને લીધે આ ગ્રંથ તેના વાચકના મનમાં માત્ર અહોભાવ પેદા કરીને અટકી જતો નથી. આત્મકથા પોતાના જેવી જ કોઈ વ્યક્તિ સત્યનું લક્ષ્ય આંખ આગળ રાખી, અંતરાત્માને સાક્ષી રાખીને પ્રયાસ કરતી રહે તો જીવનમાં કેટલે સુધી પહોંચી શકે છે એનો નમૂનો પૂરો પાડી વાચકને એવો પુરુષાર્થ કરવાની પ્રેરણા આપે છે. ‘સત્યના પ્રયોગો’ સત્યની એક એક ટૂક સર કરતા પરમ સત્ય તરફ આગળ વધતા આરોહણની કથા છે.
ગાંધીજીને સત્યની પ્રતીતિ ગળથૂથીમાંથી છે. આપણને આપણા અસ્તિત્વ વિશે જેટલું ભાન હોય છે, તેવું ભાન ગાંધીજીને પોતે જેને ‘સત્ય’ તરીકે ઓળખે છે, તેને વિશે છે; પરંતુ આપણું અસ્તિત્વ એ પરમ અસ્તિત્વનો એક અંશ જ છે, એનું ભાન આપણામાંથી ઘણાને નહિ હોય એટલું ભાન ગાંધીજીને એમનું સત્ય એ પરમ સત્યનો જ એક અંશ છે તે પરત્વે હતું. તેથી તેમનો સતત પ્રયાસ એ પરમ સત્યને પામવાનો છે અને આ પ્રયાસ ગ્રંથના આદિથી અંત સુધી પ્રતિબિંબિત થાય છે.
સત્યની ગાંધીજીની વ્યાખ્યા સરળ છે. ‘જે વિચારો, તે ઉચ્ચારો; અને જે ઉચ્ચારો તે આચરો.’ મન, વાણી અને કર્મની એકવાક્યતામાં એમને સત્ય લાધે છે. સત્યની આ સરળ વ્યાખ્યામાંથી જ એમની આત્મકથાની પારદર્શિતા પ્રગટે છે. ભાગ્યે જ બીજા કોઈ આત્મચરિત્રમાં આપણને આવી પારદર્શિતા જડશે.
આ પારદર્શિતા ગાંધીજી પાસે તેમની બધી અણઘડતા, મૂર્ખતા, ભીરુતા, વિષયાંધતાને નિ:સંકોચપણે અભિવ્યક્ત કરાવે છે, પરંતુ બીજાં કેટલાંક ‘કન્ફેક્શન્સ’ની માફક ગાંધીજી તેમાં રાચતા નથી અને વાચકને રાચવા પ્રેરતા પણ નથી. મોટેભાગે પોતે કરેલી ભૂલમાં કોઈ ભાગીદાર હોય તો તેમના નામનો ઉલ્લેખ કરવાનું તેઓ ટાળે છે. એમને બીજાને હેઠા પાડવામાં રસ નથી, બલકે ઉપર ચડાવવામાં રસ છે. તેઓ પોતાની ભૂલનો રાઈનો પર્વત કરે છે અને એના વર્ણનમાં એ ભૂલ હિમાલય જેવી મહાન બની જાય છે. આ ભૂલો સ્વેચ્છાએ પ્રકાશિત થતી હોવાને લીધે હિમાલય જેવી ઉદાત્ત અને હિમાલય જેવી જ ઉજ્જ્વળ બની જાય છે !
ભૂલોથી ઉપર ઊઠવાની એમની પ્રક્રિયા પણ એમની સત્યની વ્યાખ્યા જેવી જ સરળ છે : મનમાંયે ભૂલ કરો તો તરત એને કબૂલ કરો, તેવી ભૂલ ફરી ન કરવાનો નિર્ણય કરો અને એ નિર્ણયને ચોકસાઈથી પાળો. આ પ્રક્રિયાને લીધે જ ‘આત્મકથા’માં એમની એક ભૂલ ફરી થયેલી જડતી નથી. ભૂલસુધારની આ પ્રક્રિયા અત્યંત નમ્રતાથી અને પોતાને અહંકારથી વેગળા રાખીને તેઓ અમલમાં મૂકે છે. માટે તે મોટાઈના દેખાડા વિના સહજ ભાવે અને ઘણી વાર પશ્ચાત્તાપના ઝરણામાં ડૂબકી દઈને પુણ્યશાળી બની સ્વાભાવિક રીતે વ્યક્ત થઈ છે.
સત્યદર્શન અને પરમસત્યદર્શન ગાંધીજીને સારુ આત્મદર્શન અને પરમાત્મદર્શનના પર્યાયવાચી બની રહે છે.
સત્યની ખોજમાંથી જ ગાંધીજીને અભેદદર્શન થાય છે – વ્યક્તિ અને સમદૃષ્ટિ વચ્ચેનો અભેદ, જીવનનાં વિવિધ પરિમાણો વચ્ચેનો અભેદ તથા સાધ્ય અને સાધન વચ્ચેનો અભેદ.
વ્યક્તિ અને સમદૃષ્ટિના અભેદને કારણે જ તેઓ ‘હરિશ્ર્ચંદ્ર’ નાટક જોઈ વિચારે છે : બધા સત્યવાદી હરિશ્ર્ચંદ્ર કાં ન બને ? જીવનને ખંડ ખંડ રૂપે ન જોવાથી જ તેમને રાજકારણ પણ અધ્યાત્મ-સાધનાનો વિષય લાગે છે.
સાધ્ય-સાધનના અભેદને કારણે એમની કોશિશ અહિંસાને વળગી રહીને સત્ય સુધી પહોંચવાની હોય છે.
પોતાના સત્યને ગાંધીજી જ્યાં સુધી તે ખોટું પુરવાર ન થાય ત્યાં સુધી વળગી રહે છે, પરંતુ પોતાને જણાતું સત્ય એ પૂર્ણ સત્ય નથી એનું ભાન તેમને સતત રહે છે. બીજાનું સત્ય જોવા સારુ તેઓ મનને સદા મોકળું રાખે છે. એમાંથી જ અહિંસા જન્મી છે. સત્ય બીજે પક્ષે પણ હોય એ વાત જે માને છે તેણે અહિંસા સ્વીકારી. સત્ય સાધ્ય છે અને અહિંસા સાધન. ગાંધીજી ક્રમશ: એ બંનેમાં પણ અભેદ જોતા થઈ ગયા છે. તેથી તેમની સાધના સત્ય-અહિંસાના અદ્વૈતની બની જાય છે, જેને તેઓ સત્યાગ્રહ નામ આપે છે.
જીવનનાં વિવિધ પાસાંઓનો અભેદ તેમને રાજકારણમાં પણ આધ્યાત્મિક કે નૈતિક મૂલ્યો દાખલ કરવાના આગ્રહી બનાવે છે. એ અભેદને લીધે જ તેઓ નૈતિક દૃષ્ટિએ જેટલા શુદ્ધ બને છે એટલા જ રાજનૈતિક દૃષ્ટિએ શક્તિશાળી બને છે અને આત્મકથા લખતાં પહેલાં તેમણે પ્રત્યક્ષ રાજકારણથી જે નિવૃત્તિ સેવી હતી તે કાળ આત્મકથા લખ્યા પછીનાં વર્ષોમાં રાજનીતિમાં ફરી ઝંપલાવતી વખતે તેમને વધુ શક્તિશાળી રૂપે બહાર લાવે છે.
ગાંધીજીની સત્યની શોધ એમની લેખનશૈલીને ઢાળે છે. સત્યવચનનો આગ્રહ તેમને મિથ્યાવચનથી દૂર રાખે છે અને તેમાંથી જ તેઓ મિતભાષિતા સુધી જાય છે. આત્મકથાની તેમની શૈલીમાં લાઘવ એ ખાસ ધ્યાન ખેંચે તેવો ગુણ છે. લાઘવના આ ગુણ પાછળ એક બીજું પણ કારણ જણાઈ આવે છે. એમને જે કહેવું છે તેની પાછળ અનુભૂત સત્ય છે. તે તેમને એવો આત્મવિશ્વાસ આપે છે કે તેઓ ખૂબ ઓછા શબ્દોમાં પોતાના વિચાર કે મનોભાવ વ્યક્ત કરે છે. લાઘવના આ ગુણમાંથી જ આત્મકથાનાં ટૂંકાં પ્રકરણો, નાના નાના ફકરાઓ અને ગણ્યાગાંઠ્યા શબ્દોવાળાં ટૂંકાં વાક્યો નીપજે છે. તેઓ વિશેષણો ખૂબ ઓછાં વાપરે છે. એમનાં વાક્યોમાં શબ્દો પણ ટૂંકા ને ટચ હોય છે, પણ એ વાક્યોનું અર્થગાંભીર્ય અસાધારણ હોય છે. આત્મકથાનાં કુલ 169 પ્રકરણોમાં પચાસેક જેટલાં પ્રકરણોનાં મથાળાં માત્ર એક શબ્દનાં છે અને તેમાંથી પાંચ તો માત્ર બે અક્ષરોના છે. આત્મકથાના પાંચમા ખંડના 40મા પ્રકરણનું મથાળું ‘મળ્યો’ તો આર્કિમીડીઝના ‘યુરેકા’ ઉદ્ગારની યાદ અપાવે તેવો અર્થસભર છે. નાનાં અને સરળ શબ્દોવાળાં વાક્યોવાળી ગાંધીજીની શૈલી લાઘવની બાબતમાં તેમને ઉપનિષદના ઋષિઓ, બાઇબલના પ્રવક્તાઓ અથવા જ્ઞાનેશ્વર કે કબીર જેવા સંતોની હરોળમાં મૂકે છે. આત્મકથાનાં અનેક વાક્યો સંસ્કૃતનાં મહાવાક્યો જેવું અર્થગાંભીર્ય ધરાવે છે. આ રહ્યા કેટલાક નમૂનાઓ :
સત્ય એ જ પરમેશ્વર છે.
મૂળ રોગ વ્યક્તિમાં નહિ, વ્યવસ્થામાં છે,
બીજાને નામોશી કરી મનુષ્યો પોતે કેમ માન માની શકતા હશે ?
મારું અંતર જે મોટો કાયદો સ્વીકારે છે, તેને અનુસરીશ.
અલ્પાત્માને પામવાને સારુ સત્યનો ગજ કદી ટૂંકો ન બનો.
ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાઓ, પણ સત્યનો જય થાઓ.
સત્યના પ્રયોગવીરની વૃત્તિ વિજ્ઞાનના પ્રયોગવીર જેવી છે. તેમણે નિયમસર, વિચારપૂર્વક, ઝીણવટથી આત્મનિરીક્ષણ કરી એકેએક ભાવને તપાસીને તેનું પૃથક્કરણ કર્યું છે. જે સમયે જે સત્ય તેમને લાધ્યું છે તે તેમણે વાચક આગળ ધરી દીધું છે, પણ પોતાના પ્રયોગો બાબત તેમણે મન હંમેશાં ખુલ્લું રાખ્યું છે.
માનવજાતને ગાંધીજીની ત્રણ મોટી દેણ છે : સત્યાગ્રહ, એકાદશવ્રત અને રચનાત્મક કામ. સત્ય પ્રત્યેની અપાર શ્રદ્ધા અને અન્યાય અનીતિ કે દમનનો અહિંસા વડે પ્રતિકાર કરવાની તેમની તીવ્ર ઉત્કંઠામાંથી તેમને સત્યાગ્રહ સાંપડ્યો છે. સત્ય-અહિંસાને માર્ગે ચાલતાં જે સ્વૈચ્છિક શિસ્ત રાખવાની તેમને જરૂર જણાઈ તેમાંથી તેમને એકાદશવ્રત મળ્યાં અને સત્ય-અહિંસામાં ભાવિ સમાજનો પાયો તેમને રચનાત્મક કાર્યક્રમમાં દેખાયો. આત્મકથા લખાઈ ત્યાં સુધીમાં ગાંધીજીને આ વસ્તુઓ તત્વ રૂપે મળી ચૂકી છે. તેમના શેષ 1/3 જીવનમાં આ ત્રણેય તત્વોનો તેમણે સમાજમાં વ્યાપક પ્રયોગ કર્યો હતો. આત્મકથામાં પણ આ ત્રણેયનો તત્વ રૂપે ઉલ્લેખ છે, જોકે નિત્ય વિકાસશીલ એવા ગાંધીજીના જીવનના શેષ ભાગમાં આ ત્રણેય અંગે વધુ ને વધુ ચિંતન, મનન અને આચરણ થયું છે. આત્મકથા લખાઈ ત્યાં સુધીમાં રાજકીય, સામાજિક અને આર્થિક ક્ષેત્રોમાં સત્ય તેમને ન્યાય રૂપે દેખાયું છે અને એ ન્યાય મેળવવાની તથા અન્યાયનો પ્રતિકાર કરવાની પ્રક્રિયા રૂપે તેમને સત્યાગ્રહ મળ્યો છે. સત્યાગ્રહી જીવન જીવતાં જે વ્યક્તિગત ગુણોને સામૂહિક મૂલ્યો તરીકે સ્થાપવાની ગાંધીજીને જરૂર જણાઈ તેમાંથી એકાદશવ્રત ઊપજ્યાં. સત્યનારાયણની ઉપાસનાનું માધ્યમ તેમણે સૃદૃષ્ટિ, માનવ અને ખાસ તો સૌથી પછવાડેના માનવની સેવાને માન્યું છે. તેમાંથી ગાંધીજીને રચનાત્મક કાર્યક્રમો સૂઝ્યા છે. સત્યાગ્રહ, એકાદશવ્રત અને રચનાત્મક કામના – મંગળ ત્રિકોણની અભિવ્યક્તિ આપણને આત્મકથામાં મળે છે.
આત્મકથાનાં પ્રકરણોમાં અનેક નાટકીય પ્રસંગો અનાયાસ ગૂંથાયા છે. ગાંધીજીની અહિંસા વિશેની સમજ તેમને સામા પક્ષના સત્યને સમજવા પ્રેરે છે. તેથી આત્મકથાના સંવાદો તેમના એકલાના જ નહિ, પરંતુ તેમનો સંવાદ જેમની જોડે ચાલતો હોય તેમના શબ્દોને પણ જીવંત બનાવે છે.
સત્ય વિશેના ગાંધીજીના આગ્રહે એમની આત્મકથાને એની ચોકસાઈ અને ચોટડૂકતા આપી છે. એમના વિવેકે એમને બીજી કેટલીક આત્મકથાઓ જેવાં બણગાંઓ ફૂંકવામાંથી બચાવ્યા છે.
સત્યાગ્રહનું બીજ ગાંધીજીને પિતાના ‘મોતીબિંદુ’ અને પત્નીના સૌમ્ય પણ નિશ્ચયાત્મક બળમાંથી મળ્યું છે, પરંતુ સત્યાગ્રહનું શતદલ તો પીટર મૅરિત્સબર્ગ રેલવે સ્ટેશનના રંગદ્વેષી વ્યવહારરૂપી પંકમાંથી જ ખીલ્યું છે.
વ્રતોના સંસ્કાર તેમણે માતા પાસેથી લીધા છે. અનેક પ્રસંગોએ પોતાની જાતને ભઠ્ઠીમાં નાખીને તેમણે તે વ્રતોને પકવ્યાં છે.
અત્યાર સુધી વ્યક્તિગત ગુણ મનાતા સત્યાદિ વ્રતોને સત્યાગ્રહીની શિસ્તનું રૂપ આપી આ ગુણોને સામાજિક મૂલ્યોમાં પરિણત કરનાર પ્રતિભા તો ગાંધીજીની આગવી જ હતી.
ડરબનમાં ઘરને આંગણે આવેલ કુષ્ઠરોગી કે બાલસુંદરમ્ જેવા ગિરમીટિયાની સેવાથી શરૂ થયેલ રચનાત્મક કાર્યો સાબરમતી કે સેવાગ્રામ આવ્યા પછી ખીલી ઊઠીને દેશવ્યાપી થયાં હતાં.
આત્મકથાની અસરકારકતા દાંડીકૂચ જેવી છે સાંકેતિક અને સત્યને સામાન્ય જનના હૃદય સુધી પહોંચાડે તેવી. આત્મકથાની તેજસ્વિતા જીવનમાંથી જડેલા સત્યની તેજસ્વિતા છે; ‘ક્વિટ ઇંડિયા’ના સૂત્ર જેવી સીધી સાદી અને દૈદીપ્યમાન.
આત્મકથાની ભાષાની સાદગીનું સૌંદર્ય એના ‘ધર્મજાનિ કુસુમાનિ’ સમા ફિનિક્સ વસાહત, ટૉલ્સ્ટૉય વાડી, સાબરમતીના હૃદયકુંજ અને સેવાગ્રામ આશ્રમની બાપુકુટીના સૌંદર્ય સમું છે.
ગાંધીજીના સત્યાનુભવે તેમને કેટલાક મૌલિક શબ્દો ઘડવાની કે નવા સંકેતો સૂચવવાની સૂઝ આપી છે. તેમની ત્રણેય દેણ સારુ તેમણે ત્રણ મૌલિક શબ્દો યોજ્યા છે. વળી ગાયને ‘કરુણાનું કાવ્ય’ અને વિધવાને ‘ત્યાગમૂર્તિ’ કહેવામાં ગાંધીજીની સંકેતો શોધવાની લાક્ષણિક સૂઝ કામ લાગી છે; જે એમને એમના જીવનમાં રેંટિયો, કૂચ, પોતડી, ‘નમક સત્યાગ્રહ’ વગેરે સંકેતો ઉતારવામાં ઉપયોગી થઈ છે.
આત્મકથા ગાંધીજીના અંતર્બાહ્ય સંઘર્ષની કથા છે. અંતરમાં ગાંધીજી વિકારાદિને જીતીને નિર્વિકાર થવા મથે છે. બહાર તેઓ રંગદ્વેષ, ગુલામી, આભડછેટ આદિથી મુક્ત થવા પુરુષાર્થ આદરે છે. આ સર્વ સંઘર્ષોને ગાંધીજી પરસ્પર સંકળાયેલા અનુભવે છે. તેમને મન વ્યક્તિગત મુક્તિ કે મોક્ષ અને સામૂહિક મુક્તિ કે સ્વતંત્રતાનો સંઘર્ષ અભિન્ન છે. આ કથા જેટલી ‘શરમાવા’ અંગે છે, તેટલી જ એ ‘નકારવા’ અંગે છે અને તેથી જ તે લાખો-કરોડો લોકોને એવાં આશ્વાસન અને આસાએશ આપી જાય છે કે શરમ સામે ન હારવાના સંઘર્ષનો રસ પણ લૂંટી શકાય તેવો છે. આત્મકથાની મહત્તા ગાંધીની સિદ્ધિમાં નહિ, પણ એમની સાધનામાં છે; એમના વિજયમાં નહિ પણ એમના સંઘર્ષમાં છે.
ગાંધીજી ગુજરાતી જેટલી જ સરળતાથી અંગ્રેજીમાં લખી શકતા હતા. છતાંય તેમણે ‘હિંદ સ્વરાજ’, ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસ’ની જેમ આત્મકથા પણ મૂળ ગુજરાતીમાં જ લખી. પશ્ચિમના કેટલાક વિદ્વાનોએ એવો પ્રશ્ન ઊભો કર્યો છે કે ગાંધીજીએ આત્મકથા અંગ્રેજીમાં શા સારુ ન લખી ? જો તેમણે તેમ કર્યું હોત તો તેઓ બહુ વિશાળ વાચકવર્ગ સુધી સીધા પહોંચવા પામ્યા હોત. પણ ગાંધીજીએ વાજબી રીતે જ પોતાના બધા મૌલિક ગ્રંથો માતૃભાષા ગુજરાતીમાં જ લખ્યા છે. દુનિયાના લગભગ તમામ મહાન ગ્રંથો તેના લેખકોની માતૃભાષામાં જ લખાયા છે, પછી ભલે એ ગ્રંથોના દુનિયાની ઘણીબધી ભાષામાં અનુવાદ થયા હોય.
ગાંધીજીએ જેમ આ સ્ફટિક-શી નિર્મળ પારદર્શિતાવાળો ગ્રંથ ગુજરાતીમાં લખીને માતૃભાષાને ગૌરવાન્વિત કરી છે, તેમ બીજી બાજુ તેમણે આ લખાણ માતૃભાષામાં કરીને એ ભાષાના અને એની જોડે જોડે સંસ્કૃત ભાષાના બહુમૂલ્ય વારસાને પોતાના લખાણમાં ઝીલ્યો છે. ગાંધીજીએ જો ભારતીય સંસ્કારોનો વારસો ન લીધો હોત તો એમના જીવનમાં જે બે મહાન પ્રવાહો – ચિત્તશુદ્ધિ દ્વારા મુક્તિ અને અન્યાયના અહિંસક પ્રતિકાર દ્વારા મુક્તિના પ્રવાહો – નો જે સુભગ સંગમ જોવા મળે છે તે ન મળત. અંગ્રેજી આત્મકથાકારને એના જીવનના લક્ષ્ય સારુ ‘મોક્ષ’ શબ્દ ક્યાંથી સૂઝત ? અને ‘સત્યાગ્રહ’ શબ્દ અંગ્રેજીમાં કેવા રૂપે પ્રગટ્યો હોત ? રવીન્દ્રનાથ ઠાકુરને નોબેલ પારિતોષિક ભલે અંગ્રેજી ગીતાંજલિ પર મળ્યું હોય, પણ એ ગીતોની અંજલિ મૂળ તો તેમણે માતૃભાષા બાંગ્લામાં જ આપી હતી. હેન્રિક યોહાન ઇબ્સને, એની માતૃભાષા ભલે અંગ્રેજી કરતાં ઓછા લોકો બોલતા હોય, પણ એનાં જગપ્રસિદ્ધ નાટકો તો માતૃભાષા નૉર્વેજિયનમાં જ લખેલાં. એવું જ જગતના લગભગ તમામ મહાન લેખકો વિશે કહી શકાય એમ છે.
ગાંધીજીએ આત્મકથા ગુજરાતીમાં ન લખી હોત તો ગુજરાતી ભાષા એક મહાન ગ્રંથથી જ નહિ, પણ કદાચ વિશ્વસાહિત્યની કક્ષાએ ચડવાથી જ વંચિત રહી ગઈ હોત. ‘શું શાં પૈસા ચાર’નું મહેણું ખરેખર તો ગાંધીજીની આત્મકથાએ જ ફેડ્યું છે. પણ બીજી બાજુ ગાંધીજીએ આત્મકથા ગુજરાતીમાં ન લખી હોત તો એ ગ્રંથ વેદ, ઉપનિષદ અને ગીતા, કબીર, તુલસી અને સુરદાસના ભારતીય તથા નરસિંહ-મીરાથી માંડીને શામળ અને નિષ્કુળાનંદ સુધીના ગુજરાતી સંસ્કાર-વારસાથી વંચિત રહી ગઈ હોત એ પણ એટલું જ સાચું છે. આમ ગાંધીજીએ ગુજરાતી ભાષાને આત્મકથા દ્વારા વિશ્વસાહિત્યમાં મહિમામંડિત સ્થાન અપાવ્યું છે એ વિધાન જેટલું સાચું છે, એટલું જ એ વિધાન પણ સાચું છે કે ગુજરાતી ભાષાએ ગાંધીજીને પોતાનો સમૃદ્ધ વારસો આપ્યો છે. આત્મકથામાં એક તરફથી ચિત્તશુદ્ધિ દ્વારા આત્મદર્શનનો અને બીજી તરફથી અન્યાયના અહિંસક પ્રતિકાર દ્વારા ક્રાંતિની ધારાનો અપૂર્વ સંગમ જોવા મળે છે.
આત્મકથા વિશે એક ટીકા એવી છે કે સામાન્ય જીવનમાં ગાંધીજી જેટલા વિનોદી હતા, તેવો વિનોદ આત્મકથામાં દેખાતો નથી. આ ટીકા સાચી છે. પણ એનાં કારણો એ નથી કે ગાંધીજીએ આ ગ્રંથ વિષાદભરી મન:સ્થિતિમાં લખ્યો છે અથવા ગાંધીજીનો આગવો વિનોદ અંગ્રેજી ભાષાન્તરમાં ગુમ થઈ ગયો છે. ગાંધીજી લોકોને પ્રત્યક્ષ મુલાકાતો આપે તે વખતે અથવા કોઈની સાથેના વાર્તાલાપમાં એમનો વિનોદ ખીલી ઊઠતો. આત્મકથા હપતે હપતે ‘નવજીવન’માં છપાઈ છે. એ લખતી વખતે ગાંધીજીની નજર સમક્ષ ‘નવજીવન’ના સરેરાશ વાચકો હશે. તેથી તેમને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલું લખાણ એટલું વિનોદભર્યું ન પણ હોય. એમના સંવાદો કે મુલાકાતના અહેવાલો જોઈએ ત્યારે એમનો વિનોદ વધુ સ્પષ્ટપણે ખ્યાલમાં આવે એમ બને.
એક પ્રશ્ન એવો ઉઠાવવામાં આવે છે કે વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના આ જમાનમાં પોણો સો કરતાં વધુ વરસ પર લખાયેલી ગાંધીજીની આત્મકથા પ્રસ્તુત કેટલી ? એ પ્રશ્નનો જવાબ આપણી આવદૃશ્યકતા પર અવલંબે છે. જો આજની આતંકવાદ, હિંસા અને યુદ્ધોથી ગ્રસ્ત દુનિયાને યુદ્ધના કોઈ નૈતિક વિકલ્પની આવદૃશ્યકતા હોય; જે દુનિયામાં રોજેરોજ આત્મહત્યાના અસંખ્ય કિસ્સાઓ બનતા રહે છે તેને જો આંતરિક શાંતિની આવદૃશ્યકતા હોય; વર્ગ, વર્ણ, જાતિ, લિંગ, ભાષા, રાષ્ટ્ર વગેરે ભેદોથી ત્રસ્ત દુનિયાને જો ભેદમાંથી અભેદ તરફ જવાની જરૂર હોય, તો કોઈ પણ તટસ્થ વિવેચકને એ કબૂલ કરવું પડશે કે ગાંધીજીની આત્મકથા લખાઈ તેના કરતાં આજે તે જરાય ઓછી પ્રસ્તુત નથી.
નારાયણ દેસાઈ