સખારૉવ, આંદ્રે ડિમિટ્રિયેવિચ (જ. 21 મે 1921, મૉસ્કો; અ. 1989, મૉસ્કો) : સોવિયેત સંઘના અગ્રણી ભૌતિકશાસ્ત્રી; સોવિયેત સંઘના હાઇડ્રોજન બૉમ્બના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપનાર વૈજ્ઞાનિક; વ્યક્તિસ્વાતંત્ર્ય, માળખાગત રાજકીય સુધારણા અને માનવ-અધિકારોના પ્રખર હિમાયતી તથા વર્ષ 1975ના શાંતિ માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. પિતા પણ ભૌતિકશાસ્ત્રના વિદ્વાન હતા. તેમની પાસેથી પ્રેરણા લઈને પુત્ર સખારોવે પણ તે જ વિષયનું અધ્યયન કર્યું. છવ્વીસ વર્ષની વયે તેમણે 1947માં ભૌતિકશાસ્ત્ર વિષયમાં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી તથા 32 વર્ષની વયે 1953માં સોવિયત અકાદમી ઑવ્ સાયન્સિઝની પૂર્ણ સદસ્યતા પ્રાપ્ત કરી. આ સમગ્ર કારકિર્દી દરમિયાન દેશના એક અગ્રણી વિજ્ઞાની હોવાને કારણે શાસકીય સ્તરે તેઓ ખૂબ માનસન્માન મેળવતા રહ્યા. ત્રણ વાર તેમને ‘હીરો ઑવ્ સોશિયાલિસ્ટ લેબર’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. પરંતુ 1961માં તેમની કારકિર્દીમાં અણધાર્યો વળાંક આવ્યો અને તેને લીધે ત્યારપછીનાં પચ્ચીસ વર્ષ (1961-86) દરમિયાન તેમણે અને તેમનાં
પત્નીએ ખૂબ યાતનાઓ ભોગવી. 1961માં સોવિયેત સંઘના તત્કાલીન સર્વેસર્વા નિકિતા ક્રુશ્ચેવે અવકાશમાં 100 મૅગાટન ન્યૂક્લિયર બૉમ્બનું પરીક્ષણ કરવાની યોજના ઘડી કાઢી હતી, જેનો તેની સંભવિત રેડિયોઍક્ટિવ અસરો ધ્યાનમાં લઈને સખારૉવે જાહેરમાં સખત વિરોધ કર્યો. 1968માં સખારૉવે વિશ્વની બધી જ અણુસત્તાઓને ઉદ્દેશીને એક જાહેર નિવેદન બહાર પાડ્યું અને તે દ્વારા મહાસત્તાઓને ન્યૂક્લિયર નિ:શસ્ત્રીકરણ કરવાની હાકલ કરી. 1970માં તેમણે સોવિયેત સંઘમાં ‘માનવઅધિકાર સમિતિ’ની રચના કરવામાં સક્રિય ફાળો આપ્યો. 1980માં સોવિયેત સંઘની ગુપ્તચર સંસ્થા કે. જી. બી. દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી તથા તેમને મૉસ્કોમાંથી હાંકી કાઢવામાં આવ્યા અને ગૉર્કીમાં નજરકેદમાં ધકેલવામાં આવ્યા. દેશની પોલીસ દ્વારા તેમની થતી હેરાનગતિના વિરોધમાં 1981 તથા 1984માં તેમને બે વાર ભૂખહડતાળ પર ઊતરવું પડ્યું હતું. 1984માં તેમની પત્નીને પણ ગૉર્કી ખાતે નજરકેદમાં રાખવામાં આવ્યાં હતાં. 1981-86નાં છ વર્ષના ગાળામાં ગૉર્કી ખાતે નજરકેદ દરમિયાન તેમને તથા તેમનાં પત્નીને અનેક જાતની શારીરિક અને માનસિક યાતનાઓ ભોગવવી પડી હતી, જેનો તેમણે અને તેમનાં પત્નીએ નીડરતાથી સામનો કર્યો હતો; એટલું જ નહિ, પરંતુ સામ્યવાદી પક્ષના શાસનકાળ દરમિયાન સોવિયેત સંઘમાં માનવઅધિકારોનું જે સતત હનન થઈ રહ્યું હતું તેનો તે બંનેએ અલગ અલગ રીતે વિરોધ કરવાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. તેમની આ પ્રવૃત્તિઓને કારણે દેશના એક અગ્રણી વૈજ્ઞાનિક તરીકે 1961 પહેલાં તેમને જે શાસકીય માનસન્માન અને ખિતાબ એનાયત કરવામાં આવ્યાં હતાં તે બધાં છીનવી લેવામાં આવ્યાં અને તેમની હેરફેર પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યા.
દરમિયાન વર્ષ 1975 માટેનો નોબેલ શાંતિ પુરસ્કાર તેમને એનાયત કરવાની જાહેરાત તે વર્ષની નોબેલ પારિતોષિક સમિતિએ સ્ટૉકહોમ ખાતે કરી. તે જાહેરાત થતાં જ સખારૉવ સામેની કિન્નાખોરી અને હેરાનગતિમાં વધારો કરવામાં આવ્યો. પરિણામે નોબેલ પુરસ્કાર ગ્રહણ કરવા માટે તેઓ દેશની બહાર જઈ શક્યા નહિ. 1985માં મિખાઇલ ગોર્બાચેવ સોવિયેત સંઘમાં સત્તા પર આવતાં તેમના નેતૃત્વ હેઠળ દેશમાં રાજકીય અને આર્થિક પરિવર્તનોના નવા યુગની શરૂઆત થઈ, જે ‘ગ્લાસનૉસ્ટ’ અને ‘પેરિસ્ટ્રૉઇકા’ તરીકે જાણીતી બની. તેના પગલે પગલે સોવિયેત સરકારની નાગરિકો પ્રત્યેની નીતિમાં પણ ફેરફારો શરૂ થયા. પરિણામે 1986માં સખારૉવને નજરકેદમાંથી મુક્ત કરવામાં આવ્યા. જોકે ત્યારપછીનાં બે-અઢી વર્ષમાં પણ તેમને ગૉર્કી ખાતે જ રહેવું પડ્યું હતું. છેવટે 1989માં મૉસ્કો આવવાની પરવાનગી તેમને આપવામાં આવી. તે જ વર્ષે નવા ઘડાયેલા કૉંગ્રેસ ઑવ્ પીપલ્સ ડેપ્યુટીઝના સભ્ય તરીકે તેમની વરણી કરવામાં આવી. પરંતુ સખારૉવ સોવિયેત સંઘમાં વ્યક્તિસ્વાતંત્ર્ય અને માનવઅધિકારો માટે કોઈ નવા અને નક્કર પગલાં લઈ શકે તે પૂર્વે જ 1989માં વ્યક્તિસ્વાતંત્ર્ય, લોકશાહી અને માનવઅધિકારોના આ પ્રખર હિમાયતીનું અવસાન થયું.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે