સત્યનારાયણ વિશ્વનાથ (જ. 1895, નંદમુર, જિ. ક્રિશ્ન, આંધ્રપ્રદેશ; અ. 1976) : તેલુગુ ભાષાના સુવિખ્યાત કવિ અને લેખક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘વિશ્વનાથ મધ્યક્કારલુ’ માટે 1962ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.
રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં જન્મ. તેમની માતૃભાષા તેલુગુ હોવા સાથે તેઓ સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના વિદ્વાન હતા. કૉલેજશિક્ષણ ચેન્નાઈમાં લીધું. તેમણે તેલુગુ, સંસ્કૃત અને અંગ્રેજીમાં 100થી વધુ ગ્રંથો આપીને તેલુગુ સાહિત્યનાં વિવિધ સ્વરૂપો જેવાં કે કાવ્યો, પવાડા, નવલકથા, ટૂંકી વાર્તા, નાટકો અને વિવેચનાત્મક નિબંધોનો ઠીક ઠીક વિકાસ સાધ્યો છે.
તેમણે મછલીપટ્ટણમ, ગુન્તાર અને વિજયવાડા ખાતે તેલુગુના અધ્યાપક અને પાછળથી સરકારી કૉલેજ, કરીમનગરના પ્રિન્સિપાલ તરીકે સેવાઓ આપી હતી. ત્યારબાદ તેઓ તેલુગુમાં રચનાત્મક લખાણના વિકાસ તરફ વળ્યા. 1917માં ‘આંધ્ર પૌરુષમ્’ અને ‘વિશ્વેશ્વર શતકમ્’ નામક પ્રથમ કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા બાદ તેમણે 1918માં નવલકથા ‘અંતરાત્મા’ અને પ્રથમ નાટક ‘ધન્યકૈલાસમ્’ પ્રગટ કર્યા. 1923માં ‘કિન્નેરસાની પટલુ’ નામનો ઊર્મિકાવ્યસંગ્રહ પ્રગટ કર્યો. 1930માં અદ્ભુત પ્રેમકિસ્સાવાળી પ્રથમ ઐતિહાસિક કથા ‘એકવીર’ પ્રગટ કરી. તેમની સૌથી પ્રસિદ્ધ નવલકથા ‘વેયી પાડગલુ’ 1934માં અને ‘મા બાહુ’ તથા ‘ચેલિયાલી કટ્ટા’ જેવી બીજી નવલકથાઓ 1935માં આપી. 1935માં તેમને ‘કવિસમ્રાટ’નો ખિતાબ આપવામાં આવ્યો. 195661 સુધીમાં નવલકથા ‘મ્રોયુ તુમ્મેડા’ આપ્યા બાદ 1962માં તેમણે તેમની સૌથી મહાન કૃતિ ‘શ્રીમદ્ રામાયણકલ્પવૃક્ષમ્’ આપી.
તેઓ જીવન અને સાહિત્યમાં પરંપરાગત મૂલ્યોના સંનિષ્ઠ સમર્થક હતા. સંસ્કૃત અને તેલુગુમાં તેમની દૃઢ માન્યતાઓ માટેની હિંમત, તેમની રચનાત્મક કલ્પના અને પ્રશિષ્ટ પંડિતાઈ માટે સમાદર થતો હતો. તેમના કેટલાક કાવ્યસંગ્રહો અને નવલકથાઓમાં તેમની ભાવિ આગાહીનો મિજાજ અને ભાવના અભિવ્યક્ત થાય છે. તેમની શ્રેષ્ઠ સાહિત્યિક કારકિર્દી દરમિયાન તેમને અનેક ઍવૉર્ડ અને સન્માન પ્રાપ્ત થયાં. 1964માં આંધ્ર યુનિવર્સિટી, વૉલ્ટેર તરફથી તેમને ‘કલાપ્રપૂર્ણા’નો ખિતાબ એનાયત થયો. પછી ભારતના રાષ્ટ્રપતિએ તેમને ‘પદ્મભૂષણ’નો ખિતાબ આપી સન્માન્યા. 1970માં નવી દિલ્હી ખાતે તેઓ સાહિત્ય અકાદમીના ફેલો ચૂંટાયા. 1971માં તેમને વેંકટેશ્વર યુનિવર્સિટી, તિરુપતિ દ્વારા ડી.લિટ.ની પદવીનો પુરસ્કાર આપવામાં આવ્યો. આંધ્રપ્રદેશ સરકારે તેમની રાજકવિ તરીકે નિમણૂક કરી. 1971માં તેમને પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો.
તેમની પુરસ્કૃત કૃતિ ‘વિશ્વનાથ મધ્યક્કારલુ’ સર્વોપરી સર્જનહારના દસ અવતારોને સંબોધન કરતાં મધ્યક્કાર છંદમાં દસ ‘શતકો’ની બનેલી છે. તેમાં જુદાં જુદાં 10 તીર્થસ્થાનોમાં પ્રતિષ્ઠિત અને પૂજાતા દસ દેવોને સંબોધન કરતાં ભક્તિકાવ્યોની સુંદર ગૂંથણી કરવામાં આવી છે. તેમાં શ્રીગિરિ, શ્રીકાલહસ્તી, ભદ્રગિરિ, કુલુસ્વામી, શેષાદ્રિ, દક્ષરામ, નંદમુરુ, નેકારુકાલ, મુન્નાન્ગી અને વેમૂલાવાદ શતકોનો સમાવેશ થાય છે. આ શતકો દ્વારા તેમણે વિવિધ હિંદુ અવતારોમાં તેમનો ઈશ્વર પ્રત્યે ઊંડો ભક્તિભાવ પ્રગટ કર્યો છે. એ કૃતિમાં વ્યક્ત થતી વિયોગની વેદના, મિલન માટેની ઝંખના અને આધ્યાત્મિક પ્રાપ્તિનો અત્યાનંદ જેવી ઉત્કટ ભાવનાઓને લીધે તેનું તેલુગુ સાહિત્યમાં મોખરાનું સ્થાન રહ્યું છે.
બળદેવભાઈ કનીજિયા